આ સવાલનો જવાબ તમારું શરીર વિવિધ લક્ષણો દ્વારા તમને આપતું જ હોય છે. શરીરમાં રહેલી પોષક તત્ત્વોની ઊણપને ઓળખવી મહત્ત્વની છે. આજે એ પણ જાણી લો કે શરીરમાં શું ખૂટતું હોય તો શું થાય?
પરિણીતિ ચોપડા
થોડા સમય પહેલાં ‘હસી તો ફસી’ ફિલ્મનો પરિણીતિ ચોપડાનો એક ડાયલૉગ સોશ્યલ મીડિયા પર ફેમસ થયેલો. એમાં પરિણીતિ કહે છે, ‘મુઝે સેન્સેશન્સ હોતે હૈં બૉડી મેં ઔર યે પિલ્સ ઉનકો કન્ટ્રોલ કરતી હૈં.’ કૈસે સેન્સેશન્સ? એવું હીરો પૂછે છે એટલે જવાબમાં પરિણીતિ કહે છે, સેન્સેશન્સ જૈસે કિ સરસરાહટ (ઝણઝણાટી), સનસનાહટ (સણકા), ગુદગુદાહટ (ગુદગુદી), ડગમગાહટ (અસ્થિરતા), ફરફરાહટ (ફફડાટ), થરથરાહટ (ધ્રુજારી), કંપકપાહટ (કંપારી), ઝટપટાહટ (અકળામણ).
યસ, આવાં સેન્સેશન્સ અને બીજાં પણ કેટલાંક લક્ષણો દેખાડીને આપણું શરીર સતત આપણી સાથે વાત કરતું હોય છે. શરીરમાં આવતાં બદલાવો અને વિવિધ લક્ષણો કોઈ વાર કોઈ બીમારીનું ઇન્ડિકેશન હોય અને મોટા ભાગે આપણા શરીરમાં ખાસ પોષક તત્ત્વોની ઊણપને પણ વ્યક્ત કરતાં હોઈ શકે. જેમ કે સ્નાયુઓમાં ક્રૅમ્પ્સ થવા, દાંત કચકચાવવા, વધુ પડતા વાળ ખરવા, મગજ બહેર મારી ગયું હોય એવું લાગવું, હાથ-પગની આંગળીઓમાં ઝણઝણાટી થવી જેવાં કેટલાંક લક્ષણો દર્શાવે છે કે બૉસ, તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો નથી મળી રહ્યાં, કંઈક ખૂટે છે. કઈ રીતે ઓળખવું કે શરીરમાં શું ખૂટે છે અને આપણા રૂટીનમાં કયા આહાર થકી એની પૂર્તિ કરવી? એ વિશે અગ્રણી જનરલ ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા કહે છે, ‘ન્યુટ્રિઅન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ શરીર સરળતાથી પોતાનું કામ કરી શકે એ માટે મહત્ત્વનાં છે. માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ એ પૂરી ન થાય તો શરીરની ઘણી પ્રવૃત્તિઓ એનાથી પ્રભાવિત થતી હોય છે અને લાંબા ગાળે વિવિધ લક્ષણો થકી શરીર પણ એની માગણી કરતું હોય છે. આ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ ક્યારેક મિડિયેટર તરીકે એટલે કે અન્ય પોષક તત્ત્વોના ઍબ્સૉર્પ્શનમાં તો ક્યારેક મુખ્ય તત્ત્વ તરીકે ઍક્ટ કરતાં હોય છે.’
