વસંત ઋતુમાં અવૉઇડ કરવી જોઈએ. ખાણીપીણીની બાબતમાં આવી બીજી કઈ બાબતનું ધ્યાન રાખવું એ વિશે આયુર્વેદમાં વિગતવાર ચર્ચા છે.
ભીંડા
માત્ર ભીંડા જ નહીં પણ ચીકાશયુક્ત કોઈ પણ વસ્તુ વસંત ઋતુમાં અવૉઇડ કરવી જોઈએ. ખાણીપીણીની બાબતમાં આવી બીજી કઈ બાબતનું ધ્યાન રાખવું એ વિશે આયુર્વેદમાં વિગતવાર ચર્ચા છે. હોળી ગરમીના ફરમાન સાથે વસંત ઋતુના આરંભની પણ શાખ પૂરે છે ત્યારે ઠંડીની વિદાય અને ધીમે-ધીમે વધતી ગરમીમાં કફને લગતી સમસ્યાઓ પણ વધે. લૂ લાગવી, ડીહાઇડ્રેશન, પાચનની સમસ્યાઓનું પ્રમાણ પણ વધવા માંડે છે ત્યારે આયુર્વેદની દૃષ્ટિએ લાઇફસ્ટાઇલને લગતી કેટલીક મહત્ત્વની ટિપ્સ જાણી લો
વસંત પૂર્ણિમાના દિવસે આવતી હોળી ઋતુઓની દૃષ્ટિએ પણ ખાસ છે. આપણે ત્યાં છ પ્રકારની ઋતુનો મહિમા છે જેમાંથી મિડ માર્ચથી મિડ મે મહિના સુધી ચાલતી વસંત ઋતુ તમામ ઋતુઓનો રાજા ગણાય છે. ચારેય બાજુ ફૂલોની લહાણી હોય, વાતાવરણમાં તાજગી હોય, હરિયાળી અને મનમોહક દૃશ્ય હોય પણ સાથે ધોમધખતો તડકો પણ હોય એ વસંતની વિશેષતા છે. હોળીથી ઉનાળા તરફ ઋતુનું ગમન થાય અને એટલે જ આહારવિહારમાં બદલાવ આવે એ જરૂરી છે. આજે જાણીએ કે આવનારા દિવસોમાં વધી રહેલી ગરમી વચ્ચે સ્વાસ્થ્યને સારું રાખવા માટે આયુર્વેદની દૃષ્ટિએ શું કરવું. સાથે જ ‘આયુષ આહાર’ અંતર્ગત આવતી કેટલીક રેસિપી વિશે પણ જાણી લો.
ADVERTISEMENT
ઋતુઓનું ખાસ મહત્ત્વ
આપણે ત્યાં તહેવારોમાં ખેતીનો પણ ખૂબ મોટો રોલ છે. હોળી લણણીનો સમય છે અને હોળીમાં વિવિધ રંગો સાથે કેસૂડાનાં ફૂલ વગેરેનો ઉપયોગ થતો એની પાછળ પણ થેરપ્યુટિક કારણો હતાં. આયુષ મંત્રાલયના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સક્રિય, આયુર્વેદ રિસર્ચ જર્નલના એડિટર તેમ જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની પરંપરાગત ઉપચાર પદ્ધતિ માટે ગ્લોબલ સ્ટ્રૅટેજી ટીમના કમિટી મેમ્બર, રિસર્ચર સુમિત ગોયલ કહે છે, ‘આયુર્વેદ પુસ્તકોમાં ઋતુચર્યાનું ભરપૂર મહત્ત્વ છે. દરેક ઋતુમાં શું ખાવું અને શું નહીં એની સમજણ હોય તો વ્યક્તિ ક્યારેય બીમાર જ ન પડે. આહાર જ ઔષધનું કામ કરે અને આયુર્વેદ હંમેશાં પ્રિવેન્ટિવ એટલે કે બીમાર જ ન પડો એ દૃષ્ટિકોણ સાથેના સિદ્ધાંતોને પ્રાધાન્ય આપે છે. વસંત ઋતુ, જે હોળી પછીથી શરૂ થાય છે એમાં મોટા ભાગે ભાગે કફનું પ્રમાણ વધ્યું હોય છે કારણ કે સૂર્યનં કિરણો સીધાં પડે છે જે બહારની પ્રકૃતિની જેમ શરીરની અંદરની પ્રકૃતિને પણ પ્રભાવિત કરે છે. શરીરમાં શિયાળા દરમ્યાન સંચિત થયેલો કફ આ ઋતુમાં છૂટો પડે છે અને એ પાચનશક્તિને મંદ પાડે છે. એટલે જ શરદી, ખાંસી, ઇન્ડાઇજેશન, શ્વાસને લગતા રોગો આ ઋતુમાં વકરી શકે છે. એટલે જ આયુર્વેદની દૃષ્ટિએ આ ઋતુમાં કફને ઘટાડતું અને પચવામાં હલકું હોય એ પ્રકારનું ભોજન લેવાનું કહેવામાં આવે છે.’
