પથ્થરો સહિતના કાટમાળ નીચે દટાયેલા દસથી વધુ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી
પ્લેન ક્રેશ બાદ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ હતી તે સમયની ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
પ્લેન-ક્રૅશની ઘટના બની એની પાછળની સાઇડે ક્રિકેટ રમી રહેલા આઠ મિત્રો સાહસ કરીને પાળ કૂદીને લોકોને બચાવવા દોડી આવ્યા હતા અને પથ્થરો સહિતના કાટમાળ નીચે દટાયેલા દસથી વધુ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી.
જેના બ્લૉકની ટેરેસને પ્લેન અથડાતાં-અથડાતાં રહી ગયું હતું તે ક્રિશ પટણી અને શુભ પટેલે સિવિલ હૉસ્પિટલમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મિત્રો ક્રિકેટ રમી રહ્યા હતા એ સમયે અમારા બ્લૉકની બિલકુલ નજીકથી વિમાન પસાર થયું હતું. અમારા બ્લૉકના થર્ડ ફ્લોર પર પ્લેન ઑલમોસ્ટ અડી જ ગયેલું લાગ્યું હતું. જોકે એ અડ્યું નહોતું, પરંતુ એ ખૂબ જ નજીકથી પસાર થયું હતું અને આગળ ધડાકાભેર અથડાયું હતું. આ જોતાં જ પહેલાં તો અમે સૌ ગભરાઈ ગયા હતા. એટલામાં તો આગની જ્વાળાઓ દેખાવા માંડી અને અફરાતફરી મચી ગઈ. એટલે અમે મિત્રો સાહસ કરીને બ્લૉકની પાળી કૂદીને ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. આગ પહેલાં મોટો અવાજ થયો હતો. અવાજ એટલો તીવ્ર હતો કે જાણે પરમાણુ-બૉમ્બ પડ્યો હોય એવું લાગ્યું. અમારાથી જ્યાં સુધી અંદર જઈ શકાતું હતું ત્યાં સુધી અમે ગયા હતા. ત્યાં પથ્થરો અને કાટમાળ નીચે લોકો દબાયેલા જોવા મળ્યા હતા. અમે તેમને બહાર કાઢ્યા હતા. એમાંથી આઠ લોકો તો જીવતા હતા, પણ થોડી વારમાં બેહોશ થઈ ગયા હતા. રસ્તે ચાલતા જતા લોકો અને કૅન્ટીનમાં જતા લોકો પર પણ પ્લેનનો ભાગ પડ્યો હતો.’


