સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ માટે બચાવ-કામગીરી અત્યંત મુશ્કેલ બની
ઘટનાસ્થળેથી હૉસ્પિટલમાં લઈ જવાતા મૃતદેહની ફાઇલ તસવીર
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં વિમાનમાં ૧.૨૫ લાખ લીટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ભરેલું હોવાના કારણે દુર્ઘટનાસ્થળે આગ લાગ્યા બાદ તાપમાન ૧૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને એને કારણે બચાવ-કામગીરી લગભગ અશક્ય બની ગઈ હતી.
આ સંદર્ભમાં બચાવ-કામગીરી કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘સ્થળ પર રહેલાં કૂતરાઓ અને પક્ષીઓ પણ બચી શક્યાં નહોતાં. તમામ વાહનો પણ સળગી ગયાં હતાં. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ના કર્મચારીઓ બપોરે બેથી ૨.૩૦ વાગ્યાની વચ્ચે બી. જે. મેડિકલ કૉલેજના ડૉક્ટરો અને સ્ટાફના સભ્યોનાં હૉસ્ટેલ અને રહેણાક ક્વૉર્ટર્સમાં પહોંચ્યા હતા. એ પહેલાં સ્થાનિક લોકોએ કેટલાક લોકોને જીવતા બહાર કાઢ્યા હતા, પરંતુ તેમની ટીમો કોઈને જીવતા શોધી શકી નહોતી.
ADVERTISEMENT
દુર્ઘટના-સ્થળની મુલાકાત બાદ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પત્રકારોને જણાવ્યું હતું કે વિમાનની અંદર ૧.૨૫ લાખ લીટર ઈંધણ હતું અને એમાં આગ લાગી હતી તેથી કોઈને બચાવવાનું અશક્ય હતું.
૨૦૧૭માં ફોર્સમાં જોડાયેલા SDRFના એક કર્મચારીએ કહ્યું હતું કે ‘પહેલાં પણ મેં કટોકટીભરી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, પરંતુ આવી આપત્તિ ક્યારેય જોઈ નથી. અમે અહીં PPE કિટ સાથે આવ્યા હતા, પરંતુ તાપમાન એટલું ઊંચું હતું કે એને કારણે કામગીરી મુશ્કેલ બની ગઈ હતી. દરેક જગ્યાએ કાટમાળ હતો. તેથી અમારે કાટમાળ સાફ કરવો પડ્યો જે પહેલેથી જ ઊકળતો હતો.’
ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ મળ્યું
અમદાવાદમાં ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ મળી આવ્યું છે. બ્લૅક બૉક્સ કૉકપિટમાં રેડિયો ટ્રાન્સમિશન અને અવાજો રેકૉર્ડ કરે છે. પાઇલટનો અવાજ અને એન્જિનનો અવાજ, વિમાનની ઊંચાઈ, હવાની ગતિ અને વિમાન કઈ દિશામાં ઊડી રહ્યું હતું એ વિગતો એમાં રેકૉર્ડ થાય છે. મોટા કમર્શિયલ વિમાનમાં બે બ્લૅક બૉક્સ લગાવવામાં આવતાં હોય છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું ડિજિટલ વિડિયો રેકૉર્ડર પણ મળ્યું છે.


