ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રના આ ટ્રેકમાં મંઝિલથી માત્ર ૬૦૦ મીટર દૂર હતા ત્યારે ખરાબ હવામાનને કારણે પાછા વળવું પડ્યું, પણ ભૂતકાળમાંય આવાં સાહસો ખેડી આવેલા આ મિત્રોનો જુસ્સો અકબંધ છે અને નવા પડકારો માટે સજ્જ છે
ડાબેથી સુકેતુ પારેખ, પ્રશાંત શેઠ, દેવાંગ પલણ, સંજય મોદી, ભવ્યાંગ ઓઝા, અરુણ કેજરીવાલ. ખડક પરથી પસાર થતાં અને બરફાચ્છાદિત પર્વત પર ટેન્ટ સાથે પડાવની તસવીર
જીવનની અડધી સદી પછી સામાન્ય રીતે વ્યક્તિ સ્લો ડાઉન થવાનું પસંદ કરે છે, જ્યારે મલાડ-કાંદિવલી વિસ્તારમાં રહેતા ૬ મિત્રોને સાહસો કરવાનું શૂરાતન ચડ્યું છે. હાલમાં જ તેઓ હિમાલયનો ઑડેન્સ કોલ નામનો ટ્રેક કરી આવ્યા. એક મિત્રના ૬૦મા જન્મદિવસને યાદગાર બનાવવા તેમણે આ ટ્રેક પ્લાન કર્યો હતો. ઘૂંટણ સુધી પગ બરફમાં ઘૂસી જાય, સુસવાટા મારતો પવન અને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી જગ્યાએ બર્થ-ડે સેલિબ્રેશનનો વિચાર આવવો એ સાબિતી છે કે ઉત્સાહ અને ઇચ્છાશક્તિ હોય તો ગમે તે ઉંમરે સપનાં સાકાર થઈ શકે છે.
અનુભવ કેવો રહ્યો?
ADVERTISEMENT
ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયનો ઑડેન્સ કોલ ટ્રેક કોઈ સામાન્ય ટ્રેક નથી. ભારતના અઘરા ગણાતા આ ટ્રેકમાં હિમશિલાઓ અને બરફાચ્છાદિત પહાડો પર ચાલવાનું હોય છે. સુપર સિક્સ ગ્રુપના મેમ્બર સુકેતુ પારેખ જણાવે છે, ‘ભારતમાં કાલિન્દી તાલ પછી સેકન્ડ ટફેસ્ટ ટ્રેક ઑડેન્સ કોલ છે. હું એવરેસ્ટ બેઝ કૅમ્પ જઈ આવ્યો છું, પણ આ ટ્રેક અઘરો અને વધુ જોખમી લાગ્યો. ગંગોત્રી અને ભિલંગના ખીણને જોડતો આ પર્વતીય માર્ગ સમુદ્રની સપાટીથી ૧૮,૦૧૦ ફુટની ઊંચાઈએ આવેલો છે. ગંગોત્રી ૧૦,૨૪૦ ફુટ છે. ૮ જૂને ગંગોત્રીથી ટ્રેક શરૂ કર્યો હતો. ઑડેન્સ કોલ નૉન-ટેક્નિકલ ટ્રેક છે. ઊંચાઈનું કોઈ માપદંડ નથી. સતત હવામાન પરિવર્તન, હિમશિલા અને સ્નોફૉલના કારણે રૂટ બદલાઈ જાય. માર્ગ ફિક્સ નથી આથી પાંચ મીટરના પચાસ મીટર થઈ જાય. જોકે ૮૦૦૦ ફુટ ચડવાનું તો ખરું જ. આ ટ્રેક અત્યંત પડકારજનક છે. ગંગોત્રીથી સમિટ સુધી પહોંચવામાં અને રિટર્ન થવામાં દસથી ૧૨ દિવસ લાગી શકે છે. ગંગોત્રીથી રુદુગૈરા પર્વત ચડવાનું શરૂ કર્યું. ગંગોત્રીનાં જંગલોમાંથી પસાર થઈને આગળ વધવાનું હોય છે. ટ્રેક ખૂલે ત્યારે રુદુગૈરાનાં ઘાસનાં મેદાનો દેખાય છે. જેમ-જેમ આગળ વધો એમ જંગલો વિલીન થઈ જાય અને બરફના પર્વતો દેખાવા લાગે. પહેલા દિવસે અમે લગભગ ૨૦૦૦ ફુટ ચડ્યા હતા. રાત પડે એટલે ટેન્ટમાં સૂઈ જવાનું. દરરોજ અલગ-અલગ વર્ટિકલમાં ચડવાનું હતું. લેફ્ટ-રાઇટ લેફ્ટ-રાઇટ કરતાં આગળ વધવામાં મોશન સિકનેસ થાય, આથી આરામ કરવો પડે. એક કિલોમીટર જેટલું ચાલતાં ત્રણ કલાક લાગી જાય. બીજા દિવસે પણ લગભગ એટલું જ અંતર પાર કરી રુદુગૈરા બેઝ કૅમ્પ પહોંચ્યા. દિવસે ત્રણથી ચાર ડિગ્રી તાપમાન હોય. ચાલતી વખતે ગરમી થાય અને ઊભા રહો તો ઠંડીના લીધે શરીર ધ્રૂજે એટલી જોરથી હવા ચાલતી હોય. ત્રીજા દિવસે સૂખાતાલ પહોંચ્યા ત્યાં સુધી હવામાન એકદમ ખરાબ થઈ ગયું.’
