આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં રસ ધરાવતાં ૫૦ વર્ષનાં કોમલ જાની છેલ્લા બે દાયકાથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન બાળકો અને યંગસ્ટર્સ માટે ચાલી રહેલા ટ્રેન્ડ કરતાં પણ એક કદમ આગળ જઈને કસ્ટમાઇઝ્ડ કેડિયાં, સાફા, ચણિયા-ચોળી અને માથે ઓઢવાના મુસ્લા એવી રીતે બનાવે છે જોઈએ
કોમલ જાની અને તેમને બનાવેલા લાઇટિંગ જૅકેટ્સ
નવરાત્રિ માતાજીની આરાધનાની સાથે હવે સર્જનાત્મકતા દર્શાવવાનો પણ તહેવાર બની ગઈ છે. કોઈ ગરબા અને આરતીનું ડેકોરેશન કરીને પોતાની કળા દેખાડે તો કોઈ યુનિક રીતે ચણિયા-ચોળી અને કેડિયાં ડિઝાઇન કરીને પોતાની ક્રીએટિવિટી જાહેર કરીને દુનિયા સમક્ષ અલગ ઓળખ બનાવે છે ત્યારે દહિસરમાં રહેતાં કોમલ જાની પણ એમાંથી એક છે. તેમણે પોતાના કલાપ્રેમ અને જુસ્સાને જીવનનો અભિન્ન ભાગ બનાવી દીધો છે. લગ્ન પહેલાં જ કલા સાથેનું આ જોડાણ મજબૂત બન્યું હતું. ત્યારથી આજ સુધી એટલે કે લગભગ વીસ વર્ષથી વધુ સમયથી તેઓ સતત કંઈક નવું બનાવી રહ્યાં છે અને શીખવી રહ્યાં છે અને કલાપ્રેમીઓ તેમની આર્ટને બિરદાવી રહ્યા છે. આમ તો તેઓ આર્ટ-ટીચર તરીકે વધુ ફેમસ છે પણ નવરાત્રિ આવે એટલે તેઓ ફૅશન-ડિઝાઇનર બની જાય છે. ગરબા રમવા જતાં બાળકો અને યંગસ્ટર્સનાં કેડિયાં, સાફા અને ધોતિયાં તૈયાર કરાવીને પોતાના હાથેથી ડેકોરેટ કરે છે. ડેકોરેશન પણ સામાન્ય નથી હોતું, તેઓ ટ્રેન્ડ કરતાં હંમેશા લેવલ-અપ વિચારે છે.
સાફા અને કેડિયાંની ક્રીએટિવિટી
ADVERTISEMENT
નવરાત્રિના સમયે કેડિયાં અને સાફાને ડેકોરેટ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે જણાવતાં કોમલ જાની કહે છે, ‘આમ તો હું જ્યારે મારાં મમ્મીના ઘરે અમદાવાદ હતી અને સ્કૂલમાં ભણતી ત્યારે મારાં ચણિયા-ચોળી હું જ સીવતી. ત્યારથી જ મને આર્ટ પ્રત્યે પ્રેમ છે. લગ્ન કરીને જ્યારે મુંબઈ આવી ત્યારે કાંદિવલીમાં રહેતી હતી. મારી દીકરીને હું સ્કૂલ-પ્રોજેક્ટ્સ બનાવી દેતી એ પેરન્ટ્સ અને ટીચર્સને બહુ ગમતા. તેમણે મને ક્લાસિસ શરૂ કરવાનો અને આર્ટ શીખવવાનો આગ્રહ કર્યો ત્યારે મેં આર્ટ-ક્લાસ શરૂ કર્યા. આ વાત બે દાયકા પહેલાંની છે. હજી તો મેં શરૂ જ કર્યું હતું અને નવરાત્રિ નજીક આવતાં એક વિદ્યાર્થીના વાલી મારી આર્ટને જોઈને મારી પાસે આવ્યા અને કહ્યું કે તમારી આર્ટ ખરેખર મસ્ત છે, મારા દીકરા માટે પાઘડી ડેકોરેટ કરવાનો આઇડિયા આપો. મેં તેમને આઇડિયા આપ્યો પછી તેમણે કહ્યું, એક કામ કરોને, મારી પાસે સમયનો અભાવ છે તો તમે જ મને