મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ ૨૩ જુલાઈએ અસામાન્ય બાળકને જન્મ આપ્યો છે. આ મહિલાને સામાન્ય ડિલિવરી થઈ હતી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી, પરંતુ ડૉક્ટરોએ નવજાત શિશુને જોયું તો તેઓ દંગ રહી ગયા હતા.
મધ્ય પ્રદેશમાં એલિયન બેબી જેવા આ બાળકે ચકચાર જગાવી દીધી
મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ ૨૩ જુલાઈએ અસામાન્ય બાળકને જન્મ આપ્યો છે. આ મહિલાને સામાન્ય ડિલિવરી થઈ હતી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી, પરંતુ ડૉક્ટરોએ નવજાત શિશુને જોયું તો તેઓ દંગ રહી ગયા હતા. બાળકની ત્વચા અસામાન્ય રીતે જાડી હતી અને તેના શરીર પર ઊંડી તિરાડો હતી જેના કારણે તે એલિયન બેબી જેવું દેખાતું હતું. નવજાત શિશુની ગંભીર સ્થિતિ જોઈને તેને તાત્કાલિક રીવાની ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું, જ્યાં તે ICUમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે. બાળકની ત્વચાથી લઈને આંખો અને નાક સુધી કંઈક એવું છે જેનાથી તે એલિયન જેવું લાગે છે. બાળકની ત્વચા ખૂબ જ નાજુક, સૂકી અને તિરાડવાળી દેખાતી હતી.
આ બાળકના મુદ્દે ડૉ. કરણ જોશીએ જણાવ્યું હતું કે ‘આ કોલોડિયન બેબી સિન્ડ્રૉમનો કેસ છે, એક ખૂબ જ દુર્લભ ત્વચારોગ છે જેમાં નવજાત શિશુની ત્વચા મીણની જેમ જાડી થઈ જાય છે અને એમાં તિરાડો દેખાય છે. આ સ્થિતિમાં ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે અને ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. વર્ષમાં આવા ફક્ત બે-ત્રણ કેસ જ નોંધાય છે. આ રોગ વારસાગત અથવા ક્યારેક બિનઆનુવંશિક હોઈ શકે છે. ત્વચારોગના વિજ્ઞાનીઓ અને બાળરોગનિષ્ણાતોની સંયુક્ત ટીમ આ નવજાત શિશુની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. જો સમયસર યોગ્ય સારવાર આપવામાં આવે તો આવાં બાળકોને બચાવી શકાય છે, પરંતુ જો બેદરકારી કરવામાં આવે તો એ જીવલેણ પણ બની શકે છે.’


