આ જ પરિપેક્ષ્યમાં સંસાર ભલે આપણને દેખાય પણ એનું અસ્તિત્વ નથી અને ઈશ્વર ભલે આ સંસારમાં ન દેખાય પણ અંતમાં એનું જ અસ્તિત્વ છે. એ છે માયા.
પ્રતીકાત્મક તસવીર
મનના તરંગો પર સદા છવાયેલી રહેતી એક વિચિત્ર વસ્તુનું નામ છે માયા. એ પરમાત્માએ રચી છે અને પરમાત્મા જ એનું સંચાલન કરી રહ્યા છે એટલા માટે આપણાં શાસ્ત્રોએ પરમાત્માને માયાના ધણી કહ્યા છે.
એ માયા જ્યારે આપણામાં વ્યાપ્ત હોય ત્યારે જે સત્ય હોય એને દેખાવા ન દે અને જે ન હોય એ આપણી સામે લાવ્યા કરે. માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ, માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ વ્યાવહારિક અને લૌકિક દૃષ્ટિએ પણ આ માયા અત્યંત વિચિત્ર છે જેનો આપણે સૌ પ્રત્યક્ષ યા તો પરોક્ષ અનુભવ કરતા રહીએ છીએ. ફરી એક વખત કહું છું કે જે હોય એને છુપાવે અને જે ન હોય એને દેખાડે એ માયા.
ADVERTISEMENT
રણપ્રદેશમાં દૂર-દૂર આપણને પાણી દેખાય છે જેને આપણે ઝાંઝવાનાં નીર કહીએ છીએ, મૃગજળ કહીએ છીએ. એ દેખાય તો છે પણ એનું અસ્તિત્વ નથી. હવા દેખાતી નથી પણ એનું અસ્તિત્વ છે. બસ, આ જ પરિપેક્ષ્યમાં સંસાર ભલે આપણને દેખાય પણ એનું અસ્તિત્વ નથી અને ઈશ્વર ભલે આ સંસારમાં ન દેખાય પણ અંતમાં એનું જ અસ્તિત્વ છે. એ છે માયા.
અંધારા રસ્તામાં જતા હોઈએ અને રસ્તામાં દોરડું પડ્યું હોય તો આપણને સર્પ દેખાય. ઑબ્જેક્ટ ખોટું છે પણ એનાં રીઍક્શન્સ બધાં સાચાં આવશે - પૅનિક થઈ જવું, બ્લડપ્રેશર વધી જવું, પરસેવો થઈ જવો, આમતેમ ભાગવું.
બસ, આ એક માયાને કારણે છે. જે વસ્તુ નથી એને આપણે વિચારી લીધી છે અને વિચારમાં ને વિચારમાં આપણે એને જોઈ પણ લીધી એટલા માટે આપણી આ હાલત થઈ ગઈ. આ માયા છે. એવી જ રીતે અંધારા રસ્તામાં આપણે જતા હોઈએ. રસ્તામાં સાપ જ પડ્યો છે અને આપણે એને દોરડું સમજીને હાથમાં ઊંચકી લઈએ તો એ રીઍક્શન નહીં સીધી ઍક્શન આપશે. એવી રીતે આ જગતમાં ઘણી વસ્તુઓ ઍક્શનમાં ખપતી હોય અને ઘણી વસ્તુ માત્ર રીઍક્શનમાં જ ટળી જતી હોય તો આપણે બહુ વિવેકપૂર્ણ વિચારવાનું રહ્યું કે આ જગતમાં જ્યારે કોઈ વસ્તુ આપણા ધ્યાનમાં આવે, કોઈ વિચારમાં આવે, કોઈ પરિસ્થિતિ અથવા સ્થિતિ નિર્માણ થાય જે આપણા દ્વારા થઈ હોય અથવા બીજાના દ્વારા થઈ હોય, કોઈ પણ અવસ્થામાં વિમૂઢ થઈને નહીં પરંતુ વિવેકથી વિચારવું કે હું જે જોઈ રહ્યો છું એ સત્ય છે કે હું નથી જોઈ રહ્યો એ સત્ય છે? મારા અવિવેકભર્યા વિચારને કારણે અથવા મારા મોહ અને માયાને કારણે હું જે નિર્ણય લઈ રહ્યો છું એ સાચો તો છેને?
અટકીને એક વાર વિચારી લેવું એનું નામ છે વિવેક.
બસ, આ વિવેક માયાને પરાસ્ત કરે અને વિવેક સત્સંગથી પ્રાપ્ત થાય. સત્સંગનો અર્થ છે સારાના સંઘમાં રહેવું.
-આશિષ વ્યાસ

