છોકરીઓને ફૂડ-પૉઇઝનિંગ થયાની જાણ થયા બાદ તેમાંની બે છોકરીઓને નાયર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, જ્યારે એક છોકરીને શહાપુરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં આવેલા ચેરપોલીમાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ફૂડ-પૉઇઝનિંગને કારણે ૧૦-૮-૬ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત થયાં છે. જોકે આ કેસમાં તે ત્રણેય છોકરીઓની મમ્મીની ભૂમિકા શંકાસ્પદ હોવાથી પોલીસે તેને તાબામાં લઈને તપાસ ચાલુ કરી છે અને છોકરીઓના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યા છે. એકસાથે ત્રણ છોકરીઓનાં મોત થતાં આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
થોડા દિવસ પહેલાં આ છોકરીઓની મમ્મીનો તેના પતિ સાથે જોરદાર ઝઘડો થયો હતો એથી તે તેની ત્રણેય દીકરીઓને શહાપુર તાલુકાના જ અસ્લોલી ગામે આવેલા તેના પિયર આવી ગઈ હતી. ત્યાં આ બાળકીઓને ફૂડ-પૉઇઝનિંગ થયું હતું. છોકરીઓને ફૂડ-પૉઇઝનિંગ થયાની જાણ થયા બાદ તેમાંની બે છોકરીઓને નાયર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, જ્યારે એક છોકરીને શહાપુરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે સારવાર દરમ્યાન ત્રણેય છોકરીઓનાં મોત થતાં મામલો ગંભીર બની ગયો હતો. આ છોકરીઓનાં મોત ચોક્કસ કયા કારણસર થયાં એ જાણવા માટે તેમના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસે તેમની મમ્મીને તાબામાં લઈને તેની પૂછપરછ ચાલુ કરી છે.


