પેરન્ટિંગ એ ઘણી જ ડિમાન્ડિંગ જૉબ છે અને એને કારણે મોટા ભાગનાં કપલ્સનું જીવન બદલાઈ જતું હોય છે જે સહજ ઘટના છે. જીવન બદલાય એ ચાલે, પણ જીવનસાથી સાથેનો સંબંધ જ બદલાઈ જાય એવું ન થવું જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
- જેઓ પહેલાં અડધી રાત્રે ઊઠીને ડ્રાઇવ પર જતા રહેતા એ લોકો આજકાલ અડધી રાત્રે રડતા બાળકને લઈને ચૂપ કરાવવામાં વ્યસ્ત થઈ ગયા છે.
- જે લોકો પહેલાં મૉલમાં જતા ત્યારે એકબીજા માટે વસ્તુઓ પસંદ કરતા તે બન્ને મળીને ફક્ત બાળકનું જ શૉપિંગ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ખુદ માટે કે એકબીજા માટે લેવાનું તેમને યાદ રહેતું નથી.
- જેઓ એકબીજા વગર જમતા નહીં તેઓ આજકાલ એકબીજાને પૂછતા પણ નથી કે તેં જમી લીધું કે નહીં.
- જેઓ કલાકો ને કલાકો એકબીજા સાથે અઢળક વાત કરી શકતા તેઓ આજકાલ દિવસો સુધી ‘આ મૂકી દે’, ‘આ લઈ લે’ જેવી કામ પૂરતી વાત કરતા થઈ ગયા છે.
આ બદલાવ દરેક કપલના જીવનમાં આવે છે જ્યારે પેમલા-પેમલી કે બાબુ-સોનાવાળો સમય પતી જાય છે અને બન્ને મમ્મી-પપ્પા બની જાય છે. જીવન આખું એકસરખું નથી રહેતું એવી જ રીતે તમારો સંબંધ પણ એક જેવો જ રહે એવું શક્ય નથી. બાળકના આવ્યા પછી એ વધુ પરિપક્વ બને છે એ વાત સાચી, પણ એ પરિપક્વતા તમારા પ્રેમને ખાઈ જાય એ પણ યોગ્ય નથી. ઘણાં ઘરોમાં એવું જોવા મળે છે કે બાળક આવ્યા પછી પતિ-પત્ની એકબીજાને મમ્મી કે પપ્પા કહીને જ બોલાવતાં થઈ જાય છે. એ પોતાનામાં એક ક્યુટ બદલાવ છે. એકબીજાને એવું બોલીએ ત્યાં સુધી તો એ ક્યુટ રહે છે, પણ ક્યારેક એવું બનતું હોય છે કે પતિ-પત્ની માતા-પિતા બન્યા પછી ફક્ત માતા-પિતા બનીને રહી જતાં હોય છે. પેરન્ટિંગ હંમેશાંથી ડિમાન્ડિંગ જૉબ જ છે, પણ એનો બોજ આજના પેરન્ટ્સ જેટલો પોતાના માથે લે છે એવું જૂની પેઢીના પેરન્ટ્સ કરતા નહીં. નોકરી તો પહેલાંના લોકો પણ કરતા, પરંતુ તેમની પાસે તેમનું જીવન જીવવાનો પૂરતો સમય રહેતો. એવી જ રીતે પેરન્ટ્સ તો પહેલાંના લોકો પણ બનતા હતા અને એકથી ઘણાં વધુ બાળકોના પેરન્ટ્સ બનતા, પણ એની અસર એટલી ગંભીર નહોતી કે જીવનભર તેઓ ફક્ત પેરન્ટ્સ જ બનીને રહી ગયા હોય. તેઓ પોતાના દૂર-દૂરના અને એકદમ નજીકના બધા જ સંબંધો નિભાવી જાણતા હતા. આજે ઘણાં કપલ્સ એવાં છે જેઓ બાળકના આવ્યા પછી તેના ઉછેરને જ જીવનનું પ્રાઇમ ફોકસ બનાવી રાખે છે. એ હોવું જ જોઈએ, એમાં કશું ખોટું નથી; પણ એ ઉછેર દરમ્યાન તેઓ બન્ને એકબીજાને ભૂલી જતાં હોય છે જે એક મોટો પ્રૉબ્લેમ છે.
ADVERTISEMENT
શું થાય છે?
એ તો માનવું પડશે કે પેરન્ટિંગને જેટલું ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે એટલું ગંભીરતાથી પહેલાં એને લેતા નહીં. પહેલાંનાં માતા-પિતાને ક્યારેય એવી ચિંતા નહોતી કે તેઓ તેમનાં બાળકોનું ધ્યાન વ્યવસ્થિત રાખી રહ્યા છે કે નહીં. તેઓ પણ એટલું જ ધ્યાન રાખતાં હતાં, પણ આ બાબતે ચિંતા કરતાં નહોતાં. મૉડર્ન પેરન્ટ્સ તેમના બાળક માટે અઢળક કરી રહ્યા છે છતાં તેઓ સતત પોતાના પેરન્ટિંગને જજ કરતા રહે છે કે ક્યાંક આપણે કોઈ જગ્યાએ ખોટા તો નથીને. આ વિશે વાત કરતાં રિલેશનશિપ કાઉન્સેલર સોની શાહ કહે છે, ‘લગ્ન પછીના કંકાસયુક્ત ઝઘડાઓ કરતાં પેરન્ટ્સ બન્યા પછીના ઝઘડાઓ સાઇલન્ટ બનતા જતા હોય છે જે વધુ ગંભીર તકલીફ છે. મનમાં એકબીજા માટે અઢળક ફરિયાદો હોય પણ ઠાલવવાનો જાણે કે સમય પણ નથી હોતો. એક તરફ આ બદલાયેલા જીવન માટે બન્ને એકબીજાને મનમાં બ્લેમ કરતાં હોય છે અને બીજી તરફ સતત એકબીજાના અભાવમાં જીવવું તેમને આકરું લાગી રહ્યું હોય છે. બિઝી હોવાને કારણે, થાકી જવાને કારણે, ત્રસ્ત રહેવાને કારણે બન્ને એકબીજાને સમય નથી આપી શકતાં. મોટા ભાગનાં ઘરોમાં મમ્મીની દુનિયા બાળક અને પપ્પાની દુનિયા તેમનું કામ બની જતી હોય છે. પહેલાં જેઓ એકબીજાની દુનિયા હતાં તેઓ હવે અલગ-અલગ જવાબદારીઓમાં, અલગ-અલગ દુનિયાઓમાં વિચરતાં થઈ જાય છે. સમજવા જઈએ તો આ બદલાવ દરેકના જીવનમાં આવે છે. ઘણા લોકો બાળક આવ્યા પછી એમ જ થતું હશે માનીને જીવી જાય છે તો ઘણાને અહેસાસ પણ નથી થતો કે બાળકના ઉછેર દરમ્યાન માતા-પિતા તરીકે બન્ને વચ્ચેનાં પતિ-પત્ની ક્યારે ખોવાઈ ગયાં.’
