૧૦૨ વર્ષ જૂનું ભાયખલા પોલીસ-સ્ટેશન ભસ્મીભૂત થઈ ગયું એ પછી એમાં અત્યારે કોઈ FIR નથી નોંધાઈ રહ્યા, પણ હમણાં એણે સૌથી મોટી તપાસ એ કરવાની છે કે... આ આગ આખરે લાગી કઈ રીતે?
ભાયખલા પોલીસ-સ્ટેશનમાં લાગેલી આગ
અત્યારે લોકોને આગ્રીપાડા અને નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ઝીરો FIR નોંધાવવાની સૂચના આપવામાં આવી છે, જે પછીથી અહીં ટ્રાન્સફર કરવામાં આવશે
૧૦૨ વર્ષ જૂના ભાયખલા પોલીસ-સ્ટેશનના પહેલા માળે રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી એના ૨૪ કલાક બાદ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ધીરે-ધીરે કામકાજ પાછું પાટે ચડી રહ્યું છે. આગમાં દસ્તાવેજો, બીજા રેકૉર્ડ્સ, કમ્પ્યુટર, ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ્સ (CCTNS) રૂમ આ બધું જ ખાખ થઈ ગયું હતું. અહીં મૂકવામાં આવેલાં અમુક ઉપકરણો પણ આગમાં બળી ગયાં હતાં.
ADVERTISEMENT
જોકે નુકસાન છતાં પોલીસ-સ્ટેશનનું કામકાજ ૨૪ કલાકમાં જ ફરી શરૂ થઈ ગયું છે અને રિપેરિંગ પણ ચાલી રહ્યું છે. બાકીનાં મહત્ત્વનાં કામો માટે તાત્પૂરતા ધોરણે પોલીસે બાજુમાં આવેલા બિલ્ડિંગમાં હંગામી ઑફિસ બનાવી છે. થોડા જ સમયમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની તથા નૉન-કૉગ્નિઝેબલ (NC) ઑફેન્સ નોંધવાની સર્વિસ ફરી શરૂ કરી દેવામાં આવશે.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પોલીસ-સ્ટેશનમાં ત્રણથી ચાર દિવસમાં બધું મહત્ત્વનું રિપેરિંગ પૂરું થઈ જશે એવી શક્યતા છે અને અેથી નાગરિકો માટે બધી જ સર્વિસ ત્રણ-ચાર દિવસમાં ભાયખલા પોલીસ-સ્ટેશનમાં શરૂ કરી દેવામાં આવશે. જોકે બિલ્ડિંગના બાંધકામને થયેલા નુકસાનને સમું કરતા એકાદ મહિના જેટલો સમય લાગી શકે.
રવિવારે મળેલી માહિતી મુજબ શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવતું હતું. ફાયરબ્રિગેડને પણ પ્રાથમિક દૃષ્ટિએ શૉર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોય એવું લાગતું હતું. જોકે ખરેખર આગ શેના કારણે લાગી અેનું કારણ હજી સુધી સ્પષ્ટ ન હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
પાંચ જ મિનિટમાં પહોંચીને ફાયરબ્રિગેડે વધુ નુકસાન થતું બચાવ્યું
ફાયરબ્રિગેડને મોડી સાંજે ૮.૨૪ મિનિટે આગ લાગવાની માહિતી મળી હતી. ત્યાર બાદ ક્વિક રિસ્પૉન્સ આપતાં ફક્ત પાંચ જ મિનિટમાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ નુકસાન થાય એ પહેલાં આગને કાબૂમાં લીધી હતી. આગને કાબૂમાં લેવામાં વધુ વાર લાગી હોત તો આગ આસપાસ પણ ફેલાઈ શકી હોત. ઉલ્લેખનીય છે કે ફાયરબ્રિગેડ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો સ્ટાફ ઘટનાસ્થળે સમય રહેતાં પહોંચી ગયો હતો જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ પહોંચી નહોતી.
રવિવારે આગ લાગ્યા બાદ પોલીસ-સ્ટેશનના રૂટીન કામકાજ બંધ કરી દેવામાં આવ્યાં હતાં અને ઇમર્જન્સી કેસમાં નાગરિકોને આગ્રીપાડા પોલીસ-સ્ટેશન અથવા નાગપાડા પોલીસ-સ્ટેશનમાં જઈને FIR નોંધાવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે એ FIRને ઝીરો FIR ગણવામાં આવશે અને ભાયખલા પોલીસ-સ્ટેશનનું કામકાજ ફરી પાછું સંપૂર્ણ રીતે શરૂ થાય ત્યારે અહીં ટ્રાન્સફર કરવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી. સામાન્ય રીતે આ પોલીસ-સ્ટેશનમાં રોજના એકથી ત્રણ FIR અને પાંચથી છ NC નોંધાય છે. જોકે પોલીસ-સ્ટેશનનું કામ ફરી શરૂ થાય ત્યાં સુધીમાં કોઈ NC ન નોંધાતાં પોલીસનું કામ સરળ રહ્યું હતું.
૧૯૨૪માં બિટિશકાળ દરમ્યાન બન્યું હતું પોલીસ-સ્ટેશન
ભાયખલા પોલીસ સ્ટેશનને ગ્રેડ-ટૂ હેરિટેજ સ્ટ્રક્ચરમાં સ્થાન મળેલું છે. ૧૯૨૩ અને ૧૯૨૪માં મુંબઈમાં સાતથી ૮ પોલીસ-સ્ટેશન બનાવવામાં આવ્યાં હતાં, જેમાંથી ભાયખલા પોલીસ-સ્ટેશન ૧૯૨૪માં બનાવાયું હતું. છેલ્લાં ૧૦૨ વર્ષથી આ પોલીસ-સ્ટેશન કાર્યરત છે. હજી ગયા મહિને જ આ પોલીસ-સ્ટેશનનું કન્ઝર્વેશન વર્ક હાથ ધરાયું હતું.
આગમાં પોલીસ-સ્ટેશનમાં થયું આ નુકસાન
કમ્પ્યુટર્સ અને ટૅબ્લેટ્સ
- પ્રિન્ટર્સ, સ્કૅનર્સ અને CCTV ઉપકરણો
CCTNS રૂમ
- પોલીસ રેકૉર્ડ્સ અને અન્ય દસ્તાવેજો
- ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્ટરનેટ કેબલ
- ઐશ્વર્યા ઐયર અને મધુલિકા રામ કવત્તુર