આગળની સફર વિશે વાત કરતાં સુકેતુભાઈ કહે છે, ‘સૂખાતાલ એ ઑડેન્સ કોલ સમિટ પહેલાંનો છેલ્લો બેઝ કૅમ્પ છે. સૂખાતાલ નામ પ્રમાણે ચોમાસા બાદ સુકાઈ ગયેલો ખડક છે. આગળની સફર પહેલાં હવામાન અને વાતાવરણને અનુકૂળ થવા રોકાવું પડે. આજુબાજુના નાના ટ્રેક કર્યા. અમારો વિચાર રાતના સમિટ સર કરવાનો હતો, પરંતુ સાંજના સૂખાતાલ પર ટેન્ટ નાખ્યો અને હવામાન ખરાબ થઈ ગયું. બરફમાં ખૂંપી જાઓ એવો હેવી સ્નોફૉલ શરૂ થતાં ત્યાં જ ફસાઈ ગયા. દરરોજ ચાર ફુટ જેટલો બરફ પડે. પગ મૂકો તો કમર સુધી ખૂંપી જાઓ. હિમશિલાઓ ખૂબ જોખમી કહેવાય. બરફનું થર કેટલું પાતળું છે એ ખબર ન પડે. પગ મૂકો અને પચાસ ફુટ નીચે ચાલ્યા જાઓ એવું પણ બની શકે. નાના પથ્થર નીચે પણ પાણી હોય. પગ મૂકો એવા ખસકતા જાઓ. સૂખાતાલમાં ત્રીજો દિવસ થઈ ગયો છતાં આગળ વધી શકાય એવાં એંધાણ દેખાતાં નહોતાં. ટેન્ટ ઊડી જાય એવો પવન ફૂંકાતો હતો. આજુબાજુમાં પથ્થરો પડતા હોય એવો જોરદાર અવાજ આવે. ઑક્સિજન લેવલ ઘટી ગયું. રસ્તામાં ઊંડી ખીણો આવતી હતી. પરિસ્થિતિ જોતાં અમારા ટ્રેકલીડરે આગળ વધવાની ના પાડી. ઑડેન બેઝ કૅમ્પથી અમે લગભગ ૬૦૦ મીટર દૂર હતા અને પરત ફરવું પડ્યું. નીચે ઊતરવામાં પણ ઘણું જોખમ હતું. આ પર્વત પર દૂર-દૂર સુધી તમને કોઈ દેખાય નહીં. સૅટેલાઇટ ફોન પણ કામ કરતા બંધ થઈ ગયા હતા. જીવનું જોખમ લેવા કરતાં પરત ફરવાનું સલાહભર્યું લાગ્યું. અમારી ગણતરી પ્રમાણે કુલ ૧૨ દિવસ લાગવાના હતા, પરંતુ આઠમા દિવસે અમે પરત ગંગોત્રી આવી ગયા. એ પછી કેદારનાથ જવાનું માંડી વાળ્યું અને ૧૬ જૂને મુંબઈ આવી ગયા. પ્રાપ્ત જાણકારી અનુસાર અત્યાર સુધી ૬૦૦ જેટલા પર્વતારોહકે જ ઑડેન્સ કોલ ક્રૉસ કર્યો છે. અહીં સુધી પહોંચ્યા એ પણ મોટી વાત હતી. સાહસ ખેડવાની આ તો શરૂઆત છે, પિક્ચર હજી બાકી છે. આગળ ઘણા ટ્રેક કરીશું.’
