છાતી-પેટમાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, આફરો ચડવો જેવાં લક્ષણો ધરાવતી આ સમસ્યાને આજે પરંપરાગત ઉપચારપદ્ધતિની દૃષ્ટિએ સમજવાની કોશિશ કરીએ
પ્રતીકાત્મક તસવીર
ઍસિડિટી અથવા તો ગૅસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે GERDની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં લગભગ ૩૦ ટકા કરતાં વધુ લોકો GERDથી પીડાય છે અને આ સંખ્યા વધી રહી છે. એનું મુખ્ય કારણ બદલાયેલી બેઠાડુ જીવનશૈલી, પ્રોસેસ્ડ-તીખા અને તળેલા ભોજનનું વધતું સેવન, અનિદ્રા અને સ્ટ્રેસનો અતિરેક માનવામાં આવે છે. છાતીમાં બળતરા થવી, આફરો ચડવો, ભોજન ગળવામાં તકલીફ થવી, ગળામાં કંઈક ફસાઈ ગયું હોવાની અનુભૂતિ થવી, ભૂખ ન લાગવી, ખાટા ઓડકાર આવવા, મોઢામાંથી દુર્ગંધ આવવી જેવાં લક્ષણો દેખાતાં હોય છે. સામાન્ય રીતે ઍન્ટિ-ઍસિડ દવાઓ લઈને ઍસિડિટીને કાબૂમાં રાખવાનો શૉર્ટકટ અપનાવનારા લોકોની સંખ્યા વધુ છે ત્યારે આજે આયુર્વેદ, નૅચરોપથી અને હોમિયોપથી જેવી પરંપરાગત પદ્ધતિની મદદથી એને કઈ રીતે ટૅકલ કરી શકાય એ વિશે દેશની ત્રણ અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતો સાથે વાત કરીએ.
ક્યાંક થાય, ક્યાંક નહીં
મુંબઈમાં સાદું ભોજન પણ ઍસિડિટી આપે અને વેકેશનમાં ગામડે જાઓ તો ચટાકેદાર ભોજન વચ્ચે પણ ઍસિડિટી ગાયબ. આવો અનુભવ તમારો હોય તો એનું કારણ આપતાં નિષ્ણાતો કહે છે કે માનસિક તનાવ ઓછો હોય કે પાણીની ગુણવત્તા બદલાય તો પણ ઍસિડિટી ઘટતી હોય છે.
ADVERTISEMENT
આયુર્વેદની દૃષ્ટિએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનાં ડિરેક્ટર ડૉ. તનુજા નેસરી પાસેથી જાણીએ

શું કામ થાય?
જ્યારે પણ તમે કોઈ ભોજન લીધું અને એ આંતરડાંમાં પચ્યા વિના પડ્યું રહ્યું એટલે એ અપક્વ ધાન સડે અને અમ્લપિત્તમાં કન્વર્ટ થાય. અમ્લપિત્ત એટલે જ આયુર્વેદમાં ઍસિડિટી. વાત, પિત્ત અને કફ એ ત્રણ જુદા-જુદા દોષોની પ્રકૃતિમાંથી જેમની પ્રકૃતિ પિત્તની હોય તેમને આ સમસ્યા વધુ થઈ શકે. પચવામાં ભારે આહાર લો; ભોજનનો સમય અનિયમિત હોય; કટાણે ભોજન લો; અતિશય તીખા, ખાટા, ખારા, પ્રોસેસ્ડ કરેલા, મેંદાયુક્ત, તળેલા અને વાસી ખોરાકનું સેવન; ભોજન પછી તરત સૂઈ જવું; વધુપડતું ચા-કૉફીનું સેવન; વધુપડતાં તનાવ, ક્રોધ અને ચિંતા; પૂરતી ઊંઘનો અભાવ; અતિશય શ્રમ આ બધાં જ ઍસિડિટીનાં કારણો છે.
ઉપચારમાં શું કરશો?
આયુર્વેદમાં દેશ, કાળ અને પ્રકૃતિ મુજબ પણ દોષોના પ્રમાણમાં વધ-ઘટ થતી હોય છે અને ઋતુ મુજબ ઍસિડિટીનાં કારણો પણ બદલાઈ શકે છે. જેમ કે ઉનાળામાં પિત્ત વધે અને એમાં જો અમુક નિયમિત સમયે ભોજન ન લો તો ઍસિડિટી થાય, પણ ચોમાસામાં વાતદોષનું પ્રમાણ વધે એટલે પાચન નબળું હોય. એવામાં ભારે ભોજન લો અને એ ન પચે એટલે ઍસિડિટી થઈ શકે.