શું ખાવું, શું નહીં
કેટલાક રેફરન્સિસ આપતાં ડૉ. સુમિત કહે છે, ‘અષ્ટાંગ હૃદય ગ્રંથના સૂત્રસ્થાન ૩/૮-૯માં કહ્યું છે કે વસંત ઋતુમાં કફ દોષ સહજ રીતે વધે છે, જેથી પાચન નબળું થાય અને એટલે જ પચવામાં હળવો આહાર લેવો. ચરક સંહિતામાં પણ આ જ વાત સ્પષ્ટતા સાથે કહેવામાં આવી છે. પચવામાં હળવા આહાર સાથે કેવા પ્રકારના રસવાળો આહાર લેવો એની પણ આયુર્વેદમાં સ્પષ્ટતા છે જેમ કે અષ્ટાંગ હૃદયની દૃષ્ટિએ આ ઋતુમાં સ્વાદમાં કડવો, તીખો, તૂરો હોય એવો આહાર લેવો જોઈએ જે કફને ઘટાડવાનું કામ કરે છે. જૂના ઘઉં, મગ, જવની રોટલી, લીલી સીઝનલ શાકભાજી, લીંબુનો રસ વગેરે હિતકારી છે. ચરક સંહિતા અનુસાર આ ઋતુમાં લીમડો, હળદર, વરિયાળી અને સ્વાદમાં કડવી હોય એવી વસ્તુઓનું સેવન વધારીને સીઝનલ ડીટૉક્સિફિકેશન કરવું જોઈએ. જીરું, વરિયાળી જેવી બાબતો વસંત ઋતુમાં જઠરાગ્નિ વધારવામાં પાચન સુધારે એના રેફરન્સિસ ચરક સંહિતામાં મળે છે. જેમ હોલિકા દહન તમામ નકારાત્મકતાને ભસ્મ કરવાનો સિમ્બૉલ છે એમ જ આયુર્વેદની દૃષ્ટિએ હોળી પછીનો સમયગાળો જઠરાગ્નિના અગ્નિને પ્રબળ કરીને શરીર અને મનનાં ટૉક્સિન્સને દૂર કરવાનો અવસર છે. એક રીતે જોઈએ તો વસંત ઋતુ ફિઝિકલ અને મેન્ટલ ડીટૉક્સિફિકેશનનો શ્રેષ્ઠ સમય છે.’
આ ઋતુમાં શું ન ખાવું એની સ્પષ્ટતા કરતાં ડૉ. સુમિત કહે છે, ‘તમે વિન્ટરમાં જે લાડુ, અડદિયા, ગુંદરપાક જેવાં પકવાનો વગેરે ખાતા હતા અથવા તો પચવામાં હેવી ફૂડ ખાતા હતા એ વસંત ઋતુમાં પાચન બગાડશે. બ્રેડ, પાંઉ, તળેલાં ભજિયાં, પૂરી, ફરસાણ, ચીકણો આહાર, બાસુંદી કે રબડી જેવી હેવી મીઠાઈઓ, મલાઈ, નવું અનાજ, ભીંડા, બટાટા, ઠંડો ખોરાક આ ઋતુમાં ન ખાવામાં આવે તો પેટ તમને થૅન્ક યુ કહેશે. બીજું, આ ઋતુમાં દિવસના સમયે બિલકુલ ન સૂવું કારણ કે વસંત ઋતુમાં દિવસના સમયે શયન કરવાથી પણ કફ વધે એવા રેફરન્સિસ આયુર્વેદ પુસ્તકોમાં મળે છે. સ્નાન સહેજ હૂંફાળા પાણીથી કરવું. નિયમિત હળવો વ્યાયામ, યોગ, પ્રાણાયામ કરવું. શરીર પર ચંદનનો લેપ કરવો. તેલની માલિશ કરવી. ઓવરઈટિંગ આમ તો ક્યારેય ન કરવું, પણ આ ઋતુમાં તો બિલકુલ ન થાય એનું ધ્યાન રાખવું.’
