ભારત અને UKએ ફાઇનલી ટ્રેડ-ડીલ પર સહીસિક્કા કર્યા : આપણી ૯૯ ટકા પ્રોડક્ટ્સને ડ્યુટી-ફ્રી એન્ટ્રી, સામે આપણે સરેરાશ ટૅરિફ-રેટ ૧૫ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કર્યો
ઇંગ્લૅન્ડમાં ફ્રી-ટ્રેડ ઍગ્રીમેન્ટ સંપન્ન કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રાઇમ મિનિસ્ટર કીર સ્ટાર્મરે હાથ મિલાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ઍગ્રીમેન્ટની સહી કરેલી કૉપી લઈને ઊભેલા ભારતના કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને બ્રિટનના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનૉલ્ડ્સ.
ઘણા સમયથી ભારત અને UK વચ્ચે જે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટની રાહ જોવાઈ રહી હતી એ ગઈ કાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇંગ્લૅન્ડના વડા પ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં થયું હતું. આ ઍગ્રીમેન્ટથી બન્ને દેશની ચીજવસ્તુઓ માટે બન્ને દેશની માર્કેટ બહોળી અને મોકળી થશે.
આ ટ્રેડ ડીલમાં બન્ને દેશો વચ્ચે થતા વેપારમાં ૨૦૩૦ સુધીમાં ૧૨૦ બિલ્યન ડૉલરની વૃદ્ધિ કરવાનું લક્ષ્ય રખાયું છે. જાન્યુઆરી ૨૦૨૨માં શરૂ થયેલી વાટાઘાટ છેક જુલાઈ ૨૦૨૫માં ફળ લાવી અને આ ટ્રેડ-ડીલ ફાઇનલ થઈ છે. આ સાડાત્રણ વર્ષ દરમ્યાન બ્રિટનના ચાર વડા પ્રધાન બદલાઈ ગયા હતા. બૉરિસ જૉનસન, લિઝ ટ્રસ, રિશી સુનક આ વાટાઘાટ દરમ્યાન વારાફરતી વડા પ્રધાનના પદ પર આવી ગયા હતા. ગયા વર્ષની ચૂંટણીમાં વિજય પછી કીર સ્ટાર્મર બ્રિટનના વડા પ્રધાન બન્યા અને અત્યારે તેમના જ વડપણમાં ભારત-બ્રિટન ટ્રેડ-ડીલ ડન થઈ છે.
ADVERTISEMENT
ભારત દ્વારા ઇંગ્લૅન્ડમાં નિકાસ કરવામાં આવતી ૯૯ ટકા પ્રોડક્ટ્સને હવે ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જ્યારે ઇંગ્લૅન્ડની ચીજવસ્તુઓ પર ભારતનો સરેરાશ ટૅરિફ-રેટ ૧૫ ટકાથી ઘટીને ૩ ટકા થઈ જશે.
આ ટ્રેડ-ડીલને લીધે ટેક્સટાઇલ્સ, લેધર, ફુટવેઅર, રમતગમતની ચીજવસ્તુઓ અને રમકડાં, મરીન પ્રોડક્ટ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, ઑટોના પાર્ટ્સ, એન્જિન અને ઑર્ગેનિક કેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં વૃદ્ધિ થશે.

નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર કીર સ્ટાર્મર સાથે એક ઇવેન્ટમાં ચાની ચૂસકી લેતાં-લેતાં ચર્ચા કરી હતી.
જૅગ્વાર, રોલ્સ-રૉય્સ અને લૅન્ડ રોવર થશે સસ્તી
બ્રિટનથી આયાત કરવામાં આવતી ગાડીઓ પર અત્યારે ૧૦૦ ટકા ડ્યુટી લાગે છે એ હવે ઘટીને માત્ર ૧૦ ટકા થઈ જશે. જોકે આ છૂટના લાભ સાથે ક્વોટાની મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે કે તબક્કાવાર રીતે દર વર્ષે ડ્યુટી પર આ છૂટ માટે પાત્ર ગાડીઓની સંખ્યા નક્કી કરવામાં આવી હશે.

ભારત અને ઇંગ્લૅન્ડના વડા પ્રધાને ગઈ કાલે સાથે એક ક્રિકેટ હબનાં બાળકોની મુલાકાત પણ લીધી, જ્યાં નરેન્દ્ર મોદીએ વિશ્વવિજેતા ભારતીય ટીમના ક્રિકેટરોએ સહી કરેલું બૅટ ત્યાંનાં બાળ-ક્રિકેટરોને ભેટ આપ્યું હતું. બાળકોએ બન્નેના વડા પ્રધાનને તેમનાં નામવાળાં ટી-શર્ટ ભેટ આપ્યાં હતાં.