જોખમી ટ્રેક કેમ?
અમે ૬ મિત્રો હંમેશાં કંઈક નવું અને પડકારજનક કરીએ છીએ એમ જણાવતાં સુપર સિક્સ ગ્રુપના અન્ય મેમ્બર દેવાંગ પલણ કહે છે, ‘બધાની ઉંમર પચાસની ઉપર છે, પણ ફિટનેસ પ્રત્યે સજાગ હોવાના લીધે માઇન્ડસેટ પચીસ વર્ષના યુવાન જેવું છે. અમારા મિત્ર સંજય મોદીનો સપ્ટેમ્બરમાં ૬૦મો જન્મદિવસ આવે છે. એ પહેલાં કંઈક નવું સાહસ ખેડવું હતું. આ ટ્રેક પસંદ કરવાનું કારણ ૫૦ પછી પોતાની જાતને મેન્ટલ અને ફિઝિકલ ચૅલેન્જ કરવી હતી. ઑડેન્સ કોલ ટ્રેક એટલે સાહસ અને રોમાંચનું સંપૂર્ણ પૅકેજ. બરફાચ્છાદિત પર્વતો, હિમનદીઓ, કપરા માર્ગો વચ્ચે જીવનનો યાદગાર અનુભવ લેવો હતો. ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળી પ્રકૃતિની નજીક જવું હતું. ટ્રેક દરમ્યાન નેટવર્ક કનેક્ટિવિટી ઝીરો હતી. ૮ દિવસ દુનિયાથી ડિસકનેક્ટ થવાની મજા આવી. જ્યાં સુધી નજર નાખો બરફ જ બરફ દેખાય. જોકે આવું સાહસ ખેડતાં પહેલાં બે મહિના તૈયારી કરી હતી. વીકએન્ડમાં ૧૦ કિલો વજન ઉપાડીને નૅશનલ પાર્કમાં પાંચથી ૬ વખત ગાંધી ટેકરી ચડ-ઊતર કરતા. વર્કિંગ ડેમાં બધા પોતપોતાની રીતે પ્રૅક્ટિસ કરતા. બૅડ્મિન્ટન રમવું, સાઇક્લિંગ, રનિંગ, સ્ટ્રેચિંગ, સાત-આઠ માળ સુધી દિવસમાં ત્રણેક વાર પગથિયાં ચડ-ઊતર કરવા સહિતની જુદી-જુદી ફિટનેસ-ઍક્ટિવિટી કરતા. તમામ મેમ્બરો મૅરથૉન રનર હોવાથી સ્ટૅમિના સારો છે. ફિટનેસ અમારો ગોલ નથી, રૂટીન છે. જોકે ખાસ્સી તૈયારી છતાં ટ્રેકમાં કસોટી થઈ. ત્યાં પહોંચ્યા પછી તમામ તૈયારી કાચી પડે, ભલભલાના શ્વાસ થંભી જાય. હવામાન સામે આપણું કંઈ ન ચાલે. ટ્રેક દરમ્યાન કુદરતના સાંનિધ્યમાં સમય વિતાવ્યો, પહાડોનો અદ્ભુત નઝારો જોયો એ જીવનભરનું સંભારણું બની ગયું છે. બધાની ચાલવાની સ્પીડ અલગ હતી. શ્વાસ લેવાની પદ્ધતિ અને નિયંત્રણની ક્ષમતા જુદી હતી છતાં સાહસ કર્યું અને મિત્રના જન્મદિવસને યાદગાર બનાવ્યો. અનુભવ ટફ હતો, પણ કંઈક જુદું કરવાની મજા આવી. માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં રીંગણાનો ઓળો ખાધો. અમારી સફરનો સૌથી બેસ્ટ પાર્ટ હતો કોઈને ઈજા નથી થઈ કે કોઈને થાક નહોતો લાગ્યો. આ ટ્રેકે અમને શીખવ્યું કે મિત્રોનો સંગાથ હોય તો કોઈ રસ્તો મુશ્કેલ નથી.’
મૅરથૉનથી ટ્રેકિંગ
ઑડેન્સ કોલ ટ્રેક કરી આવેલા સુકેતુ પારેખ, પ્રશાંત શેઠ, ભવ્યાંગ ઓઝા, અરુણ કેજરીવાલ અને દેવાંગ પલણ કાંદિવલીમાં તેમ જ સંજય મોદી મલાડમાં રહે છે. મુંબઈ મૅરેથૉન દરમ્યાન તેમની મુલાકાત થઈ જે આગળ જતાં પારિવારિક મિત્રતામાં પરિણમી. તેઓ સાથે હરવાફરવાના કાર્યક્રમ બનાવે છે. ભૂતકાળમાં બધાએ સાથે અને અન્ય ગ્રુપ સાથે ડિફિકલ્ટ ટ્રેક્સ કર્યા છે. મૅરથૉનથી ટ્રેકિંગ સુધી અનેક ઍક્ટિવિટી કરી ચૂકેલા સુપર સિક્સ ગ્રુપના મેમ્બરો મહારાષ્ટ્રમાં મૉન્સૂનમાં ઘણા બધા વન-ડે ટ્રેકિંગ પ્લાન કરે છે.
પ્લેટલેટ ડોનર
ટ્રેકિંગ માટે ગયેલા તમામ મેમ્બરો મૅરથૉન રનર છે. છમાંથી ચાર મેમ્બર, પ્રશાંતભાઈ, સંજયભાઈ, અરુણભાઈ અને દેવાંગભાઈ પ્લેટલેટ ડોનર પણ છે. સંજયભાઈએ ૧૦૦થી વધુ વખત પ્લેટલેટ્સનું દાન કર્યું છે. પ્લેટલેટ્સ દાન કરવાથી નબળાઈ લાગે છે એ માન્યતાને તેમણે ખોટી પાડી બતાવી. મેમ્બરોએ સાબિત કર્યું કે જીવન બચાવી શકે એ શિખરો પણ સર કરી શકે છે.
મેમ્બરોનો ટ્રેકિંગ અનુભવ
ઇન્સ્ટિટ્યુશનલ કૅશ ઇક્વિટી માર્કેટ સાથે જોડાયેલા ૫૭ વર્ષના સુકેતુ પારેખે એવરેસ્ટ બેઝ કૅમ્પ, હર કી દૂન, કેદારનાથ, ચોહરનાગ (કાશ્મીર), લે મૉર્ન (મોરિશ્યસ), બૅઅર માઉન્ટન (અમેરિકા) અને સહ્યાદ્રિ રેન્જના ટ્રેક્સ કર્યા છે.
૫૯ વર્ષના બિલ્ડર સંજય મોદી નેચર-લવર છે. તેમણે મનાલી, કેદારનાથ અને મહારાષ્ટ્રના ટ્રેક્સ ઉપરાંત અનેક વાર નાશિકથી શિર્ડી સુધી ચાલીને યાત્રા કરી છે.
વ્યવસાયે ઍડ્વોકેટ ૫૩ વર્ષના અરુણ કેજરીવાલે અમરનાથ, કૈલાસ-માનસરોવર, કેદારનાથ, ગિરનાર, ગોરખગઢ (મહારાષ્ટ્ર) અને ભુતાનમાં ટાઇગર નેસ્ટ ટ્રેક્સ કર્યા છે.
૫૩ વર્ષના હીરાના વેપારી દેવાંગ પલણને ગોઇચેલા ટ્રેક (સિક્કિમ), કેદારનાથ, પીન ભાબા પાસ (હિમાચલ પ્રદેશ) તેમ જ સહ્યાદ્રિ રેન્જના ટ્રેક્સનો અનુભવ છે.
૫૩ વર્ષના ચીફ ઇન્વેસ્ટમેન્ટ અધિકારી ભવ્યાંગ ઓઝાએ દાર્જીલિંગમાં શિંગાલીલા તેમ જ મહારાષ્ટ્રના ટ્રેક્સ કર્યા છે.
૫૩ વર્ષના પ્રશાંત શેઠને ગોમુખ, કિલિમાંજારો, ટ્રોલટુંગા (નૉર્વે), પાંચ વખત કેદારનાથ, ખીરગંગા (હિમાચલ પ્રદેશ) ટ્રેક્સનો અનુભવ છે.