એકબીજાનું મહત્ત્વ
બીજી તકલીફ એ છે કે આજની તારીખે બાળકો પાસેથી કરાવવા માટે કે તેમના માટે કરવા માટે એટલી બધી વસ્તુઓ છે કે માતા-પિતાનો સમય એમાં ખૂબ વધુ પસાર થાય છે. ઉપરથી જૉબ એટલી ડિમાન્ડિંગ હોય છે કે કામ અને છોકરા પછી ભાગ્યે જ ખુદ માટે કે પાર્ટનર માટે સમય બચે છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ શ્વેતા ગાંધી કહે છે, ‘પતિ-પત્નીએ એ સમજવું જરૂરી છે કે બાળકને વધુ સમય અત્યારે એટલે આપવો પડે છે કે કારણ કે બાળકને તમારી ઘણી જરૂર છે; પણ તેની પાછળ તમે જે મહેનત લઈ રહ્યાં છો, તેને જે અઢળક પ્રેમ આપી રહ્યાં છો એનો સોર્સ પતિ-પત્નીનો સંબંધ હોવો જોઈએ. એક બાળક માટે એ અત્યંત જરૂરી છે કે તેને ઘરમાં ખૂબ પ્રેમાળ વાતાવરણ મળે. આ વાતાવરણ ત્યારે બનશે જ્યારે કપલ એકબીજાને પણ પ્રાથમિકતા આપે. સમય ભલે ઓછો આપી શકાય પણ એ બૉન્ડ ખરાબ ન થવો જોઈએ. દરેક સંબંધમાં એક સમય પછી સમજદારી અને પ્રેમ બન્ને સ્થાપિત હોય છે, પણ એને સતત પોષતા રહેવું પણ જરૂરી છે. આજકાલ કપલ્સ એટલે જ બાળકની અમુક ઍક્ટિવિટી એક પરિવાર તરીકે સાથે કરે છે. એ સારું જ છે. જોકે વધુ નહીં તો અઠવાડિયામાં બે કલાક તમે બન્ને ફક્ત પતિ-પત્ની બનીને જીવો. એમાં કોશિશ કરો કે બાળક વિશે વાત પણ ન થાય. ફક્ત તમારા બન્નેની વાત થાય. બાળક સિવાયની તમારી બન્નેની જવાબદારીઓ જેમ કે ઘર, પૈસા, બન્નેનાં સપનાંઓ કે શોખ વિશે વાત થાય.’
શું કરવું?
પતિ-પત્નીએ માનસિક રીતે એ સમજવું કે બાળકના ઉછેરનું કામ ભલે ગમે એટલું ડિમાન્ડિંગ હોય, પરંતુ બાળકનું અસ્તિત્વ એટલે છે કેમ કે તમારા બન્નેનો સંબંધ છે. માતા-પિતા બની ગયાં એટલે એકબીજાના જીવનસાથી નથી રહ્યાં એવું નથી. ઊલટું બાળકના આવવાથી એ સંબંધ વધુ ઊંડો બનવો જોઈએ.
બાળકને છોડીને કશું થઈ નથી શકતું એમ લાગે તો જવાબદારીઓ હોંશે-હોંશે વહેંચી લો. જ્યારે એકબીજા માટે કે ખુદ માટે સમય ન મળે ત્યારે એકબીજાને ફરિયાદો કરવા કરતાં એ કઈ રીતે કાઢી શકાશે એના પ્રયત્નોમાં વધારો કરો. ટાઇમ મૅનેજમેન્ટ અને ટ્રેઇનિંગ પ્રૉપર હશે તો આ ટાસ્ક અઘરો નથી. એ બધા જ પ્રયત્નો કરવા છતાં પણ ન થઈ શકે તો એકબીજાને ફરિયાદો ન કરો. જવાબદારી વધી છે તો સમજદારી પણ વધારો.
મોટા ભાગે લોકો સલાહ આપે છે કે દરરોજ એક નિયત સમય નક્કી કરો, પણ જે ઘરમાં બાળકો છે એ ઘરમાં બધું જ ટાઇમટેબલ પ્રમાણે થાય એવું નથી. તો સમયની બાંધછોડ ભલે કરવી પડે, પણ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવો એ બન્નેની પ્રાથમિકતા હોવી જ જોઈએ. જો એને પ્રાથમિકતા આપશો તો આપોઆપ મૅનેજ થઈ જશે અને મહત્ત્વ નહીં આપો તો એ રહી જશે.