જિન અને સ્કૉચ વ્હિસ્કી થશે સસ્તી
બ્રિટનથી આવતી વ્હિસ્કી અને જિન પર અત્યારે ૧૫૦ ટકા ટૅરિફ લાગે છે એ ઘટીને હવે ૭૫ ટકા એટલે કે અડધી થઈ જશે. એટલું જ નહીં, આવનારાં ૧૦ વર્ષમાં આ ટૅરિફ તબક્કાવાર રીતે ઘટાડવામાં આવશે અને ૪૦ ટકાના દર સુધી લઈ જવામાં આવશે.
વિદેશીઓ હવે ‘દેશી’ પીશે
ભારતનાં સૉફ્ટ ડ્રિન્ક્સ અને પીણાં માટે બ્રિટને દ્વાર ખોલી દીધાં છે. ગોવાની પ્રચલિત ફેની, નાશિકનો વાઇન અને કેરલાની ટોડ્ડી બ્રિટનનાં શરાબઘરોમાં શેલ્ફ પર જોવા મળશે. એટલું જ નહીં, ફ્રી ટ્રેડ-ડીલમાં આ પીણાંઓને મળેલા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગની જાળવણીની પણ ખાતરી અપાઈ છે.
ભારતની કઈ ચીજવસ્તુઓ બ્રિટનમાં વેચવા હવે ઝીરો ડ્યુટી?
ભારતનાં અનેક ક્ષેત્રોની ચીજવસ્તુઓ UK નિકાસ કરવા માટે ૮થી ૨૦ ટકા જેટલી ડ્યુટી ચૂકવવી પડતી હતી, પણ આવી અનેક પ્રોડક્ટ્સ હવે ઝીરો ડ્યુટી કૅટેગરીમાં આવી જતાં ભારતની નિકાસને વેગ મળશે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી, કપડાં-વસ્ત્રો, પ્રોસેસ્ડ ફૂડ, કેરીનો છૂંદો, અથાણાં, કઠોળ, ફળ, મરી-મસાલા, શાકભાજી, તેલ, લેધર-ફુટવેઅર, ઇલેક્ટ્રૉનિક મશીનરી, ગ્લાસ-સિરૅમિક પ્રોડક્ટ્સ, ફર્નિચર, વુડ-પેપર, મિનરલ્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક-રબર, ઘડિયાળો, રમતગમતનાં સાધનો તથા મરીન પ્રોડક્ટ્સ સહિત અનેક ક્ષેત્રોની ચીજવસ્તુઓને ભારત-UK ટ્રેડ-ડીલના પરિણામે ઝીરો ડ્યુટીનો લાભ મળવાનો છે.
EU છોડ્યા પછી બ્રિટને કરેલી સૌથી મોટી ડીલ - કીર સ્ટાર્મર
બન્ને દેશ માટે ઐતિહાસિક દિવસ - નરેન્દ્ર મોદી
ખેડૂતોને કયા લાભ મળશે?
ભારત-UK વચ્ચેની આ ટ્રેડ-ડીલ ભારતીય ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે એવું નિષ્ણાતો કહી રહ્યા છે, કારણ કે ભારતે ખેતી કે ડેરી-પ્રોડ્ક્ટ્સ સહિતની ચીજવસ્તુઓ પર ઇંગ્લૅન્ડને ડ્યુટીમાં ખાસ રાહત નથી આપી. બીજી તરફ ભારતીય ખેડૂતોને શાકભાજી, બાસમતી ચોખા, અનાજ, ઍનિમલ પ્રોડક્ટ્સ, તેલીબિયાં સહિતનાં ઉત્પાદનો માટે બ્રિટનની હાઈ-વૅલ્યુ માર્કેટ મળી રહેશે. ભારતે ૨૦૩૦ સુધીમાં દેશના ઍગ્રી-એક્સપોર્ટને ૧૦૦ બિલ્યન ડૉલર પર પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે એ પ્રાપ્ત કરવા માટે આ ટ્રેડ ડીલ મહત્ત્વની છે. અત્યારે ભારતનો ઍગ્રી-એક્સપોર્ટ ૩૬.૬૩ બિલ્યન ડૉલર છે.


