Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કેટલીક નૅચરલ વસ્તુઓમાં પણ હોય છે સ્ટેરૉઇડ્સ, એ પણ સાઇડ ઇફેક્ટ્સ વિનાનું

કેટલીક નૅચરલ વસ્તુઓમાં પણ હોય છે સ્ટેરૉઇડ્સ, એ પણ સાઇડ ઇફેક્ટ્સ વિનાનું

Published : 29 June, 2026 02:16 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સ્ટેરૉઇડ શબ્દ સાંભળતાં જ સામાન્ય રીતે આપણે ડરી જઈએ છીએ, પરંતુ હજારો વર્ષ પહેલાં આપણા ઋષિઓએ ગ્રંથોમાં રસાયણ અને ઓજસના નામે કુદરતી સ્ટેરૉઇડલ અસરોનો આડકતરો ઉલ્લેખ કર્યો જ છે. આયુર્વેદની કેટલીક મેડિસિન્સ છે જે પ્રાકૃતિક સ્ટેરૉઇડનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જર્નલ ઑફ એથ્નોફાર્માકોલૉજી અને ભારતીય ફાર્માકોવિજિલન્સના ડેટા અનુસાર બજારમાં મળતી નકલી અથવા બિનઅધિકૃત ચમત્કારી સેક્સ્યુઅલ હેલ્થ, વેઇટ ગેઇનની અને આર્થ્રાઇટિસની ૧૫ ટકાથી ૨૦ ટકા જેટલી હર્બલ પ્રોડક્ટ્સમાં ગુપ્ત રીતે સિન્થેટિક સ્ટેરૉઇડ્સ અથવા પેઇનકિલર્સની ભેળસેળ જોવા મળી છે. જિમમાં બૉડી-બિલ્ડિંગ માટે લોકો સ્ટેરૉઇડ્સનો ઉપયોગ કરે છે એ તો જગજાહેર છે. દવા તરીકે ફેફસાંના રોગોમાં, તીવ્ર પેઇનમાં પેઇનકિલર તરીકે પણ સ્ટેરૉઇડ્સનો ઉપયોગ થતો હોય છે. જોકે એની ઢગલાબંધ સાઇડ ઇફેક્ટ્સ પર પણ ભરપૂર રિસર્ચ થયાં છે. જેમ કે અમેરિકન કૉલેજ ઑફ રૂમૅટોલૉજીના રિપોર્ટ મુજબ જે દરદીઓ કોઈ પણ કારણસર ૩ મહિનાથી વધુ સમય માટે કેમિકલ સ્ટેરૉઇડ્સ લે છે એમાંથી ત્રીસથી પચાસ ટકા દરદીઓમાં હાડકાં ફ્રૅક્ચર થવાનું કે પોલાં થવાનું જોખમ અસાધારણ રીતે વધી જાય છે. સિન્થેટિક સ્ટેરૉઇડ્સ લેવાના શરૂઆતનાં થોડાં અઠવાડિયાંમાં જ હાડકાંનું ઘસાવાનું પ્રમાણ સૌથી ઝડપી હોય છે.

બ્રિટિશ મેડિકલ જર્નલના એક વ્યાપક ક્લિનિકલ સ્ટડી અનુસાર લાંબા સમય સુધી સિન્થેટિક કોર્ટિકોસ્ટેરૉઇડ્સ લેતા દરદીઓમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝ થવાનું જોખમ સામાન્ય માણસ કરતાં અઢીગણું વધી જાય છે, જેને સ્ટેરૉઇડ-ઇન્ડ્યુસ્ડ ડાયાબિટીઝ કહે છે.



હૃદયરોગ અને હાઈ બ્લડ-પ્રેશર થવાની સંભાવના ચારગણી વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ આર્ટિફિશ્યલ સ્ટેરૉઇડ્સ જ્યારે અચાનક બંધ કરવામાં આવે ત્યારે શરીર પોતાની કુદરતી હૉર્મોન સિસ્ટમ ઠપ કરી ચૂક્યું હોવાથી એડ્રિનલિન ક્રાઇસિસ થાય છે. દરદીનું બ્લડ-પ્રેશર અચાનક લો થઈ જાય છે, ભારે ઊલટી-ઝાડા થાય છે અને ક્યારેક દરદી કોમામાં પણ સરી પડે છે.


સ્ટેરૉઇડ્સ છે શું?

