Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રેકૉર્ડ ૯ મહિનામાં ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રેકૉર્ડ ૯ મહિનામાં ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર

Published : 28 April, 2026 09:05 AM | Modified : 28 April, 2026 09:20 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ ટકા ભારતીય નિકાસ કરમુક્ત, ન્યુ ઝીલૅન્ડથી આયાત થતી ૯૫ ટકા વસ્તુઓ પર ટૅરિફમાં મુક્તિ અથવા ઘટાડો, ભારતીય પ્રોફેશનલો અને વિદ્યાર્થીઓને ફાયદો થશે : કાપડ અને વસ્ત્રો, ચામડાની ચીજવસ્તુઓ, સિરૅમિક્સ, કાર્પેટ અને વાહનો તથા એના ભાગોની ભારતીય નિકાસને નોંધપાત

ભારતના કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ અને ન્યુ ઝીલૅન્ડના ટ્રેડ ઍન્ડ ઇન્વેેસ્ટમેન્ટ મિનિસ્ટર ટૉડ મૅકલેએ ગઈ કાલે દિલ્હીમાં ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતના કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ અને ન્યુ ઝીલૅન્ડના ટ્રેડ ઍન્ડ ઇન્વેેસ્ટમેન્ટ મિનિસ્ટર ટૉડ મૅકલેએ ગઈ કાલે દિલ્હીમાં ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.


કી હાઇલાઇટ્સ

  1. કાપડ અને વસ્ત્રો, ચામડાની ચીજવસ્તુઓ, સિરૅમિક્સને પ્રોત્સાહન મળશે
  2. કાર્પેટ અને વાહનો તથા એના ભાગોની ભારતીય નિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે
  3. ડેરી અને કૃષિ બાકાત

ભારત અને ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. પરિણામે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારસંબંધોમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. બન્ને દેશો વેપાર, રોકાણ અને રોજગારનાં ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ભારતના કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને ન્યુ ઝીલૅન્ડના કૉમર્સ મિનિસ્ટર ટોડ મૅકલેની હાજરીમાં આ મહત્ત્વપૂર્ણ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરારને વૈશ્વિક બજારમાં ભારતીય અર્થતંત્ર અને નિકાસકારો માટે એક મોટી રાજદ્વારી અને આર્થિક જીત માનવામાં આવે છે. ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેનો આ કરાર બન્ને અર્થતંત્રો માટે નવી તકો ઊભી કરે છે. ભારતના નિકાસકારો અને કુશળ વર્કફોર્સને જ્યારે સીધો ફાયદો થશે ત્યારે ન્યુ ઝીલૅન્ડને મોટા અને ઊભરતા બજારમાં સરળ પ્રવેશ મળશે.



વિદેશી રોકાણ અને સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ


આ FTAનો મુખ્ય આધારસ્તંભ વેપાર-સુવિધા સાથે વિદેશી રોકાણ છે. આ કરાર હેઠળ ન્યુ ઝીલૅન્ડ આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડૉલરનું નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથેના કરારમાં પ્રસ્તાવિત ૧૦૦ અબજ ડૉલરના રોકાણ-માળખા સાથે સુસંગત છે.

રેકૉર્ડ સમયમાં કરાર થયો


૨૦૨૫ની ૧૬ માર્ચે શરૂ થયેલી વાટાઘાટો રેકૉર્ડ ૯ મહિનામાં પૂરી થઈ હતી એ આ FTAની સૌથી નોંધપાત્ર વિશેષતા રહી છે. આ કરારના અમલીકરણ સાથે ભારતને તાત્કાલિક તમામ ટૅરિફમુક્ત ઉત્પાદનો પર ૧૦૦ ટકા ડ્યુટીમુક્ત ઍક્સેસ મળશે. પરિણામે ન્યુ ઝીલૅન્ડમાં ૧૦૦ ટકા ભારતીય નિકાસ હવે કોઈ પણ ટૅરિફ (કસ્ટમ્સ-ડ્યુટી)ને આધીન રહેશે નહીં.

અત્યારે કેટલી ડ્યુટી છે?

હાલમાં ન્યુ ઝીલૅન્ડ ભારતમાંથી નિકાસ થતાં લગભગ ૪૫૦ ઉત્પાદનો પર ૧૦ ટકા ડ્યુટી વસૂલ કરે છે. નવા કરાર હેઠળ આ ડ્યુટી નાબૂદ થશે જે કાપડ અને વસ્ત્રો, ચામડાની ચીજવસ્તુઓ, ટોપીઓ, સિરૅમિક્સ, કાર્પેટ અને વાહનો અને એના ભાગોની ભારતીય નિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. બદલામાં ભારતે ન્યુ ઝીલૅન્ડથી આયાત થતી ૯૫ ટકા વસ્તુઓ પર ટૅરિફમાં મુક્તિ અથવા ઘટાડો કર્યો છે.

