ત્વચાની જેમ માથાના તાળવાને પણ સૂર્યનાં હાનિકારક કિરણોથી રક્ષણ મળે એ માટે અને વાળને ડૅમેજ થતા રોકવા માટે સ્કૅલ્પ સનસ્ક્રીન જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
બપોરના સમયે ઘરની બહાર નીકળતાં પહેલાં ચહેરા અને હાથ પર સૂર્યનાં હાનિકારક કિરણો ન પડે એ માટે સનસ્ક્રીન લગાવીએ છીએ, પણ શું તમે સ્કૅલ્પ એટલે કે માથાના તાળવા માટેની સનસ્ક્રીન વિશે જાણો છો? જે રીતે ત્વચા પર લગાવવાનું સનસ્ક્રીન લોશન આવે એ રીતે વાળ અને સ્કૅલ્પને પણ સૂર્યનાં કિરણોથી રક્ષણ આપવા માટે સ્કૅલ્પ સનસક્રીન લોશન આવે છે. એ વાળ અને સ્કૅલ્પની હેલ્થને સારી રાખવામાં બહુ મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરે છે.
UV રેઝ હાનિકારક
ADVERTISEMENT
વાળ પર જ્યારે સૂર્યનાં હાનિકારક અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો પડે ત્યારે વાળ રફ અને ફ્રિઝી લાગવા લાગે છે. વાળને મજબૂત બનાવતા કેરટીન પ્રોટીનને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને કલર કરેલા અને પાતળા વાળ હોય એ લોકો માટે તડકામાં બહાર નીકળવું વધુ હાનિકારક છે. તડકામાં સ્કૅલ્પમાં પરસેવો અને ઑઇલીનેસ વધે છે અને બળતરા પણ થાય છે. ઘણા લોકોની ત્વચા ડ્રાય હોય તો ફાટી જાય છે અને સંવેદનશીલતા વધી જાય છે, પછી કાંસકો ફેરવતી વખતે દુખાવો થાય છે એટલું જ નહીં, લાંબા સમય સુધી સ્કૅલ્પમાં આ સમસ્યા રહે તો ઍલર્જી થઈ શકે છે તથા વાળ ખરવાની સમસ્યા વકરી શકે છે. ધીરે-ધીરે વાળ ઓછા થતા જાય છે અને રી-ગ્રોથ પણ ધીમો પડે છે. લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવે તો ત્વચાસંબંધિત ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.
સ્કૅલ્પ સનસ્ક્રીન શું કરે?
તમારું સ્કૅલ્પ પણ ત્વચા જ છે. જેમ તમે ચહેરા પર વધુ SPF એટલે સન પ્રોટેક્શન ફૅક્ટરવાળું સનસ્ક્રીન લગાવીને ત્વચાનું રક્ષણ કરો છો એ રીતે સ્કૅલ્પ સનસ્ક્રીનનો ઉપયોગ પણ લાંબા ગાળે થતા નુકસાનથી બચાવી શકે છે. તમારા હેરકૅર રૂટીનમાં સ્કૅલ્પ સનસ્ક્રીનને ઉમેરશો તો એ સૂર્યનાં હાનિકારક UVA અને UVB કિરણોથી બચાવશે એટલે કે સ્કૅલ્પ બર્ન, સ્કિનમાં રેડનેસ અને બળતરા થશે નહીં. જે લોકોના વાળ પાતળા છે અને સંવેદનશીલ ત્વચા છે એ લોકો માટે આ સનસ્ક્રીન કામની ચીજ સાબિત થઈ શકે છે. સ્કૅલ્પમાં SPF લગાવવાથી વાળનું મૉઇશ્ચર જળવાઈ રહે છે તેથી વાળમાં ડ્રાયનેસ અને ફ્રિઝીનેસ થવા દેતું નથી. સનસ્ક્રીન લગાવવાથી વાળ સૉફ્ટ મુલાયમ અને શાઇની દેખાય છે. જે લોકોના વાળ કલર કરેલા હોય એ લોકો માટે પણ સ્કૅલ્પ સનસ્ક્રીન બહુ ફાયદો આપે છે. વાળમાં હાઇલાઇટ્સ, કલર કે કેમિકલ ટ્રીટમેન્ટ કરાવી હોય એ લોકો જો આ પ્રોડક્ટ વાપરે તો કલર લાંબો સમય સુધી ટકી રહે છે, ફેડ થતો નથી. આ સાથે વાળને પણ રક્ષણ આપે છે. ટૂંકમાં કહીએ તો આ સનસ્ક્રીન સ્કૅલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે, હાઇડ્રેટેડ રાખે છે અને હેરગ્રોથની પ્રક્રિયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ત્વચાની સાવચેતી હેલ્ધી વાળ માટે પહેલું પગલું હોવાથી એનો નિયમિત ઉપયોગ લાંબા ગાળે ઉદ્ભવતી સમસ્યાના જોખમને ઓછું કરે છે.
