Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કારણ આપો કે પ્લેન કેવી રીતે ક્રૅશ થયું

કારણ આપો કે પ્લેન કેવી રીતે ક્રૅશ થયું

Published : 13 June, 2026 08:30 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનાને એક વર્ષ પૂરું થતા મૃત્યુ પામેલા મુસાફરોના સ્વજનોએ ઉઠાવ્યો સવાલ, કહ્યું ન્યાય મળશે તો મૃતાત્માઓને શાંતિ મળશે : વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના અમદાવાદમાં એકઠા થયેલા ૧૫૦થી વધુ પરિવારોજનોએ વ્યક્ત કર્યો રોષ

વિમાન દુર્ઘટનાના સ્થળે લોકોએ ગઈ કાલે ગુમાવેલા સ્વજનોની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

વિમાન દુર્ઘટનાના સ્થળે લોકોએ ગઈ કાલે ગુમાવેલા સ્વજનોની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


કી હાઇલાઇટ્સ

  1. એક વર્ષ પૂરું થયું હોવા છતાં વેદના છલકાય છે સ્વજનોના ચહેરા પર
  2. કોઈ મમ્મીના તો કોઈ પપ્પાના તો કોઈ દીકરી કે દીકરાના ફોટો સાથે ત્યાં આવ્યું હતું
  3. સ્મૃતિસભામાં ઉપસ્થિત રહેલા સ્વજનોએ વિમાન-દુર્ઘટનાની તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા

એક વર્ષ પહેલાં અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનાની પહેલી વરસીએ મૃત્યુ પામેલા પ્લેનના મુસાફરોના સ્વજનોએ અમદાવાદમાં સ્મૃતિસભા યોજી હતી. એમાં સૌ સ્વજનોએ એક સૂરમાં સવાલ ઉઠાવ્યો હતો કે અમને રીઝન આપો કે પ્લેન કેવી રીતે ક્રૅશ થયું હતું? ન્યાય મળશે તો મૃતાત્માઓને શાંતિ મળશે.  

અમદાવાદમાં ગયા વર્ષે ૧૨ જૂને વિમાન પ્રચંડ ધડાકા સાથે સળગી ગયું હતું જેમાં કુલ ૨૬૦ લોકોનાં મોત થયાં હતાં. એમાં વિમાનમાં બેઠેલા ક્રૂ મેમ્બર્સ સહિત ૨૪૧ મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં. આ મુસાફરોના આત્માની શાંતિ માટે ગઈ કાલે એક વર્ષ પૂરું થવા નિમિત્તે અમદાવાદમાં સ્મૃતિસભા યોજાઈ હતી. એમાં અંદાજે ૧૫૦થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા બાદ બધા પરિવારજનોએ દુર્ઘટનાની સાઇટ પર જઈને કૅન્ડલલાઇટ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સમયે ભાવુક માહોલ સર્જાયો હતો.




સ્મૃતિસભામાં સ્વજનો મૃત્યુ પામેલા પરિવારજનોના ફોટો સાથે ઉપસ્થિત રહ્યા હતા

સ્મૃતિસભામાં ઉપસ્થિત રહેલા સ્વજનોએ વિમાન-દુર્ઘટનાની તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા. વાસદમાં રહેતાં કિંજલ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘પ્લેન-ક્રૅશમાં મારાં મમ્મી પૂર્ણિમાબહેનનું મૃત્યુ થયું હતું. તેઓ પહેલી વાર મારા ભાઈને ત્યાં લંડન જતાં હતાં અને આ ઘટના બની હતી. સરકાર અમને જવાબ આપે કે ફ્લાઇટ ક્રૅશ થવા પાછળ કયાં કારણો જવાબદાર છે? અમને રિઝલ્ટ આપો અને કહો કે આ ઘટના બનવા પાછળનું રીઝન શું હતું?’


વિમાન-દુર્ઘટનામાં પોતાનો દીકરો અને પુત્રવધૂને ગુમાવનાર ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાન ચૌધરીએ કહ્યું હતું કે ‘વિમાન-દુર્ઘટનાનું કારણ તો જણાવવું પડે કે કેવી રીતે વિમાન તૂટી પડ્યું હતું અને સળગી ગયું હતું. અમને બધાને એનો જવાબ આપવો જોઈએ.’  

વિમાન-દુર્ઘટનાનો વરસી દિવસ જાણે કે સ્વજનો માટે વેદનાની વરસી જેવો બની રહ્યો હતો. એક વર્ષ પૂરું થયું હોવા થતાં સ્વજનોના ચહેરા પર પોતાના પરિવારજનને ગુમાવ્યાની વેદના છલકાતી હતી. સ્મૃતિસભામાં કોઈ મમ્મીના તો કોઈ પપ્પાના તો કોઈ દીકરી કે દીકરાના ફોટો સાથે ભારે હૈયે આવ્યું હતું. એક વર્ષ પૂરું થયું હોવા થતાં પ્લેન ક્રૅશ થવાનું હજી સુધી કોઈ ઠોસ કારણ ન મળતાં એક વર્ષ થવા છતાં સ્વજનોના ઘા રુઝાયા નથી.  

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 08:30 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK