Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૫ વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરો અને ૩૦ વર્ષની ઉંમર સુધીમાં બે સંતાન કરો તો કુલ ૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન

૨૫ વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરો અને ૩૦ વર્ષની ઉંમર સુધીમાં બે સંતાન કરો તો કુલ ૧૦ લાખ રૂપિયાનું પ્રોત્સાહન

Published : 17 June, 2026 07:08 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘટતી જતી વસ્તી સામે કચ્છના પત્રી ગામના મહાજનની અનોખી યોજના

રવિવારે ફાઉન્ટન વૉટર પાર્કમાં પત્રી ગામવાસીઓ સમક્ષ ઘટતી વસ્તી વિશે ચિંતા વ્યક્ત કરીને સંસ્થાની અનોખી પ્રોત્સાહન યોજનાની સત્તાવાર જાહેરાત કરી રહેલા પત્રી મહાજન મુંબઈના ટ્રસ્ટી, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો.

રવિવારે ફાઉન્ટન વૉટર પાર્કમાં પત્રી ગામવાસીઓ સમક્ષ ઘટતી વસ્તી વિશે ચિંતા વ્યક્ત કરીને સંસ્થાની અનોખી પ્રોત્સાહન યોજનાની સત્તાવાર જાહેરાત કરી રહેલા પત્રી મહાજન મુંબઈના ટ્રસ્ટી, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો.


આધુનિક યુગમાં શિક્ષણ, કારકિર્દી અને વ્યાવસાયિક સફળતાને પ્રાધાન્ય મળતાં યુવાનોમાં લગ્નની ઉંમર સતત વધી રહી છે. લગ્ન મોડાં થવાને કારણે સંતાનપ્રાપ્તિ પણ મોડેથી થઈ રહી છે, જેના પરિણામે સમાજના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો આ પ્રવૃત્તિ લાંબા ગાળે યથાવત્ રહે તો સમાજની વસ્તી, સામાજિક માળખું અને આગામી પેઢીના વિકાસ પર એની સીધી અસર પડી શકે છે. આ ગંભીર અને સમયોચિત મુદ્દાને ધ્યાનમાં રાખીને કચ્છના પત્રી ગામના શ્રી પત્રી વીસા ઓસવાળ જૈન મહાજન સંચાલિત શ્રી પત્રી મુંબઈ મહાજને તેમના સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત એક ક્રાન્તિકારી અને દૂરંદેશી યોજના જાહેર કરી છે. સમાજના આગેવાનોના મતે આ યોજના માત્ર ઇનામ કે આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી; સમાજના ભવિષ્યને સુરક્ષિત બનાવવા, પરિવાર-પ્રણાલીને વધુ મજબૂત બનાવવા અને નવી પેઢીના નિર્માણ માટેનું એક સામાજિક અભિયાન છે.

વહેલાં લગ્ન માટે વિશેષ પ્રોત્સાહન
સમાજમાં વહેલાં લગ્ન અને સંતાનપ્રાપ્તિને પ્રોત્સાહન આપતી આ યોજના દાતાઓના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહી છે એમ જણાવતાં આ મહાજનના સેક્રેટરી હિતેષ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજનો યુવાવર્ગ તેના જીવનમાં કરીઅરને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યો છે જેને કારણે તેઓ પહેલાં એજયુકેશન પાછળ વર્ષો કાઢી નાખે છે અને ત્યાર પછી તેમના જૉબમાં વ્યસ્ત બની જાય છે. તેથી તેમનાં મૅરેજ મોડી ઉંમરે થાય છે અથવા તો તેમને મૅરેજનો રસ રહેતો નથી. એને કારણે સમાજમાં જન્મદર ઘટી રહ્યો છે, વસ્તી ઘટતી જાય છે. આથી અમે ઘણા સમયથી એક યોજના પર અભ્યાસ કરીને એને કેવી રીતે અમલમાં મૂકવી એના પર વિચારણા કરી રહ્યા હતા. આખરે તાજેતરમાં સમાજની એક પિકનિક દરમ્યાન અમારી યોજના સમાજ સમક્ષ મૂકીને એના અમલની શરૂઆત કરી હતી. જેવી આ યોજનાની જાહેરાત થઈ કે તરત જ દાતાઓએ પણ આ યોજનાને સફળતાપૂર્વક પાર કરવા માટે ખોબલે-ખોબલે દાનની રકમ આપી હતી. 