મીઠા, કડવા અને તૂરા સ્વાદવાળો આહાર પિત્તશામક મનાય છે એટલે ભોજનમાં દૂધ, ઘી, નારિયેળપાણી, કાકડી, કોળું, કારેલાં, લીલાં શાકભાજી, આમળાં, કિસમિસ, વરિયાળી, ધાણા, જીરું ફાયદાકારક નીવડશે.
ભોજનનો સમય નિશ્ચિત કરો અને પચી જાય એવો હળવો આહાર લો. ભોજન પછી તરત પાણી ન પીઓ; પરંતુ એને બદલે ફળોનો રસ, છાશ અથવા દૂધ પીવાનું રાખો.
ચા-કૉફી, તળેલો, તીખો, ખાટો અને પ્રોસેસ્ડ કરેલો આહાર ટાળો.
યોગ, ધ્યાન, માઇલ્ડ કસરત કરો અને શીતલી, શીતકારી જેવા પ્રાણાયામ કરો.
ચોમાસામાં ડિનરમાં ધારો કે ખીચડી પણ ખાતા હો તો ધાનને શેકીને પછી એની ખીચડી ખાઓ.
ઍસિડિટીમાં આમળાંનું સેવન શ્રેષ્ઠ ગણાવાયું છે, પરંતુ યાદ રહે કે શરીરમાંથી એક વાર બધું જ ઍસિડ બહાર નીકળી જાય એ પછી આમળાંનું સેવન લાભ કરશે. અન્યથા એ ઍસિડિટી વધારશે. ઍસિડને કાઢવા માટે અને પાચનતંત્રને સરખું કરવા માટે વમન અને વિરેચનની વિધિ આયુર્વેદમાં દર્શાવાઈ છે. ઍસિડિટી હોય તેમણે નિષ્ણાતની સલાહ મુજબ પેટ સાફ રહે એ જોવું જોઈએ અને વમન કરીને વધારાનું ઍસિડ કાઢવું જોઈએ.
જમ્યા પછી લવિંગ, તજ, ધાણા, જીરુંનો પાઉડર બનાવીને એક ચમચી લઈ લો. બળતરા ઓછી થશે. એ જ રીતે જમ્યા પછી પ્રવાર પંચામૃત લઈ શકાય.
રાતે સૂતા પહેલાં અવિપત્તિકર ચૂર્ણ રૂમ-ટેમ્પરેચરના પાણી સાથે લઈ શકાય.
રાતે પલાળેલી કાળી દ્રાક્ષ અને સૂકું અંજીર સવારે ખાવાથી લાભ થશે.
ક્વિક ફિક્સ : ઍસિડિટીને નિવારવા સવારે ચાર-પાંચ ઇલાયચી ચાવી-ચાવીને ખાઓ.
હોમિયોપથીની દૃષ્ટિએ સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન હોમિયોપથીના ડિરેક્ટર જનરલ ડૉ. સુભાષ કૌશિક પાસેથી જાણીએ

શું કામ થાય?
હાઇપરક્લોરહાઇડ્રિયા, ઍસિડ રિફ્લક્સ, હાઇપરઍસિડિટી કે પેટની અન્ય તકલીફોને હોમિયોપથીમાં પ્રારંભિક લક્ષણોને જ નહીં પણ ઓવરઑલ સ્થિતિના આધારે જોવામાં આવે છે. જેમ કે અમુક દરદીને જમ્યા પહેલાં ઍસિડિટી થાય તો અમુકને જમ્યા પછી, કોઈકને સવારે થાય તો કોઈકને રાત્રે બળતરા થાય છે. કોઈક વ્યક્તિને ફળ ખાવાથી ઍસિડિટી મટે છે તો કોઈકને એ જ ફળ ખાવાથી ઍસિડિટી વધે છે. કોઈકને ભોજન પછી ઍસિડિટી થાય છે તો કોઈકને ભોજન પહેલાં થાય છે. ફૂડ જ કારણ છે કે એનાં ઇમોશનલ અને મેન્ટલ સ્ટેટ કારણો છે એનો અભ્યાસ થાય.
ઉપચારમાં શું કરશો?
