ખારની ઘટના : CCTV કૅમેરાએ ભાંડો ફોડ્યો એટલે ઝવેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રતીકાત્મક તસવીર
ખાર-વેસ્ટના આંબેડકર રોડ પર આવેલા એક જાણીતા જ્વેલર પાસે કામ કરતો નોકર માલિકની ગેરહાજરીમાં અસલીને બદલે નકલી દાગીના ગોઠવીને આશરે ૧૯,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૩૨ ગ્રામ સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ગઈ કાલે જ્વેલરી-શૉપના ૩૭ વર્ષના માલિકે ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે પચીસ જૂને એક ગ્રાહકને બ્રેસલેટ બતાવતી વખતે કસોટી પર તપાસતાં એ નકલી નીકળ્યું હતું. શંકા જતાં તેમણે સ્ટૉક ચેક કર્યો તો શૉપમાંથી સોનાનાં બ્રેસલેટ, ગળાની ચેઇન અને ૨૩ નંગ સોનાની અંગૂઠીઓ સહિત કુલ ૧૩૨ ગ્રામ અસલી દાગીના ગાયબ હતા અને એની જગ્યાએ પીળી ધાતુના નકલી દાગીના ગોઠવેલા હતા. દુકાનમાં છેલ્લા ૬ મહિનાથી કામ કરતા નોકર પર શંકા જતાં જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને માલિકની નજર ચૂકવીને પોતાનો મોબાઇલ ફોન દુકાનમાં જ મૂકીને ભાગી છૂટ્યો હતો.
પોલીસ શું કહે છે?
ખાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ જ્વેલરી શૉપના માલિકે દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં નોકરની કરતૂત કૅમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. ૨૪ જૂને જ્યારે માલિક અને અન્ય એક જૂનો નોકર દુકાનની બહાર ગયા હતા ત્યારે આરોપી નોકરે પોતાના ખિસ્સામાંથી નકલી ચેઇન કાઢીને ડિસ્પ્લે બૉક્સમાં મૂકી દીધી હતી અને અસલી સોનાની ચેઇન પોતાના ખિસ્સામાં સરકાવી દીધી હતી. માલિકે જ્યારે કામાઠીપુરા ખાતે નોકરના ઘરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની પત્ની પણ બૅગ લઈને ક્યાંક ભાગી ગઈ છે. ચોરી થયેલા દાગીનામાં ૧૨.૬૦ લાખની કિંમતની ૨૩ વીંટીઓ અને અલગ-અલગ વજનની સોનાની ત્રણ ચેઇન તથા બ્રેસલેટ સામેલ છે. આ કેસમાં નાસી ગયેલા નોકરની શોધ હાથ ધરવામાં આવી છે.’
