વ્યસ્ત જીવનશૈલી વચ્ચે વારંવાર સૅલોંમાં જવાનો સમય મળતો ન હોય અને કેમિકલવાળા બ્લીચથી ચહેરાને ડૅમેજ થતું બચાવવું હોય તો હોમમેડ નુસખા હાજર છે
પ્રતીકાત્મક તસવીર
ચહેરો ગ્લોઇંગ બને, સ્કિન પરથી ટૅનિંગ દૂર થાય, ઈવન સ્કિન-ટોન મળે, ચહેરા પરના ડાઘ ઓછા થાય તેમ જ ત્વચાને એક ફ્રેશ લુક મળે એ માટે લોકો સૅલોંમાં જઈને બ્લીચ કરાવતા હોય છે. જોકે એ માટે વારંવાર સૅલોંમાં જવું પડે. એ માટે અલગથી સમય કાઢવો પડે, પૈસા પણ ખર્ચવા પડે અને ઉપરથી બ્લીચ-ટ્રીટમેન્ટમાં વપરાતા કેમિકલને કારણે સ્કિનને નુકસાન પણ પહોંચી શકે. એટલે જો તમારે બ્લીચ જેવી ઇફેક્ટ ઘરે જ જોઈતી હોય તો કિચનની જ કેટલીક સામગ્રીનો ઉપયોગ કરી શકો છો.
આ રહી નૅચરલ બ્લીચ બનાવવાની કેટલીક રીત…
ADVERTISEMENT
ભારતીય સ્કિન-કૅરમાં જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એ બેસન ત્વચાને ક્લીન કરવાનું અને બ્રાઇટ બનાવવાનું કામ કરે છે. એક વાટકીમાં થોડું પાણી અથવા તો દૂધ લઈને એમાં થોડું બેસન મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. એ પેસ્ટને ચહેરા પર લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દો. એ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ડેડ સ્કિન સેલ્સને હટાવવામાં અને ડલ સ્કિનને બ્રાઇટ કરવામાં મદદ મળે છે.
હળદર પણ એવી જ એક સામગ્રી છે જેનો ઉપયોગ આપણે ત્વચાને નિખારવા માટે વર્ષોથી કરતા આવ્યા છીએ. ફેસપૅક બનાવવા માટે હળદરના પાઉડરને પાણી, મધ અને થોડું દૂધ લઈને એમાં મિક્સ કરો. આ પેસ્ટને થોડી મિનિટો માટે ચહેરા પર લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ નાખો. ત્વચા પર હળદરને વધુ સમય સુધી રાખીને છોડી દેવી નહીં નહીંતર ત્વચા પર હળદરના પીળા ડાઘ પડી શકે છે.
લીંબુના રસમાં વિટામિન C અને સાઇટ્રિક ઍસિડ સારા પ્રમાણમાં હોય છે જે નૅચરલ સ્કિન-લાઇટનર તરીકે કામ કરે છે. એક વાટકીમાં લીંબુને નિચોવીને એનો રસ કાઢી લો. એક્સ્ટ્રા સૉફ્ટનેસ માટે તમે લીંબુના રસમાં ગુલાબનું પાણી પણ મિક્સ કરી શકો. કૉટનની મદદથી એને ચહેરા પર અપ્લાય કરી દો. ૧૫ મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. લીંબુનો રસ અપ્લાય કરતી વખતે એ આંખની અંદર ન જાય એનું ધ્યાન રાખો એટલું જ નહીં, ચહેરો ધોયા બાદ ત્વચા પર સનસ્ક્રીન લગાવો કારણ કે લીંબુનો રસ લગાવ્યા પછી ત્વચાની પ્રકાશ સંવેદનશીલતા વધી જાય છે.
અલોવેરા જેલ એના કૂલિંગ અને સ્કિન રીજનરેટિંગ ગુણો માટે વખણાય છે. તમે અલોવેરા જેલને સીધું ચહેરા પર લગાવી શકો છો. ખાસ કરીને તમને ચહેરા પર જ્યાં ડાઘ હોય ત્યાં રેગ્યુલર જેલ લગાવો. એનાથી ચહેરા પરના ડાઘ દૂર થશે, સ્કિન-ટોન સુધરશે અને તમારા ચહેરાને એક ફ્રેશ ગ્લો મળશે.
તમે બે ટેબલસ્પૂન ઓટમીલ પાઉડર અને એક ટેબલસ્પૂન દહીંને મિક્સ કરી જેન્ટલ એક્સફોલિએટર બનાવી શકો છો જે ડેડ સ્કિનને હટાવીને ત્વચાને ચમકદાર બનાવે છે. આ બ્લેન્ડ તમારે ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાનું છે અને પછી ચહેરો ધોઈ નાખવાનો છે.
બટાટો, કાકડી અને ટમેટું આ ત્રણેયના રસને મિક્સ કરીને ચહેરા પર લગાવો તો પણ ચહેરો નિખરી જાય છે. બટાટો ડાઘ હળવા કરવામાં, કાકડી ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને ટમેટું પોર્સને ટાઇટ કરવામાં મદદ કરે છે.