ડેરી અને કૃષિ ક્ષેત્ર બાકાત

એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલામાં ભારતે એના સંવેદનશીલ સ્થાનિક કૃષિ અને ડેરી ક્ષેત્રને આ FTAના કાર્યક્ષેત્રમાંથી સંપૂર્ણપણે બાકાત રાખ્યું છે. ભારતીય ખેડૂતો અને સ્થાનિક ડેરીઉદ્યોગનાં હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે દૂધ, ક્રીમ, છાશ, દહીં અને ચીઝ જેવાં તમામ ડેરી-ઉત્પાદનો તેમ જ અન્ય કૃષિ-ઉત્પાદનોને આયાત-મુક્તિ આપવામાં આવી નથી.

વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો માટે નવા દરવાજા ખૂલશે

આ FTA પ્રોફેશનલો અને વિદ્યાર્થીઓની મોબિલિટી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. વૈશ્વિક સ્તરે પ્રથમ વખત ન્યુ ઝીલૅન્ડે વિદ્યાર્થીના અભ્યાસ પછીના વર્ક-વીઝા પર કોઈ દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે તેમના અભ્યાસ દરમ્યાન દર અઠવાડિયે ૨૦ કલાક સુધી કામ કરી શકશે અને એક્સ્ટેન્ડેડ પોસ્ટ-સ્ટડી વર્ક-વીઝાનો લાભ મેળવશે.

ઉચ્ચ પગારવાળા રોજગાર મેળવવા માગતા કુશળ ભારતીય પ્રોફેશનલો માટે ૫૦૦૦ કામચલાઉ રોજગાર વીઝાનો ખાસ ક્વોટા અલગ રાખવામાં આવ્યો છે. આનાથી પ્રોફેશનલો ૩ વર્ષ સુધી ન્યુ ઝીલૅન્ડમાં રહી શકશે અને કામ કરી શકશે.

આ કરાર એક ખાસ વર્કિંગ હૉલિડે વીઝા પ્રોગ્રામ પણ રજૂ કરે છે, જે દર વર્ષે ૧૦૦૦ યુવા ભારતીયોને ન્યુ ઝીલૅન્ડમાં ૧૨ મહિના માટે મલ્ટિપલ એન્ટ્રીની સુવિધા આપે છે.

પીયૂષ ગોયલે શું કહ્યું?

આ કરાર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક અર્થતંત્રનું પુનર્ગઠન થઈ રહ્યું છે, સરહદો ફરીથી બનાવવામાં આવી રહી છે, રાષ્ટ્રો એમના ભાગીદારો પસંદ કરી રહ્યાં છે અને દેશો એમના ભાવિ માર્ગો નક્કી કરી રહ્યા છે. આ બદલાતા યુગમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડે એકબીજાને પસંદ કર્યાં છે. ભારત-ન્યુ ઝીલૅન્ડ FTA રેકૉર્ડ ૯ મહિનામાં પૂર્ણ થયું છે. આ ગતિ બેઉ દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને સહિયારી મહત્ત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર પર હસ્તાક્ષર એ વિકસિત દેશો સાથે ભારતના સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહનરૂપ છે અને અમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનની નજીક લાવે છે. છેલ્લાં સાડાત્રણ વર્ષમાં આ મારો સાતમો મુક્ત વેપાર કરાર છે અને બે વધુ કરારો બાકી છે. યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે કરાર આગામી થોડા મહિનામાં પૂરા થશે.’

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે FTA પર હસ્તાક્ષર થવા પર ખુશી વ્યક્ત કરીને તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ X પર જણાવ્યું હતું કે ‘આ કરારથી કૃષિ સહિત ૮ ક્ષેત્રોમાં લોકોને ફાયદો થશે. આ કરાર ઐતિહાસિક ક્ષણ છે. આ કરાર ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ કરાર આપણી વિકાસલક્ષી ભાગીદારીને અભૂતપૂર્વ ગતિ આપશે. આ કરાર આપણા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને નોંધપાત્ર રીતે લાભ આપશે. એ વિકાસના નવા દરવાજા ખોલશે, તકો બનાવશે અને વિવિધ ક્ષેત્રોમાં આપણા સહયોગને વધુ મજબૂત બનાવશે. ન્યુ ઝીલૅન્ડની ૨૦ અબજ ડૉલરના રોકાણની પ્રતિબદ્ધતા કૃષિ, ઉત્પાદન, ઇનોવેશન અને ટેક્નૉલૉજીમાં આપણા સહયોગને વધુ મજબૂત બનાવશે જે બન્ને દેશો માટે વધુ સમૃદ્ધ અને ગતિશીલ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે.’    

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK