AAPના સૌરભ ભારદ્વાજનો રાઘવ ચઢ્ઢાને ટોણો
AAPના સૌરભ ભારદ્વાજ
આમ આદમી પાર્ટી (AAP) અને રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલા મતભેદ ટૂંક સમયમાં ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. રાઘવ ચઢ્ઢાએ BJPમાં જવાનાં કારણો દર્શાવતો વિડિયો-સંદેશ જાહેર કર્યાના થોડા કલાકો પછી AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે તેમના ભૂતપૂર્વ સાથીદારના દાવાઓનું ખંડન કર્યું હતું. રાઘવ ચઢ્ઢાએ AAPનો ઉલ્લેખ ટૉક્સિક વર્કપ્લેસ તરીકે કરતાં AAPના નેતા સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાનાં ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડા સાથેનાં લગ્નનો ઉલ્લેખ કરીને કમેન્ટ કરતાં જવાબ આપ્યો હતો કે ‘તમે પરિણીત છો કારણ કે આ પાર્ટીએ તમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.’
ગઈ કાલે સવારે પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં રાઘવ ચઢ્ઢાએ પાર્ટીમાંથી બહાર નીકળવાની સરખામણી ટૉક્સિક વર્કપ્લેસ છોડતા કર્મચારી સાથે કરી હતી.
ADVERTISEMENT
એના જવાબમાં સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ‘કંપનીઓ બદલતી વખતે વિચારધારા મહત્ત્વની નથી હોતી, પરંતુ રાજકીય પક્ષ બદલતી વખતે એ મહત્ત્વની હોય છે. રાઘવ ચઢ્ઢાને પક્ષ છોડવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે પણ તમે તમારા બૉસને ૩ મહિનાની નોટિસ આપો છો. લોકો જ્યારે નોકરી બદલે છે ત્યારે તેઓ તેમની મૂળ કંપની વિરુદ્ધ કાવતરું ઘડતા નથી. એક વર્ષથી વધુ સમય સુધી રાઘવ ચઢ્ઢાએ BJPની કેન્દ્ર સરકાર સાથે કાવતરું રચ્યું જેથી મધ્યમ વર્ગના મુદ્દાઓ ઉઠાવતા યુવાન રાજકારણીની તટસ્થ ઇમેજ ઊભી કરી શકાય.’

રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાએ સપ્ટેમ્બર ૨૦૨૩માં ઉદયપુરના તાજ લેક પૅલેસમાં લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર રહ્યા હતા.
