ઠગભાઈ ૧૨,૦૦૦ રૂપિયાની નકલી નોટો પકડાવીને મંદિરમાંથી નૌ દો ગ્યારહ થઈ ગયા હતા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મધ્ય પ્રદેશના સીહોર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ કુબેરેશ્વર ધામ મંદિરના પરિસરમાં એક ધુતારાએ ઠગોને પણ શરમ આવે એવું કામ કર્યું. તે કાળા સૂટબૂટ પહેરીને મંદિરના પરિસરમાં આવ્યો અને બહાર ભીખ માગી રહેલા ગરીબો પાસેથી ચિલ્લર માગ્યું. તેણે કહ્યું કે તમારા ચિલ્લરના બદલામાં તમને ચલણી નોટો આપીશ. લગભગ આઠ-દસ ભિક્ષુકોએ પોતાનો ચિલ્લરનો ખજાનો કાઢીને ગણીને આ સૂટબૂટવાળા માણસને આપ્યો. એના બદલામાં પેલા માણસે તેમને ૨૦૦-૨૦૦ રૂપિયાની નોટો પકડાવી. જોકે જ્યારે એ નોટ લઈને એક ભિક્ષુક નાસ્તાવાળાના ઠેલા પર ગયો ત્યારે તેને ખબર પડી કે મળેલી નોટ તો નકલી છે. બધા ભિક્ષુકોને આ વાતની ખબર પડે એ પહેલાં ઠગભાઈ ૧૨,૦૦૦ રૂપિયાની નકલી નોટો પકડાવીને મંદિરમાંથી નૌ દો ગ્યારહ થઈ ગયા હતા.