ADVERTISEMENT

વિટામિન B
B1થી લઈને B12 સુધીનાં વિટામિન B મહત્ત્વનું માઇક્રોન્યુટ્રિઅન્ટ છે જે પાણીમાં ઓગળી જાય છે. કાં તો એ તમારા શરીરમાં વપરાય અને ન વપરાય તો યુરિન વાટે બહાર નીકળી જાય, શરીરમાં ગ્લુકોઝની જેમ સ્ટોર ન થાય. B વિટામિન્સ શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવાનું અને ન્યુરો-ટ્રાન્સમીટરને પ્રોટેક્ટિવ લેયર આપવાનું મુખ્ય કામ કરે છે. જોકે ખરાબ જીવનશૈલી અને અનિયમિત અને પૌષ્ટિક ન હોય એવો આહાર લેવાથી એની કમી ઉત્પન્ન થાય છે. થાક લાગે, બ્રેઇન ફૉગ થાય એટલે કે કામ કરતાં-કરતાં ભૂલી જાઓ કે શું કરતા હતા, યાદશક્તિને અસર થાય તથા ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, અનિદ્રા, મૂડ-સ્વિન્ગ્સ જેવી સમસ્યાઓ થાય. સ્નાયુઓમાં નબળાઈ, નમ્બનેસ, ઝણઝણાટી થાય. આંતરડાંમાં એની માત્રા ઓછી જવાથી પાચનમાં સમસ્યા આવે અને કબજિયાત થાય.
વિટામિન D
આપણા જીવનનું સનશાઇન વિટામિન છે અને સૂર્યપ્રકાશમાં સંપર્કમાં રહેવાથી નૅચરલી મળે છે, પરંતુ જો એ ન મળે અને એની માત્રા ઘટે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તમારાં હાડકાં નબળાં પડે, નકારાત્મકતા વધે, ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી વગેરે વધે, સ્કિન ડ્રાય થાય, કમરનો દુખાવો થાય. અહીં ઉલ્લેખનીય છે કે તમારા શરીરમાં કૅલ્શિયમના ઍબ્સૉર્પ્શનમાં વિટામિન D અને વિટામિન K2 મહત્ત્વનું કામ કરે છે. ધારો કે વિટામિન D અને K2નું પ્રમાણ ઓછું હોય અને તમે કૅલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેતા હો તો હાડકાંમાં જવાને બદલે એ તમારી હાર્ટની નળીઓમાં જમા થાય છે અને તમારી હૃદયની ધમનીઓને સાંકડી કરવાનું કામ કરી શકે છે. વિટામિન Dની કમી બૅકપેઇનને પણ આમંત્રણ આપે છે.
મૅગ્નેશિયમ
આજકાલ મૅગ્નેશિયમ ખૂબ ચર્ચામાં છે અને હવે લોકો એને સપ્લિમેન્ટ્સમાં ઉમેરતા થયા છે. તમારા સ્નાયુઓને રિલૅક્સ કરવાનું મહત્ત્વનું કામ આ માઇક્રોન્યુટ્રિઅન્ટ કરે છે. એ શરીરમાં ઓછું થાય તો સ્નાયુઓ નબળા પડે, સોજા આવે, દુખાવો થાય, ઊંઘવામાં ફાવે નહીં, ચીડચીડાપણું આવે, કબજિયાત થઈ શકે, રેસ્ટલેસનેસ આવે.
સેલેનિયમ અને ઝિન્ક
સેલેનિયમ અને ઝિન્કની શરીરને ખૂબ જ જરાક માત્રામાં જરૂર પડતી હોય છે, પરંતુ જો એની કમી વર્તાય તો સૌથી પહેલું લક્ષણ વાળમાં જોવા મળે. વાળ પાતળા થવા માંડે, ચહેરા પર પિમ્પલ્સ આવે, ત્વચા પર રૅશિઝ થાય, કોઈ પણ ઘા વાગ્યો હોય તો રૂઝ આવતાં સમય લાગે અને ઇમ્યુન-સિસ્ટમ નબળી પડે. આ જ કારણ હતું કે કોવિડ દરમ્યાન લોકો ઝિન્ક અને સેલેનિયમનાં સપ્લિમેન્ટ્સની પાછળ પડી ગયા હતા. થાઇરૉઇડ અને ઇન્ફર્ટિલિટીમાં સેલેનિયમ મહત્ત્વનું છે.