કેવી રીતે લગાવવું?
સ્કૅલ્પ પર લગાવાતું સનસ્ક્રીન માર્કેટમાં સ્પ્રે અને પાઉડરના ફૉર્મમાં મળે છે, પણ સ્પ્રેવાળું સનસ્ક્રીન વધુ અસરકારક હોય છે. જ્યારે તમે એ ખરીદવા જાઓ ત્યારે પૅકેજિંગ પર SPF 30 અને બ્રૉડ સ્પેક્ટ્રમ લખેલું હોય એ જ લેવું. એનું નામ જ સ્કૅલ્પ સનસ્ક્રીન છે એટલે એને વાળ પર નહીં સ્કૅલ્પ પર સ્પ્રે કરવાનું હોય છે. સનસ્ક્રીન લગાવ્યા બાદ એને આંગળીઓ વડે ફેલાવો અને હળવો મસાજ કરો. જ્યારે પરસેવો આવે અને વધુ સમય સુધી ઘરની બહાર રહો તો દર બેથી ત્રણ કલાકે ટચઅપ કરતા રહેવું જરૂરી છે. એ સ્ટાઇલ-ફ્રેન્ડ્લી હોવાથી વાળને સેટ કરવામાં મદદ કરે છે અને હેરસ્ટાઇલને બગાડશે નહીં. ગરમી અને પરસેવામાં SPFનું લેયર ઠંડક આપે છે અને પસીનાને કારણે સ્કિનમાં થતા ઇરિટેશનને પણ ઓછું કરે છે.
આટલું ધ્યાન રાખજો
જો સ્કૅલ્પ ઑઇલી હોય તો નૉન-કોમેડોજેનિક એટલે કે છિદ્રો બંધ ન કરે એવું સનસ્ક્રીન પસંદ કરવું.
જો ખોડો કે ત્વચાની ઍલર્જી હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને તેમણે સજેસ્ટ કરેલા સનસ્ક્રીનનો જ ઉપયોગ કરવો હિતાવહ રહેશે.
બાળકો માટે અલગ SPF હોય છે તેથી તેમને લગાવવું નહીં.
સનસ્ક્રીન ખરીદતી વખતે એમાં વિટામિન E, ઍલોવેરા, ફ્રૅગ્રન્સ-ફ્રી, ઝિન્કોક્સાઇડ અથવા ટિટેનિયમ ડાયોક્સાઇડ જેવાં ઇન્ગ્રીડિયન્ટ હોય તો જ લેવું.
જો તમે ડ્રાય શૅમ્પૂનો ઉપયોગ કરો છો તો સ્કૅલ્પ સનસ્ક્રીન પાઉડરના ફૉર્મમાં હોય એવું લેવું, નહીં તો સ્પ્રેવાળું સનસ્ક્રીન ચાલે.

