જોકે ટીમને વિજય ન અપાવી શક્યો, વેસ્ટ ઇન્ડીઝનો આૅસ્ટ્રેલિયા સામે ૮ વિકેટથી પરાજય
મૅચની શરૂઆતમાં રસેલને બન્ને ટીમે ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે અગાઉ જાહેરાત કર્યા પ્રમાણે મંગળવારે ઑસ્ટ્રેલિયા સામેની બીજી T20 બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. સબિના પાર્કના તેના હોમ ગ્રાઉન્ડમાં આક્રમણ બૅટિંગ માટે જાણીતા રસેલે તેની છેલ્લી ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં ચાહકોને જરાય નિરાશ નહોતા કર્યા અને બે ફોર અને ચાર સિક્સની રમઝટ સાથે ૧૫ બૉલમાં ૩૬ રન ફટકારીને તેનો પાવર બતાવ્યો હતો. રસેલ અને ઓપનર બ્રૅન્ડન કિંગ (૩૬ બૉલમાં ૫૧ રન)ની ઇનિંગ્સને લીધે વેસ્ટ ઇન્ડીઝ પાંચ વિકેટે ૯૮ રનની કપરી સ્થિતિમાંથી ૨૦ ઓવરના અંતે ૮ વિકેટે ૧૭૨ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. જોકે ઑસ્ટ્રેલિયાએ જોશ ઇંગ્લિસ (૩૩ બૉલમાં અણનમ ૭૮) અને કૅમરન ગ્રીન (૩૨ બૉલમાં અણનમ ૫૬ રન)ની શાનદાર હાફ-સેન્ચુરીને જોરે ૧૫.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ લઈ લીધી હતી. રસેલે તેની આ છેલ્લી મૅચમાં એક ઓવર પણ ફેંકી હતી જેમાં ૧૬ રન આપ્યા હતા, પણ કોઈ વિકેટ નહોતો લઈ શક્યો.

ADVERTISEMENT
જમૈકાના કલ્ચર, જેન્ડર, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ મિનિસ્ટરે રસેલને ગિટારના તારવાળું બૅટના રૂપમાં સ્પેશ્યલ મોમેન્ટ આપીને તેના યોગદાનને બિરદાવ્યું હતું.
રસેલની ઇન્ટરનૅશનલ કરીઅર પર એક નજર
આન્દ્રે રસેલે ગઈ કાલની આક્રમક ઇનિંગ્સ સાથે T20 ઇન્ટરનૅશનલમાં ૮૬ મૅચમાં ૭૫ ઇનિંગ્સમાં બાવીસની ઍવરેજ સાથે ૧૧૨૨ રન બનાવ્યા છે જેમાં ત્રણ હાફ-સેન્ચુરીનો સમાવેશ છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૭૧ રનનો છે. ઉપરાંત ૩૧.૪૫ની ઍવરેજ સાથે ૬૧ વિકેટ પણ લીધી છે. વન-ડેમાં તેણે ૫૬ મૅચમાં ૨૭.૨૧ની ઍવરેજ અને ચાર હાફ-સેન્ચુરી સાથે ૧૦૩૪ રન બનાવ્યા છે અને ૩૧.૮૪ની ઍવરેજ સાથે ૭૦ વિકેટ પણ લીધી છે. ૩૭ વર્ષના રસેલે મૅચ બાદ કરીઅર દરમ્યાન અનહદ પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.


