દહીંપૂરી અને સેવપૂરી જેવા ટ્રેડિશનલ સ્ટ્રીટ ફૂડને નવું જ રૂપ આપ્યું છે બોરીવલીની આ જગ્યાએ અને એ પણ અવ્વલ રીતે
દેશી સ્વાદ, વિદેશી ટ્રીટમેન્ટઃ શ્રીજી તમને જલસો કરાવશે
થોડા દિવસો પહેલાં મારા નાટકનો શો બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં હતો. સ્વાભાવિક છે કે કોનો શો ક્યાં હોય એની આપણા ગુજરાતી નાટકોવાળાઓને તો ખબર જ હોય. શોના દિવસે મને આપણા ગુજરાતી નાટકોના ઍક્ટર પરાગ શાહનો ફોન આવ્યો કે તમારો આજે શો છે તો થોડા વહેલા આવજો, મારે તમને એક આઇટમ ચખાડવા લઈ જવાના છે. યુનિક અને સ્વાદિષ્ટ આઇટમ છે. હું કંઈ વધારે કહું કે પૂછું એ પહેલાં જ પરાગે મને કહી દીધું કે ઠાકરેની પાસે જ છે એટલે તમે ટેન્શન નહીં લેતા.
આપણે વાત આગળ વધારીએ એ પહેલાં કહી દઉં કે પરાગ શાહ આપણી ફૂડ ડ્રાઇવ કૉલમનો બહુ મોટો ચાહક છે. મેસેજ પર તે કૉલમ વિશે વાતો કરતો રહે અને કમેન્ટ પણ મોકલતો રહે તો કોઈ સારી જગ્યા ધ્યાન પર આવે તો ઇન્ફૉર્મ પણ કરે. પરાગને મેં જરા વધારે પૂછપરછ કરી તો તેણે મને કહ્યું કે બોરીવલીમાં ફ્યુઝન ભેળપૂરી-સેવપૂરીવાળો છે.
મારા મનમાં મને જરા ચટપટી જાગી અને મને સમય પસાર થતો ગયો એમ-એમ મોઢામાં પાણી પણ આવવા માંડ્યું. થાય કે ક્યારે પરાગ લેવા આવે અને ક્યારે હું જાઉં?
બસ, મારી ધીરજનો અંત આવ્યો. પરાગ આવ્યો કે તરત હું અને મારા નાટકની ટીમ રવાના થઈ પરાગ સાથે. હવે તમને પહેલાં ઍડ્રેસ સમજાવી દઉં.
તમે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમની બુકિંગ ઑફિસવાળા ગેટથી બહાર નીકળી ડાયોગ્નલી સીધા એટલે કે દહિસર તરફ જવાના રસ્તે સહેજ જાઓ એટલે જમણી બાજુએ ગાર્ડન આવે. આ ગાર્ડનની બહાર બહુ બધી લારીઓ ઊભી રહે છે, જેમાં એક લારી છે શ્રીજી’સ ફ્યુઝન કિચન.
તમને નામ વાંચીને જ થાય કે આ તે કેવું નામ, પણ પછી જેમ-જેમ હું આઇટમ ચાખતો ગયો એમ-એમ ખાતરી થવા માંડી કે નામ એવા જ ગુણ છે.
આઇટમ ચાખીને આભા થઈએ એ તો સમજાય, પણ હું તો મેનુ વાંચીને જ આશ્ચર્ય પામ્યો કે આટલી વરાઇટી! અને એ પણ માત્ર ભેળપૂરી અને સેવપૂરીમાં!