આયર્ન
લોહીમાં ઑક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરે તથા ઊર્જા જનરેટ કરવામાં અને શરીરમાં ગ્રોથ હૉર્મોન્સને પોતાનું કામ કરવામાં આયર્નનો મહત્ત્વનો રોલ છે. કેટલાંક હૉર્મોન્સ બનાવવાનું, ઇમ્યુનિટી વધારવાનું અને બ્રેઇનનાં ફંક્શન્સ બહેતર કરવામાં પણ આ તત્ત્વ મહત્ત્વનું છે. એની કમી હોય ત્યારે નખ બટકણા થાય, શ્વાસ ચડે, હાડકાં નબળાં પડે, થાક લાગે, ચહેરાનો રંગ ફિક્કો થઈ જાય, ધબકારા અનિયમિત થાય, માથું દુખે, ચક્કર આવે, હાથ અને પગ ઠંડા થઈ જાય, હોઠના છેડે કાપા પડે, જીભ લાલ અને સૂઝેલી લાગે, ન ખાવાની વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ્સ થાય, હાથ-પગ હલાવ્યા કરવાનું મન થાય, પાચન બગડે, વસ્તુ ગળવામાં તકલીફ પડે, કાનમાં ભણકારા થાય જેવાં લક્ષણો દેખાતાં હોય છે.
મૅન્ગેનીઝ
પાચનમાં મહત્ત્વનો રોલ અદા કરતાં આ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ બૉડીની ડિફેન્સ સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરવામાં, હાડકાંના સ્વાસ્થ્યને, રીપ્રોડકશન હેલ્થ માટે, બ્લડ-ક્લૉટિંગ અને ચેતાતંત્રના સરળતા સાથે કામ માટે મહત્ત્વનાં છે. શરીરમાં એની કમી કોઈ પણ ઘાને રૂઝવામાં સમય વધારે. હાડકાંમાં દુખાવો થાય, ચક્કર આવે, સાંભળવામાં તકલીફ પડે, મૂડ-સ્વિંગ્સ અને ચીડિયાપણું થાય, ડેવલપમેન્ટમાં વિક્ષેપ પડે, આર્થ્રાઇટિસ જેવો દુખાવો થાય, વાળ અને નખના ગ્રોથમાં તકલીફ પડે, સ્નાયુઓના કો-ઑર્ડિનેશનમાં સમસ્યા થાય, ફર્ટિલિટીને લગતી સમસ્યા આવે.
પોટૅશિયમ
આપણા શરીરમાં પોટૅશિયમ ફ્લુઇડ બૅલૅન્સ કરવામાં, ચેતાતંત્રનાં ફંક્શન્સ, મસલ્સ કૉન્ટ્રેક્શન, બ્લડ-પ્રેશરને રેગ્યુલેટ કરવામાં, વિવિધ પોષક તત્ત્વોને ટ્રાન્સપોર્ટ કરવામાં અને કિડનીનાં ફંક્શન્સમાં મહત્ત્વનો રોલ અદા કરે છે. એની ઊણપ સ્નાયુઓને નબળા કરે, ક્રૅમ્પ અને સોજાને આમંત્રણ આપે, કબજિયાત કરે, બ્લડ-પ્રેશર વધારે, ઇમોશનલ અને મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરે. પોટૅશિયમની કમી હોય ત્યારે વારંવાર બાથરૂમ લાગે અને તરસ પણ લાગી શકે. આંખનું ફરકવું, ચહેરા પર ઝણઝણાટી થવી એ પણ પોટૅશિયમની કમીનું લક્ષણ હોઈ શકે.