આ યોજનામાં શું છે? 
આ યોજનાનાં સંદર્ભમાં ટ્રસ્ટી બિપિન દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યોજના મુજબ જો પત્રી મહાજનનો કોઈ યુવાન પચીસ વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરે તો તેના પરિવારને ૨,૫૦,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ રકમ માતુશ્રી અમૃતબેન (કુંવરજીભાઈ) કે. કે. શાહ પરિવાર હસ્તે શ્રીમતી રસીલાબેન અશોકભાઈ કે. કે. શાહ દ્વારા આપવામાં આવશે. પ્રથમ સંતાન માટે પ્રોત્સાહન આપવા માટે અમે સમાજમાં જન્મદર વધે અને યુવા પરિવારોને સમયસર સંતાનપ્રાપ્તિ માટે પ્રેરણા મળે એ હેતુથી જો પિતાની ઉંમર ૨૭ વર્ષ સુધીમાં પ્રથમ સંતાનનો જન્મ થાય તો ૨,૫૦,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઇનામ માતુશ્રી ભાણબાઈ મગનલાલ નરશી ધરોડ (ભાવના રોડવેઝ) પરિવાર હસ્તે નીરુબેન પ્રવીણભાઈ તથા નીતાબેન મણિલાલ દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી પરિવાર-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સમાજમાં સંતુલિત જનસંખ્યાવૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે જો પિતાની ઉંમર ૩૦ વર્ષ સુધીમાં બીજા સંતાનનો જન્મ થાય તો ૫,૦૦,૦૦૦ રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઇનામ પણ માતુશ્રી અમૃતબેન (કુંવરજીભાઈ) કે. કે. શાહ પરિવાર હસ્તે શ્રીમતી રસીલાબેન અશોકભાઈ કે. કે. શાહ દ્વારા અર્પણ કરવામાં આવશે.


સમાજના ભવિષ્ય માટેનો સંકલ્પ
સમયસર લગ્ન – સુખી પરિવાર, સમયસર સંતાનપ્રાપ્તિ – ઉજ્જવળ ભવિષ્ય આ સૂત્રને વાસ્તવિકતા બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજના પત્રી સમાજ માટે એક નવા અધ્યાયની શરૂઆત સમાન બની રહી છે એમ જણાવીને મહાજનના પ્રમુખ પંકજ ધરોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે સમગ્ર દેશમાં ઘટતા જન્મદર અંગે ચર્ચા થઈ રહી છે. અનેક સમાજ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પત્રી સમાજે સમયસર જાગૃતિ દાખવીને સમાજના ભવિષ્ય માટે હકારાત્મક અને વ્યવહારુ પગલું ભર્યું છે. આ પહેલાં પણ અનેક મહાજન તરફથી જન્મદર સંબંધી ‌ચિંતા દર્શાવી યુવાનોને પ્રોત્સાહિત કરવાની આવી જ યોજના અમલમાં મૂકવામાં આવી છે, પણ અમે એમાં યુવાનોનાં સમયસર લગ્ન થાય એને પણ મહત્ત્વ આપીને યોજના બનાવી છે. આ પહેલ યુવાનોને લગ્ન અને પરિવાર-જીવન અંગે સકારાત્મક દૃષ્ટિકોણ આપશે, પરિવાર-સંસ્થાને મજબૂત બનાવશે અને સમાજમાં નવી પેઢીના વિકાસને ગતિ આપશે’ 

સમાજમાં આવકાર
યોજનાની જાહેરાત બાદ સમાજના વિવિધ વર્ગોમાંથી એને વ્યાપક આવકાર મળ્યો છે એમ જણાવીને હિતેષ સાવલાએ કહ્યું હતું કે ‘ઘણા વડીલો અને યુવા પરિવારોના મતે આ યોજના માત્ર આર્થિક પ્રોત્સાહન નથી પરંતુ સમાજના અસ્તિત્વ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની એક વિચારશીલ પહેલ છે. સમાજના વિકાસ માટે લેવામાં આવેલા આ દૂરંદેશી નિર્ણયને પત્રી સમાજના ઇતિહાસમાં એક માઇલસ્ટોન સમાન પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 07:08 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK