વંશાનુગત રોગને આપણે રોકી શકીએ ખરા? આનો જવાબ દરેક વ્યક્તિએ જુદો હોઈ શકે છે, કારણ કે તમે આ રોગને નહીં આવવા દેવા માટે કેટલા પ્રતિબદ્ધ છો એના પર એ નિર્ભર કરે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ જિનેટિક રોગોની બોલબાલા છે. વારસાગત રીતે આવતા રોગો આજકાલ ઘણા વધારે જોવા મળે છે. કૅન્સર હોય કે ડાયાબિટીઝ, આ બધા જ રોગોમાં અમુક હદે જીન્સ કારણભૂત રહે છે. માતા કે પિતાને રોગ છે એટલે બાળકને એ રોગ થવાની શક્યતા કે રિસ્ક ઘણું વધારે હોય એ સહજ છે, પરંતુ મને એ રોગ આવવાનો જ છે એ વાત સ્વીકારીને બેસી જવું કેટલી હદે યોગ્ય છે? જીન્સને બદલવા આપણા હાથમાં નથી. પરંતુ જે આપણા હાથમાં છે એ આપણે કરવું જ જોઈએ.
અહીં જીન્સનું સાયન્સ સમજવું જરૂરી છે. તમને વારસામાં જે જીન્સ મળ્યા છે એ મુજબ તમારા પર અમુક રોગોનું રિસ્ક વધારે હોઈ શકે છે, પરંતુ એ જીન્સ તો જન્મથી જ તમારા શરીરમાં છે પછી ૩૦-૫૦ વર્ષે એ રોગ બનીને સામે કઈ રીતે આવે છે? કારણ કે એ જીન્સને કામ કરવા માટેનું અનુરૂપ વાતાવરણ આ સમયે એને મળ્યું હોવાથી એટલે ચોક્કસ ઉંમરે એ બહાર આવે છે. જેનો અર્થ એ થયો કે વ્યક્તિને વારસાગત કારણોસર રોગ થાય છે એ વાત સાચી, પરંતુ એને મળતું અનુરૂપ વાતાવરણ પણ એટલો જ ભાગ ભજવે છે. જીન્સને બદલવા આપણા હાથમાં નથી, પરંતુ એને અનુરૂપ વાતાવરણ ન આપવું આપણા હાથમાં હોઈ શકે છે. જેમ કે તમારા પરિવારજનોને ડાયાબિટીઝ કે હાર્ટ-ડિસીઝ હોય તો તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ રોગને ટ્રિગર કરનારાં પરિબળો જેમ કે ઓબેસિટી, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ કે બેઠાડુ જીવનથી દૂર રહેવું જોઈએ.
ADVERTISEMENT
વંશાનુગત તમને ખબર હોય કે તમને કોઈ તકલીફ આવી શકે એમ છે, પછી એ કોઈ પણ રોગ હોય તો આ બાબતે જાગૃતિ અનિવાર્ય છે કે તમે જાગૃત થઈ જાઓ કે તમારા પરિવારમાં આ રોગ છે તો તમારે એવું શું કરવું જેથી તમને આ રોગ આવે નહીં અથવા તો આવે તો મોડો આવે. વંશાનુગત રોગને આપણે રોકી શકીએ ખરા? આનો જવાબ દરેક વ્યક્તિએ જુદો હોઈ શકે છે, કારણ કે તમે આ રોગને નહીં આવવા દેવા માટે કેટલા પ્રતિબદ્ધ છો એના પર એ નિર્ભર કરે છે. એ ખૂબ જરૂરી છે કે તમે માનસિક રીતે વિચારો કે હું હેલ્ધી જ રહેવા માગું છું. એના માટે પૂરતા પ્રયત્નો પણ તમે કરો તો ચોક્કસ એવું બની શકે કે વારસાગત રોગનું રિસ્ક હોવા છતાં તમને રોગ ન થાય. જીન્સ ખૂબ જ પ્રબળ હોય તો રોગ થાય પરંતુ ખૂબ મોડો આવે એટલે કે મોટી ઉંમરે એ રોગ આવે. દરેક રોગથી બચવાના અમુક ઉપાયો તો હોય જ છે. તમે જાગૃત બનો અને એ ઉપાયોને ગંભીરતાથી અપનાવો એ જરૂરી છે.