સ્ટેરૉઇડ્સ એ ચરબી પર આધારિત અને કૉલેસ્ટરોલમાંથી બનેલા અણુઓ છે જે કુદરતી રીતે વનસ્પતિઓ તેમ જ મનુષ્યો સહિતનાં પ્રાણીઓમાં જોવા મળે છે. મનુષ્યના શરીરમાં એ મુખ્યત્વે એડ્રિનલિન ગ્રંથિઓ અને પ્રજનન અંગો દ્વારા ઉત્પન્ન થાય છે. એ શરીરમાં પાચનક્રિયા, બ્લડ-પ્રેશર, રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓના વિકાસ જેવાં મહત્ત્વનાં કાર્યોનું સંચાલન કરે છે. મજાની વાત એ છે કે આ સ્ટેરૉઇડ્સ કુદરતી રીતે પણ મળે છે અને એને લૅબોરેટરીમાં પણ બનાવી શકાય છે. સોજો ઘટાડવા અને પાચન માટે, બ્લડ-પ્રેશર અને પાણીનું સંતુલન રાખવામાં, સ્ત્રી અને પુરુષ હૉર્મોન્સનું નિયમન કરવામાં પણ કુદરતી સ્ટેરૉઇડ્સની ભૂમિકા હોય છે. લૅબોરેટરીમાં કુદરતી હૉર્મોન્સની નકલ કરીને બનતાં સ્ટેરૉઇડ્સ બે પ્રકારનાં છે. એક જે સોજો અને ઍલર્જી ઘટાડવા માટે અસ્થમા કે આર્થ્રાઇટિસ જેવા રોગોમાં વપરાય છે અને બીજું સ્નાયુઓ વધારવા અને તાકાત આપવા માટે વપરાય છે.


કુદરતી રીતે મળતું સ્ટેરૉઇડ

આયુર્વેદની કેટલીક દવાઓ પ્રાકૃતિક સ્ટેરૉઇડનું કામ કરે છે. હજારો વર્ષ પહેલાં જ્યારે સ્ટેરૉઇડ જેવો કોઈ વૈજ્ઞાનિક શબ્દ નહોતો ત્યારે પણ આપણા ઋષિમુનિઓ વનસ્પતિની આ તાકાતથી પરિચિત હતા. ચરકસંહિતા, સુશ્રુતસંહિતા અને અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથોમાં સ્ટેરૉઇડ જેવું જ કામ કરતા પદાર્થો અને ગુણધર્મોનો જુદા નામે ઉલ્લેખ જોવા મળે છે. આ સંદર્ભે વૃક્ષ આયુર્વેદના નિષ્ણાત અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના વડા ડૉ. મહેશકુમાર દધીચ કહે છે, ‘આયુર્વેદમાં જે વનસ્પતિઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે, વ્યક્તિની એજિંગ-પ્રોસેસને ધીમી પાડે, ઘા રુઝાવે અને સોજો ઉતારે એને રસાયણ કહેવાય છે; જ્યારે શરીરનાં હૉર્મોન્સ, પ્રોટીન સિન્થેસિસ અને સ્નાયુબળ વધારે એને વાજીકરણ કહેવાય છે. અશ્વગંધા, શતાવરી અને શિલાજિત જેવાં દ્રવ્યોને આ જ શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે, જેના ગુણો સ્ટેરૉઇડ્સની ઉપયોગિતા સાથે મળતા આવે છે. આયુર્વેદ માને છે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર જેવી ૭ ધાતુઓ પર શરીર ટકેલું છે. આ ધાતુઓનું ઉત્તરોત્તર પોષણ અને રક્ષણ કરનાર તત્ત્વ એટલે ઓજસ. આધુનિક વિજ્ઞાન જેને હૉર્મોનલ અને એન્ડોક્રાઇન બૅલૅન્સ કહે છે એને જ આયુર્વેદમાં ઓજસનું સંતુલન કહેવાયું છે. વૃક્ષ આયુર્વેદના ગ્રંથોમાં સ્પષ્ટ છે કે જે વનસ્પતિઓ પ્રતિકૂળ વાતાવરણમાં પણ લીલીછમ રહે છે, જેમ કે અમૃતા એટલે કે ગળો, એમાં સર્વશ્રેષ્ઠ રસાયણ ગુણો હોય છે. આ વનસ્પતિઓ તનાવ સામે લડવા માટે પોતાની અંદર કુદરતી સ્ટેરૉઇડ્સ ઉત્પન્ન કરે છે જેને ‘ફાયટોસ્ટેરૉઇડ્સ’ કહેવાય છે, જે માનવશરીર માટે કુદરતી અમૃત સમાન છે. આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સાપદ્ધતિઓમાં આ જ પ્લાન્ટ સ્ટેરૉઇડ્સ આપણને સાજા કરવામાં મદદ કરે છે.’