બોરોન
ખૂબ જ ઓછી માત્રામાં પણ મહત્ત્વનું કામ કરતું આ માઇક્રોન્યુટ્રિઅન્ટ હાડકાંની હેલ્થ માટે, હૉર્મોન્સનું રેગ્યુલેશન તથા મેગ્નૅશિયમનું ઍબ્સૉર્પ્શન બરાબર થાય એ માટે, ઘાના રૂઝવા માટે અને બ્રેઇનને વ્યવસ્થિત કામ કરવા માટે મહત્ત્વનું છે. એની ઊણપ હોય તો બોનની હેલ્થ બગડે, ઘાના રૂઝવામાં તકલીફ થાય, યાદશક્તિ-એકાગ્રતા ઘટે, હાથ અને આંખોના કો-ઑર્ડિનેશનમાં વિક્ષેપ ઊભો થાય, હૉર્મોન્સમાં અસંતુલન આવે અને શરીરમાં સોજા વધે.
આ પોષક તત્ત્વોની કમીને કેવી રીતે પૂરી કરશો?
મોટા ભાગનાં આ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ સંતુલિત અને પૌષ્ટિક આહારમાંથી મળી રહે છે. ડૉ. પરેશ મહેતા કહે છે, ‘આપણા રોજિંદા જીવનમાં લીલાં શાકભાજી, સીઝન મુજબ આમળાં જેવી બેરીઝ વગેરે ખાઓ તો દરેક ન્યુટ્રિઅન્ટ એમાંથી પણ મળી જ રહે છે. બદામ, અખરોટ, ખજૂર, જરદાલુ, કિસમિસ જેવાં ડ્રાયફ્રૂટ્સમાં પણ એનું પ્રમાણ હોય છે. વિટામિન બી સાથે જો અશ્વગંધા અથવા બ્રાહ્મીનું સેવન કરશો તો એનું ઍબ્સૉર્પ્શન વધશે. કૅલ્શિયમ સાથે જો K2 અને વિટામિન Dનાં સપ્લિમેન્ટ્સ લેશો તો એ હાડકાંમાં જશે. પમ્પકિન સીડ્સ, ડાર્ક ચૉકલેટ, અવાકાડો, ઑલિવ ઑઇલ વગેરેમાં પૂરતા પ્રમાણમાં મેગ્નૅશિયમ હોય છે. પાકેલું કેળું, અનનાસ અને બેરીઝમાં સારા પ્રમાણમાં પોટૅશિયમ હોય છે. શાકભાજી, ફ્લાવર, બ્રૉકલીમાં સેલેનિયમનું પ્રમાણ સારું હોય છે. પોટૅશિયમ લૂઝ મોશનને કારણે અચાનક શરીરમાંથી ઘટી જાય તો ખડી સાકર સાથે લીંબુ અને મીઠું નાખીને પાણી પીઓ. ભોજનમાં આયોડીનવાળું મીઠું ઉમેરો. આયર્ન સહિતનાં ઘણાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ ઑર્ગેનિક ગોળમાંથી મળી શકે. ગોળની ચિક્કી, ગોળના પાણીને ડાયટનો હિસ્સો બનાવો. આપણી દાળ, આપણાં કઠોળમાં ભરપૂર પ્રમાણમાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ છે જ. બસ, એને સાચી રીતે ખાતા શીખો. ફર્મેન્ટેડ ફૂડમાં વિટામિન Bની માત્રા વધુ હોય છે. આંતરડાં સાફ હશે તો માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનું ઍબ્સૉર્પ્શન સારું થશે. એના માટે ઇસબગુલનું સેવન કરો. એ કૂલિંગ એજન્ટ પણ છે. એ પેટની ગરમી ઘટાડીને આંતરડાંનો મળ ખેંચીને કાઢી શકે છે. લાંબા ગાળે ઇસબગુલનું સેવન શરીરના કૉલેસ્ટરોલને પણ ઘટાડે છે. પાણી સાથે સવાર-સાંજ બે ચમચી અથવા તો તમારી જરૂરિયાત મુજબનું ઇસબગુલ લઈ શકાય.’


