ડ્રાઇવરોનાં યુનિયનો સાથે ચર્ચા કર્યા પછી પણ પોતાના નિર્ણય પર અડગ રહેલા પ્રતાપ સરનાઈકે કહ્યું આ : નિર્ણયના અમલ માટે થોડો વધુ સમય આપવા વિશે આજે નિર્ણય લેવાય એવી શક્યતા
મંત્રાલયમાં પ્રતાપ સરનાઈકે બોલાવેલી બેઠકમાં યુનિયન લીડર શશાંક રાવ, શિવસેનાના નેતા સંજય નિરુપમ અને અન્ય રિક્ષા-ટૅક્સી યુનિયનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે વ્યવહારુ મરાઠી ફરજિયાત બનાવવાના નિર્ણયને અમલમાં મૂકતાં પહેલાં ગઈ કાલે મંત્રાલયમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રિક્ષા યુનિયનના નેતા શશાંક રાવ અને શિવસેનાના નેતા સંજય નિરુપમ સહિત વિવિધ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવર સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ બેઠક પછી પ્રતાપ સરનાઈકે મીડિયા સાથે વાતચીત કરીને બેઠક વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઘણાં સંગઠનોની હાજરીમાં સકારાત્મક ચર્ચા થઈ. જો તમે મહારાષ્ટ્રમાં ટૅક્સી કે રિક્ષા ચલાવવા માગતા હો તો મરાઠી બોલવું જરૂરી છે. બધા આ વાત સાથે સંમત થયા છે.’
ADVERTISEMENT
જોકે યુનિયનોએ પહેલી મેને બદલે આ નિયમના અમલ માટે થોડી મુદત વધારી આપવાની અપીલ કરી છે. એના પર વિચારણા કરવા માટે આજે સવારે ૧૦.૩૦ વાગ્યે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની બેઠક બોલાવવામાં આવી છે.
મરાઠી ન બોલી શકતા ડ્રાઇવરોનાં લાઇસન્સ રદ કરવા અંગે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વ્યવસાય કરીશું પણ ફક્ત હિન્દીમાં જ બોલીશું એવું વલણ સાંખી નહીં લેવાય.