વાસંતિક વમન : આ સીઝનમાં હેલ્ધી રહેવા માટે અકસીર
ઘણી આયુર્વેદ હૉસ્પિટલમાં વસંત ઋતુમાં કૅમ્પેન ચલાવીને વાસંતિક વમન નામની પંચકર્મની એક ક્રિયા કરાવવામાં આવે છે. સીઝનને અનુરૂપ વિશેષ પ્રકારની દવાઓ પીવડાવીને વૉમિટિંગ કરાવવામાં આવે અને એ થકી વધારાનો કફ બહાર કાઢવામાં મદદ મળે. રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચન સુધારે, રિજુવિનેશન કરે, શરીરને પુષ્ટ કરે જેવા અઢળક લાભ આ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી મળે છે.
પચવામાં સરળ, શરીરશુદ્ધિમાં લાભકારી અને ડીહાઇડ્રેશનથી બચાવશે આ રેસિપીઝ
ઠંડાઈ
આમ તો શિવરાત્રિનું પીણું ગણાતું આ ડ્રિન્ક ગરમી દરમ્યાન જો સાચી રીતે પીઓ તો શરીરની શક્તિ જાળવી રાખવાથી લઈને ગરમીમાં વકરતા શરીરના દોષોને કન્ટ્રોલ કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. બદામ, વરિયાળી, ખસખસ, કાળાં મરી, તરબૂચનાં બીજ અને એલચીને પીસીને એને દૂધમાં મિક્સ કરીને મિસરી સાથે પીઓ તો એ પાચન સુધારશે, શરીરને ઠંડક પ્રદાન કરશે અને પિત્ત તથા કફ દોષને સંતુલિત કરશે.
લીમડો અને ગોળના લાડુ
આ ઋતુમાં શરીરશુદ્ધિ માટે આ ખૂબ જ ઉપયોગી રેસિપી છે. તમે આને કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારનારું ફૂડ પણ કહી શકો. ડીટૉક્સ માટે જાણીતી આ સ્વીટ ડિશમાં લીમડાનો પાઉડર, ગોળ, તલ, ઘી અને સૂંઠ નાખીને બનાવવામાં આવે છે. રક્તશુદ્ધિ, સીઝનલ ડીટૉક્સ અને પાચનમાં મદદરૂપ થશે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ ખૂબ જ પૉપ્યુલર રેસિપી ગણાય છે.
આમ્લ પાનકા
આમળાનું આ ડ્રિન્ક રિફ્રેશિંગ અને વિટામિન Cથી ભરપૂર છે. આમળાનો જૂસ કાઢી એમાં ગોળ (અથવા ખજૂર), કાળાં મરી અને એલચીનો પાઉડર નાખીને મિક્સ કરો અને પીઓ. આ ડ્રિન્ક તમારી ઇમ્યુનિટી વધારશે, પાચન સુધારશે અને સાથે સ્કિન અને વાળ માટે પણ સારું ડ્રિન્ક છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પણ ઉપયોગી છે.
બાર્લી ખીચડી
જવ શ્રેષ્ઠ કફનિવારક છે. જવ અને મગની દાળમાં જીરું, આદું નાખીને ખીચડી બને અને એમાં ઘી ઉમેરો તો એ કફને નિવારવામાં, ડાઇજેશન સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. જવમાં પ્રચુર પ્રમાણમાં ફાઇબર હોય છે એટલે એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે તો સાથે જ કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ અદ્ભુત પરિણામ આપશે. આ ઋતુમાં તો જવ અને મગની દાળની ખીચડીનું ખાસ સેવન કરવું જોઈએ
વસંત ઋતુમાં સ્વાદમાં કડવો, તીખો, તૂરો હોય એવો આહાર લેવો જોઈએ જે કફને ઘટાડવાનું કામ કરે છે. જૂના ઘઉં, મગ, જવની રોટલી, લીલી સીઝનલ શાકભાજી, લીંબુનો રસ વગેરેનો સમાવેશ હિતકારી છે. ચરક સંહિતા અનુસાર આ ઋતુમાં લીમડો, હળદર, વરિયાળી જેવી વસ્તુઓનું સેવન વધારીને સીઝનલ ડીટૉક્સિફિકેશન કરવું જોઈએ.
- ડૉ. સુમિત ગોયલ, આયુર્વેદ નિષ્ણાત અને રિસર્ચર
ખબર છે?
અષ્ટાંગ હૃદય નામના આયુર્વેદના ગ્રંથના ત્રીજા અધ્યાયના બારમા સૂત્ર મુજબ ગોળ, એલચી, કાળાં મરી અને પાણી ઉમેરીને બનાવેલું ડ્રિન્ક વસંત ઋતુમાં પીવાથી લાભ થાય
છે.