જોકે મહત્ત્વનું છે કે...

આયુર્વેદમાં કોઈ પણ વસ્તુનો એકાંકી નહીં, સર્વાંગી ઉપયોગ કરવાનું કહેવાયું છે. એના પ્રાકૃતિક કૉમ્બિનેશનમાં એનું સેવન કરો, નહીં કે એમાંથી એ ઘટક છૂટો પાડીને માત્ર એ જ ઘટકનું સેવન કરો એમ જણાવીને ડૉ. મહેશ કહે છે, ‘કપૂરકાચલી, બલા, અશ્વગંધા, ધતૂરો જેવી દવાઓમાં રહેલું સ્ટેરૉઇડ કોષોને મજબૂત કરવા અને હૉર્મોનલ સંતુલન લાવવા માટે ઉપયોગી છે. જંગલી ડુંગળી, પીળી કરેણ જેવી આયુર્વેદની દવાઓ હૃદયરોગની સારવારમાં ઉપયોગી એવાં સ્ટેરૉઇડ્સ ધરાવે છે. જોકે એનો અર્થ એવો નથી કે તમે જંગલી ડુંગળી પર તૂટી પડો. હકીકતમાં દરેકેદરેક વનસ્પતિમાં ઓછાવત્તા પ્રમાણમાં સ્ટેરૉઇડ્સ હોય જ છે, પરંતુ એના સેવનમાં વ્યક્તિની પ્રકૃતિ, એની અવસ્થા અને એના પ્રમાણના આધારે નિર્ણય એક અનુભવી ચિકિત્સક દ્વારા લેવાવો જોઈએ.’

૨૪ કલાકમાં ચમત્કાર કરતી આયુર્વેદિક દવાથી સાવધાન!

આજકાલ વનસ્પતિના આ સ્ટેરૉઇડ્સનો ખોટો પ્રચાર કરીને કેટલાક બિનઅનુભવી અને ફ્રૉડ લોકો દરદીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા વગર ‘ચમત્કારી કુદરતી જડીબુટ્ટી’ કહીને કૅન્સર, ડાયાબિટીઝ, વંધ્યત્વ કે લાંબા સમયના દુખાવા મટાડવાના ખોટા દાવા કરવામાં આવે છે. યાદ રહે કે કોઈ દવા ક્યારેય રાતોરાત કે જાદુઈ રીતે રોગ મટાડતી નથી. એ ધીમે-ધીમે મૂળમાંથી કામ કરે છે. જો કોઈ ઊંટવૈદું કરનારી વ્યક્તિ કે સોશ્યલ મીડિયાની જાહેરાત એવો દાવો કરે કે એક જ દિવસમાં વર્ષો જૂનો ઘૂંટણનો દુખાવો ગાયબ તો સમજી લેવું કે એમાં કેમિકલવાળા સિન્થેટિક સ્ટેરૉઇડની મોટા પ્રમાણમાં ભેળસેળ છે. ઘણા કિસ્સાઓમાં આયુર્વેદિક દવાના નામે ઝડપથી રિઝલ્ટ આપવા માટે એમાં ચોરીછૂપીથી ઍલોપથીનાં સિન્થેટિક સ્ટેરૉઇડ્સ ભેળવી દેવામાં આવે છે. દરદીને લાગે છે કે આયુર્વેદિક દવાથી ફાયદો થયો છે, પણ અસલમાં તે આર્ટિફિશ્યલ સ્ટેરૉઇડની સાઇડ ઇફેક્ટનો ભોગ બની રહ્યો હોય છે. વગર વિચાર્યે આવી દવાઓ લાંબો સમય લેવાથી સ્ટેરૉઇડ ડિપેન્ડન્સી અને હેલ્થ-ક્રાઇસિસ ઊભી થઈ શકે છે. એટલે સારા આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસિસ (GMP) સર્ટિફાઇડ દવાઓનો જ ઉપયોગ કરવો જોઈએ અને કોઈ ભસ્મ કે ભભૂતીના ચક્કરમાં ન પડવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 02:16 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK