સોશ્યલ મીડિયા પર સતત રીલ્સ સ્ક્રૉલ કરવાની આદત, વિડિયોને સ્પીડમાં ફાસ્ટ ફૉર્વર્ડ કરીને જોવાની આદત આપણને અધીરા અને વિચલિત બનાવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
હજી થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામે એક નવું ફીચર બહાર પાડેલું. એમાં તમે રીલને પણ ફાસ્ટ ફૉર્વર્ડ કરીને જોઈ શકો. આ ફીચર લૉન્ચ થયું એ પછીથી અનેક યુઝર્સને રીલ્સ ફાસ્ટ ફૉર્વર્ડ કરીને જોવાની આદત થઈ છે. બે મિનિટની રીલ હોય એને ફાસ્ટ ફૉર્વર્ડ કરીને એક મિનિટમાં જોઈ નાખે. જોકે તેમની આ આદત તેમના મગજને કઈ રીતે પ્રભાવિત કરી રહી છે એનો તેમને અંદાજ નથી.
શૉર્ટ ફૉર્મ વિડિયો જેમ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટૉક અગાઉથી જ શૉર્ટ હોય છે. ઉપરથી એને સ્પીડમાં જોવાથી મગજને સતત ઉચ્ચ ગતિની ઉત્તેજનાની આદત પડી જાય છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. ઝડપી ગતિથી વિડિયો જોવાથી મગજને તરત પરિણામ પ્રાપ્ત કરવાની આદત પડી જાય છે, જેનાથી સહનશીલતા ઘટી શકે છે અને વ્યક્તિને લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવું પડે એવું કામ કરવામાં મુશ્કેલી આવે છે.
ADVERTISEMENT
સ્પીડમાં વિડિયો જોવાથી વર્કિંગ મેમરી પ્રભાવિત થઈ શકે છે, જેનાથી જાણકારીને યાદ રાખવાની અને ઉપયોગ કરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. એવી જ રીતે ઝડપથી વિડિયો જોવાને કારણે મગજને ઓછા સમયમાં વધુ જાણકારી પ્રોસેસ કરવી પડે છે, જેનાથી સ્ટ્રેસ વધી જાય છે અને માનસિક થાક લાગી શકે છે એટલું જ નહીં, સ્પીડમાં વિડિયો જોવાથી કંટાળો અને અસંતોષની લાગણી વધી શકે છે કારણ કે મગજને સતત નવી ઉત્તેજનાની આવશ્યકતાનો અનુભવ થાય છે.
દરેક વસ્તુ જલદી જોવાની આદત લાગી જવાથી ઇમોશનલ પ્રોસેસિંગની કૅપેસિટી ખતમ થઈ જાય છે. વ્યક્તિ વાસ્તવિક જીવનમાં પણ બધું ઝડપથી સમજવા અને જલદીથી રિસપૉન્ડ કરવા લાગે છે, જ્યાં ખરેખર ઇમોશન્સને સમજવાની જરૂર હોય છે. વધુ સ્પીડની આદતને કારણે વ્યક્તિને નૉર્મલ સ્પીડ પર વસ્તુઓ બોરિંગ લાગવા લાગે. ઇમોશનલ મોમેન્ટ પણ સ્લો અને અનનેસેસરી લાગવા લાગે છે. આ બધી વસ્તુ વ્યક્તિને અસંવેદનશીલ બનાવી દે છે.
શું કરી શકાય?
શૉર્ટ ફૉર્મ વિડિયો જોવાના સમયને સીમિત કરો અને સ્ક્રીન-ટાઇમ ટ્રૅકિંગ ઍપ્સનો ઉપયોગ કરો.
કુકિંગ, ડ્રૉઇંગ, મેડિટેશન જેવી ઍક્ટિવિટી કરો; જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે.
અઠવાડિયામાં એક દિવસ સ્ક્રીન-ટાઇમમાંથી બ્રેક લઈ લો જેથી મગજને આરામ મળે.
લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે ઑડિયો-બુક્સ અને પૉડકાસ્ટ સાંભળવાં ફાયદાકારક થઈ શકે છે.

