મલાડમાં આવેલી સરાફ કૉલેજની બહાર અનેક યુનિક સ્ટાઇલની સૅન્ડવિચ મળે છે જેમાં ચાઇનીઝ સૅન્ડવિચ કંઈક અલગ સાઉન્ડ કરે છે
આર. પી. ઢોસા કૉર્નર
ચાઇનીઝ ખાવાની દીવાનગી એટલી હદે વધી ગઈ છે કે હવે સમોસાથી લઈને સૅન્ડવિચ સુધીની દરેક વસ્તુમાં ચાઇનીઝ આવી ગયું છે. હાલમાં જ એક ફૂડ-સ્ટૉલ જોવા મળ્યો જ્યાં ચાઇનીઝ ટોસ્ટ સૅન્ડવિચ જોવા મળી. નામ સાંભળતાંની સાથે જ થોડી અજીબ લાગતી એવી આ ડિશ વિશે ચાલો થોડી વધુ વિગતો જાણીએ.
સુંદરનગરના કૉર્નર પર આવેલી સરાફ કૉલેજની બહાર અનેક ફૂડ-સ્ટૉલ છે જેમાં એક આર.પી. ઢોસા કૉર્નર પણ આવેલું છે જે આમ તો ઢોસા માટે જાણીતું છે પરંતુ અહીં ઢોસા સિવાય પણ ઘણી આઇટમ્સ મળે છે. ખાસ કરીને સૅન્ડવિચ. સૅન્ડવિચની અંદર અહીં ઘણી વરાઇટી છે અને યુનિક વરાઇટી કહી શકાય એવી તો ઘણી છે. અત્યારે અહીં ચાઇનીઝ ટોસ્ટ સૅન્ડવિચ ઘણી ફેમસ છે. કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અહીં આ સૅન્ડવિચ ખાતા જોવા મળશે. એક બાઉલમાં કૅપ્સિકમ, કાંદા, બાફેલા નૂડલ્સ, કોબી વગેરે વેજિટેબલ્સ નાખીને એના પર સૉસ, ચટણી અને ચાઇનીઝ સૉસ નાખી એક મિશ્રણ બનાવવામાં આવે છે. ત્યાર બાદ બ્રેડની નૉર્મલ સ્લાઇસ લઈને ઉપર આ મિશ્રણ પાથરી દેવામાં આવે છે અને ગ્રિલ મશીનમાં મૂકી એને ગ્રિલ કરવામાં આવે છે. પછી એને પીસિસમાં કટ કરીને ચટણી અને સૉસ સર્વ કરવામાં આવે છે. આ સિવાય અહીંના ઢોસાની જ વાત કરીએ તો અહીં લગભગ ત્રણ ડઝન કરતાં પણ વધુ વરાઇટીના ઢોસા મળે છે જેમાં જીની ઢોસા અને મટકા ઢોસા સૌથી હાઇએસ્ટ સેલિંગ આઇટમ ગણાય છે.
ક્યાં મળશે? : આર. પી. ઢોસા કૉર્નર, સરાફ કૉલેજની બહાર, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ)

