અંધેરીની એક પ્રાઇવેટ કંપનીના મિત્રો ટ્રેકિંગ માટે રાજગડ ફોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમની મિની બસ મધરાતે એક વાગ્યા બાદ ખીણમાં ખાબકી, બે જણના જીવ ગયા એમાં કાંદિવલીની ધ્વનિ ઠક્કરનો સમાવેશ
રાજગડ કિલ્લાના ટ્રેકિંગ પર ગયેલું અંધેરીની કંપનીનું ગ્રુપ. મરનાર વિશ્વાસ સાતિમે ટ્રેકિંગ પર જતાં પહેલાં સોશ્યલ મીડિયા પર ગ્રુપફોટો શૅર કર્યો હતો.
વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે સહ્યાદ્રિની પર્વતમાળામાં વરસાદ અને વનરાજીનો રાજગડ કિલ્લા પર ટ્રેકિંગ કરીને આનંદ લૂંટવા નીકળેલા અંધેરીની કંપનીના સ્ટાફની મિની બસનો શનિવારે રાતે અકસ્માત થયો હતો. બસ પાબે ઘાટમાં ઊંડી ખીણમાં પટકાતાં વિલે પાર્લેના યુવાન વિશ્વાસ સાતિમ અને કાંદિવલીની ધ્વનિ ઠક્કરનાં મોત થયાં હતાં અને અન્ય લોકો ઘાયલ થયા હતા.
અંધેરીના સીપ્ઝમાં આવેલી એક ડાયમન્ડ કંપનીના સ્ટાફે રાજગડ ટ્રેકિંગ પર જવા મિની બસ ભાડે લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વરસાદથી ભીંજાયેલા ઘાટના રોડ પરથી નીચે ઊતરતી વખતે વાહનને મધરાત બાદ બે વાગ્યે એક હેરપિન ટર્નિંગ પર અકસ્માત થયો હતો. ભારે વરસાદને કારણે રસ્તો લપસણો થઈ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. બસ ૪૦-૫૦ ફુટ ઊંડી ખીણમાં પડી હતી અને ઘણી વખત પલટી ખાઈ ગઈ હતી.
ADVERTISEMENT
રાજગડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસર નીલેશ રાણેએ આ અકસ્માત સૌથી પહેલાં નોંધ્યો હતો. તેમણે તરત જ પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી અને મદદ બોલાવી હતી. પલટી મારી ગયેલી બસ એક ઝાડના થડ સાથે અથડાઈને અટકી ગઈ હતી. જો એ ઝાડ તૂટે તો આખી બસ ખીણમાં વધુ ઊંડે જઈને પડે એવી સિચુએશન હતી. વળી ડીઝલની ટાંકીમાં પંક્ચર પડી ગયું હોવાથી એમાંથી ડીઝલ પણ લીક થઈ રહ્યું હતું. આ ઉપરાંત બસનું ઇગ્નિશન ઑન હતું એટલે આગ લાગવાની પણ શક્યતા હતી. એથી JCB બોલાવી દોરડાં નાખીને બસને આખેઆખી ઊંચકી લેવામાં આવી હતી.
ડ્રાઇવર સંદીપ ગાયકવાડ બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેનો પગ બહુ ખરાબ રીતે છૂંદાઈ ગયો હતો અને તે ડૅશબોર્ડ અને તેની સીટ વચ્ચે બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેને બચાવવા તેનો સીટ-બેલ્ટ બહુ સંભાળીને કાપવામાં આવ્યો હતો અને એ પછી તેને મહામુશ્કેલીથી બહાર ખેંચવામાં આવ્યો હતો. બીજું, બે સીટ વચ્ચે ફસાઈ જવાથી ધ્વનિ ઠક્કરનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું.
અકસ્માતને કારણે બસને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં સૌથી પહેલાં નજીકના ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. એ પછી સરકારી બચાવટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તમામ ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ડ્રાઇવર સહિત ઘાયલ મુસાફરોની અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