સામાન્ય રીતે મળતી હોય છે એવી રેગ્યુલર ભેળપૂરી અને સેવપૂરી તો અહીં મળતી જ હતી, પણ સાથે ફ્યુઝન આઇટમો પણ હતી. ફ્યુઝન આઇટમમાં એક સેઝવાન સેવપૂરી હતી. એમાં સેવપૂરીમાં આવતી પેલી રેગ્યુલર તીખીમીઠી ચટણી ન નાખે, પણ એને બદલે સેઝવાન ચટણી નાખે. પછી સેઝવાન ચીઝ સેવપૂરી હતી તો આઇસ દહીંપૂરી હતી. એમાં પૂરીમાં દાડમના દાણાથી માંડીને એક્ઝૉટિક વેજિટેબલ્સ પણ નાખ્યાં હોય. આ બધી વરાઇટી એટલી ચિલ્ડ કરી નાખવામાં આવી હોય કે જેવી તમે દહીંપૂરી મોઢામાં મૂકો કે તમને લાગે કે જાણે કે તમે મસ્ત મજાનો બરફનો ગોળો મોઢામાં મૂક્યો છે.
એમાં પણ દહીંપૂરીની અંદર દાડમના દાણા પણ નાખ્યા હોય, વેજિટેબલ્સ પણ હોય. અતિશય ઠંડું હોય. મોઢામાં મૂકો કે ઠંડુંગાર લાગે. આઇસ દહીંપૂરીમાં જ ચીઝની વરાઇટી પણ હતી તો આઇસ દહીંકચોરી ચાટ પણ હતી અને આવું તો ઘણુંબધું હતું પણ એ બધાથી પણ ચાર ચાસણી ચડે એવી વરાઇટીની વાત તો હવે આવે છે. એક વરાઇટી હતી ઇટાલિયન ફુસકી. આપણી સેવપૂરી હોય એમાં બ્રૉકલી, કલરફુલ કૅપ્સિકમ જેવાં એક્ઝૉટિક વેજિટેબલ્સ હોય અને એના પર મેયોનીઝ સૉસનું ગાર્નિશિંગ થાય અને એની ઉપર ચીઝ અને પીત્ઝા સીઝનિંગ્સનો આછો છંટકાવ હોય. આવી જ મેક્સિકન ફુસકી હતી. આ તીખી આઇટમ છે અને એમાં એક્ઝૉટિક વેજિટેબલ્સની સાથે સ્પાઇસી સૉસ નાખવામાં આવે અને એના પર ચીઝ અને એના પર પીત્ઝા સીઝનિંગ્સનો હળવો છંટકાવ. એક વરાઇટીનું નામ હતું જંગલી સેવપૂરી. એમાં પૂરીમાં જાતજાતનાં વેજિટેબલ્સ નાખવામાં આવે અને પછી દાડમ, સેઝવાન ચટણી અને એની ઉપર સેવ ભભરાવવામાં આવે. જંગલી ભેળ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. બધી જાતના ચેવડા અને મમરા અને એની સાથે વેજિટેબલ્સ, અલગ-અલગ ચટણીઓ અને એવું બધું હોય. એક આઇટમ હતી, હૉટ દિલખુશ પૂરી. એમાં સેવપૂરીમાં કાંદા, કૅપ્સિકમ, જાતજાતના સૉસ, ચીઝ અને એવું બધું નાખ્યું હોય. સામાન્ય રીતે મેં જોયું છે કે ફ્યુઝનના નામે કંઈ પણ બનાવીને આપી દેવામાં આવે છે પણ અહીં એવું નહોતું. ફ્યુઝનમાં એવાં ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ઓરિજિનલ વરાઇટીને કૉમ્પ્લીમેન્ટ કરતાં હોય. તમે ચૉકલેટ પીત્ઝા અને એના પર ચીઝ પાથરો તો હું નથી માનતો કે એવી આઇટમ બીજી વાર કોઈ મગાવે, પણ શ્રીજીમાં ગયા પછી તમને બીજી વાર ત્યાં જવાનું મન થાય.
મને તો બહુ મન થાય છે પણ હું તો અત્યારે ઑસ્ટ્રેલિયામાં છું. પંદર દિવસમાં પાછો આવી જાઉં એટલે મારી સેકન્ડ વિઝિટ અહીં પાકી છે પણ તમારી પહેલી વિઝિટ હજી બાકી છે. જઈ આવો બાપલા, જલસો પડશે.
તમારા સમ.