હોમિયોપથીની દવા એ માત્ર તાત્કાલિક આરામ માટેની ઍન્ટિ-ઍસિડ કે લક્ષણ દાબનાર દવા નથી. હોમિયોપથી એ બીમારીના મૂળ પર ફોકસ કરે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન હોમિયોપથી અંતર્ગત અમે GERD પર સંશોધનો કર્યાં છે. એનાં પરિણામોમાં અમને જોવા મળ્યું કે વ્યક્તિની સમસ્યાના મૂળને પારખીને અપાયેલી હોમિયોપથીની દવાઓથી માત્ર ઍસિડિટી જ દૂર ન થઈ, દરદીની એન્ડોસ્કોપીથી મળેલાં પરિણામો મુજબ પેટની અંદર આવેલા સોજા પણ ઘટ્યા હતા. બીજી મહત્ત્વની વાત એટલે કે હોમિયોપથીની આડઅસર નથી અને આ દવાઓ માત્ર લક્ષણો દાબતી નથી, શરીરની અંદર રહેલી કમીઓને પણ સુધારવાનો પ્રયાસ કરે છે. હોમિયોપથીમાં ઉપાય માટે કોઈ દવાનું નામ આપી ન શકાય, કારણ કે એ વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. હોમિયોપથીમાં આ ખાવું અને આ નહીં એવો કોઈ નિયમ પણ નથી. હા, કેટલીક દવાઓની અસર વધારવા માટે ડૉક્ટર કાંદા, ચા, કૉફી જેવી વસ્તુઓ ન ખાવાની સલાહ આપતા હોય છે. જોકે તમે નિષ્ણાત પાસેથી તાત્કાલિક રિલીફ આપતી અને લાંબા ગાળે ઍસિડિટીના મૂળને દૂર કરતી એમ બન્ને દવાઓ મેળવી શકો છો.
નૅચરોપથીની દૃષ્ટિએ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નૅચરોપથીના ડિરેક્ટર ડૉ. કે. સત્યલક્ષ્મી પાસેથી જાણીએ

શું કામ થાય?
આપણા પેટમાં ભોજનને ચર્ન કરવા માટે હાઇડ્રોક્લોરિક નામનું ઍસિડ હોય છે. આ ઍસિડ એટલું પાવરફુલ છે કે એ સ્ટીલને પીગાળી શકે છે. જોકે જ્યારે તમે કોઈક એવો આહાર લો જેના પર એ ઍસિડ બેઅસર થાય અને તમારા પેટને પ્રોટેક્ટ કરતી લાઇનિંગને ડિસ્ટર્બ કરી દે ત્યારે ઍસિડિટી થાય. સામાન્ય રીતે તમે જે પણ આહાર લો એને તમારા પેટમાંથી પચીને પોષક તત્ત્વોરૂપે ઍબ્સૉર્બ થવામાં ત્રણેક કલાકનો સમય લાગતો હોય છે. જોકે કોઈ પણ કારણસર એ આહાર પચે નહીં અને તમે ફરીથી કંઈક ખાઓ અને એમ કરતાં-કરતાં પેટમાં ન પચેલા ભોજનનો ભરાવો થાય એ ઍસિડિટીનું સર્જન કરી શકે છે. પેટની લાઇનિંગ પર રહેલા ગટ બૅક્ટેરિયા ડિસ્ટર્બ થવાથી પાચનની પ્રોસેસ ડિસ્ટર્બ થાય અને ઍસિડ ગળા તરફ આવે. આ આખું ચક્ર છે. ખોટા સમયે ખોટું ફૂડ ખોટી માત્રામાં ખોટા મૂડ સાથે ખવાતું રહે ત્યારે ઍસિડિટી થાય છે.
ઉપચારમાં શું કરશો?
જે કારણ છે એનું નિવારણ એ જ એનો ઉપાય. નૅચરોપથીમાં ઉપવાસનું મહત્ત્વ છે જે ઍસિડિટીમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાતથી આઠ કલાકના અંતરાલમાં ભોજન લો. ભોજનમાં રાખવામાં આવતો ગૅપ તમારા શરીરને આપમેળે રિકવર થવામાં મદદ કરશે. દર બે કલાકે થોડું-થોડું ખાવાનો ફન્ડા ખોટો છે.
ઘૂંટડે-ઘૂંટડે અને ધીમે-ધીમે પાણી પીઓ. પાણીને મોઢામાં રહેલી લાળ સાથે બરાબર મિક્સ કરીને એક-એક ઘૂંટ ઉતારશો તો એ જળપાન દવા જેવું કામ કરશે.
નૅચરલ હોય અને પચવામાં સરળ હોય એવાં ફળો અને શાકભાજીને ભોજનમાં ઉમેરો. યાદ રાખો કે તમારું પેટ બહુબધાં કેમિકલ હૅન્ડલ નહીં કરી શકે. તમે જે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો એમાં કેમિકલ્સની માત્રા ખૂબ વધારે હોય છે.
સ્ટ્રેસમાં, ગુસ્સામાં કે ચિંતામાં હો ત્યારે ભોજન ન લો. ભોજનનો સમય હોય તો પણ એ સમયે પાણી પીઓ, પણ મન શાંત થાય એ પછી જ ભોજન લો.
પેટ પર ઠંડા પાણીમાં ભીનો કરેલો નૅપ્કિન રાખો.


