કિંગ એડ્વર્ડ મેમોરિયલ હૉસ્પિટલનું નામ બદલવાના વિવાદમાં શિવસેના (UBT)એ ઝંપલાવ્યું
ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરના નેતૃત્વમાં શિવસેના (UBT)ના પ્રતિનિધિમંડળે KEMનું નામ બદલવાના નિર્ણયનો વિરોધ કરવા માટે KEMના ડીનને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલનું નામ બદલવા માટે BMCના હેલ્થ ડિપાર્ટમેન્ટની મંજૂરી મળી ગયા બાદ આ પ્રસ્તાવ પર વિવાદ ઊભો થયો છે. શિવસેના (UBT)એ KEMનું નામ બદલવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ સંદર્ભે તેમના વિધાનસભ્ય મિલિંદ નાર્વેકર અને શિવડીના વિધાનસભ્ય અજય ચૌધરીએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મિલિંદ નાર્વેકરે સીધો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને હસ્તક્ષેપની માગણી કરી છે. અજય ચૌધરીએ મરાઠી લોકોને સાથ આપવાની પણ અપીલ કરી છે. તેમણે મુંબઈની ઇમારતો લોઢા મૅન્શન બની જશે એવો આક્ષેપ પણ કર્યો છે. આ પ્રસ્તાવના વિરોધમાં શિવસેના (UBT)એ રસ્તા પર ઊતરવાની ચીમકી પણ આપી છે.
KEMનું નામ કૌશલ્યશ્રેષ્ઠ એકલવ્ય મેમોરિયલ હૉસ્પિટલ કરવાનો પ્રસ્તાવ મૂકનારા મંગલ પ્રભાત લોઢાએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘KEMનું નામ બદલવાનો વિરોધ કરી રહેલા શિવસેના
(UBT)ના વિધાનસભ્યોએ જાહેરમાં કહેવું જોઈએ કે અમને કિંગ એડ્વર્ડ ગમે છે. દેશમાં કિંગ એડ્વર્ડની માળા શા માટે જપવામાં આવે છે?’
ADVERTISEMENT
મંગલ પ્રભાત લોઢાએ સ્પષ્ટતા કરી કે KEM તરીકે જાણીતી હૉસ્પિટલ નવા નામ મુજબ પણ KEM તરીકે જ ઓળખાશે એટલે સામાન્ય જનતાને અગવડ નહીં પડે.
અજય ચૌધરી અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરના નેતૃત્વમાં શિવસેના (UBT)ના એક પ્રતિનિધિમંડળે KEMનું નામ બદલવાના નિર્ણયનો વિરોધ કરવા માટે KEMના ડીનને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
KEMના રેસિડન્ટ ડૉક્ટરોએ પણ વિરોધ કર્યો
માત્ર રાજકીય પક્ષ જ નહીં, KEMનું નામ બદલવા બાબતે મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)એ પણ વિરોધ નોંધાવ્યો હતો. ડૉક્ટરોને વિશ્વાસમાં લીધા વિના આવો પરસ્પર નિર્ણય ન લેવો જોઈએ તેમ જ નામ બદલવાની ચર્ચા કરવા કરતાં KEMના રેસિડન્ટ ડૉક્ટરોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિચારવું જોઈએ એવો રેસિડન્ટ ડૉક્ટરોએ મત વ્યક્ત કર્યો હતો.
