ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ઇન્ટરક્લબ વાઇટ બૉલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં યજમાન ટીમનો શાનદાર વિજય...
પ્રશાંત કારિયા, નિશિથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાલી, બન્ટી દોશી સાથે ક્રિકેટ સબ-કમિટીના સભ્યો અને વિજેતા તથા ઉપવિજેતા ટીમ
મુંબઈના સેન્ટ્રલ સબર્બ્સમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત સીઝન-15 ઇન્ટરક્લબ વાઇટ બૉલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ચૅરમૅન રજનીકાંત શાહ અને કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા જેવા નિષ્ઠાવાનના નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટમાં ઘાટકોપર જૉલી જિમખાનાની પોતાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજેતાપદ હાંસલ કર્યું હતું.
૧૮, ૧૯, ૨૫ અને ૨૬ એપ્રિલે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મુંબઈની ૮ પ્રતિષ્ઠિત ક્લબોએ ભાગ લીધો હતો. છેલ્લાં બે વર્ષથી વિજેતા રહેલી બૉમ્બે જિમખાનાની મજબૂત ટીમને ફાઇનલમાં ૭ વિકેટે હરાવીને ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ફાઇનલ મૅચમાં બૉમ્બે જિમખાનાએ પ્રથમ બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૬૦ રન બનાવ્યા હતા, જેમાં નિસાદ અને આકાશ પાઠકના ૪૧-૪૧ રન નોંધપાત્ર રહ્યા હતા. ઘાટકોપર જૉલી જિમખાના તરફથી દેવાંગ ગોસાલિયા (૧૮ રનમાં ૩ વિકેટ) અને વેદાંસ પટેલ (૨૬ રનમાં ૩ વિકેટ)એ શાનદાર બોલિંગ કરી હતી.
જવાબમાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે પ્રશાંત કારિયાના અણનમ ૬૦ રન અને ઓમકાર નંદાના મહત્ત્વપૂર્ણ ૩૩ રનની મદદથી ૩ વિકેટે ૧૬૧ રન બનાવીને સહેલાઈથી વિજય મેળવ્યો હતો.
ટુર્નામેન્ટ દરમ્યાન વ્યક્તિગત પ્રદર્શન માટે પણ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ બૅટ્સમૅન તરીકે સુજિત મનોહર (૧૬૯ રન) અને બેસ્ટ બોલર તરીકે દેવાંગ ગોસાલિયા (૭ વિકેટ) પસંદ થયા હતા. એ ઉપરાંત બૉમ્બે જિમખાનાનો નિસાદ ૧૯૫ રન અને બે વિકેટ સાથે ઑલરાઉન્ડ પ્રદર્શન કરી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
વિજેતા અને ઉપવિજેતા ટીમને જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, ક્રિકેટ કન્વીનર મથુરાદાસ ભાનુશાલી અને બન્ટી દોશીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.
ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાએ જણાવ્યું હતું કે ચૅરમૅન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી અને પરેશ શાહ તેમ જ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોના સતત પ્રોત્સાહન અને ક્રિકેટ સબ-કમિટીના સહકારથી આ ટુર્નામેન્ટ છેલ્લાં ૧૫ વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે.
આ ટુર્નામેન્ટ ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના વધારીને ક્રિકેટપ્રેમીઓ માટે એક યાદગાર આયોજન સાબિત થઈ હતી.