બનાવી આપો. મેં તેમની આ વાત માન્ય રાખીને પાઘડી-ડેકોરેશનમાં મારી ક્રીએટિવિટી દેખાડી. આખી પાઘડી ખોલીને મેં મારી રીતે સ્ટિચ કરી અને મારી રીતે ડેકોરેટ કરી. એમાં મેં વચ્ચે મોટર બેસાડીને એની ઉપર એલિમેન્ટ્સ લગાવ્યા હતા જે ગોળ-ગોળ ફરે. એ વખતે મારા કામને બહુ પસંદ કરવામાં આવ્યું હતું. મેં બનાવી દીધેલું આઉટફિટ પહેરીને તેમનો દીકરો ટ્રેડિશનલ વેઅરની કૉમ્પિટિશનમાં પહેલો નંબર લાવ્યો હોવાથી વાલી રાજી થઈ ગયા. ત્યાર પછી એ વાલીએ તેમના ગ્રુપમાં વાત કરી. એમ કરતાં-કરતાં મને કેડિયાં અને સાફાની સાથે ચણિયા-ચોળી ડેકોરેશનના ઑર્ડર મળવા લાગ્યા. નવરાત્રિ આવે અને આવા કોઈ ઑર્ડર મળે તો હું અમદાવાદ જઈને પહેલાં ફૅબ્રિક સિલેક્ટ કરી લઉં અને સીવડાવી નાખું; પછી મારી રીતે એમાં આભલાં, કોડી, હૅન્ગિંગ્સ, કચ્છી ભરતકામની બૉર્ડર, સિલ્વર કે ગોલ્ડન પટ્ટી બંધ બેસે છે કે નહીં એ રીતે ડેકોરેટ કરું. કેડિયા અને સાફા ડેકોરેશનમાં હું લાઇટિંગ પણ લગાડું. વીસ વર્ષ પહેલાં તો લાઇટિંગ કે કેડિયામાં હૅન્ગિંગ્સનો ટ્રેન્ડ નહોતો. એ વખતે મેં કદાચ પહેલી વાર આવો અખતરો કર્યો હતો. ડેકોરેશનથી નવરાત્રિના આઉટફિટને અનોખું રૂપ આપવું મને બહુ ગમે છે. દરેક ગ્રાહકની જરૂરિયાત જાણી લઉં અને પછી મારી રીતે હું એને ડેકોરેટ કરું. મેં નવરાત્રિમાં થીમ આધારિત ગરબાનાં પણ ડેકોરેશન કર્યાં છે અને દિવાળીમાં કટઆઉટ રંગોળીના બલ્ક ઑર્ડર્સ મને મસ્કત, દુબઈ અને ગુજરાતથી બહુ જ મળતા હતા તો મેં એ પણ પાર પાડ્યા છે. આર્ટ સંબંધિત જે પણ કામ આવે છે એ મેં પૈસા માટે નથી કર્યું, મારું મન રાજી રહે છે એ વિચારીને મેં ક્યારેય કોઈને ના પાડી નથી. બધાને જ તેમને જોઈએ એ હિસાબે કામ કરી દેતી હોઉં છું.’
આર્ટ-ક્લાસની જર્ની
નવરાત્રિ માટે કસ્ટમાઇઝ્ડ કેડિયા અને સાફાની સાથે જ આર્ટ-ટીચર તરીકેની જર્ની શરૂ થઈ હતી. તેઓ પ્લેસ્કૂલમાં જતાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સને ડ્રૉઇંગ અને પેઇન્ટિંગ શીખવે છે. પહેલાં તેમના મલાડમાં ત્રણથી ચાર ક્લાસ હતા અને બેથી ત્રણ સંસ્થામાં તેમણે આર્ટ-ટીચર તરીકે કામ પણ કર્યું હતું, પણ કોરોનાકાળથી તેઓ ઘરે જ ક્લાસ લે છે અને લોકો હોંશે-હોંશે શીખવા પણ આવે છે. તેઓ ટીચર્સ ટ્રેઇનિંગ પ્રોગ્રામ સાથે પણ જોડાયેલાં હોવાથી શિક્ષકોને આર્ટની ટ્રેઇનિંગ આપે છે. તેમની જર્ની વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું પહેલાં ઘણા ક્લાસ ચલાવતી હતી અને મને આર્ટના પ્રોજેક્ટ્સ પણ મળતા હતા, પણ કોરોનાકાળ પછી મેં ક્લાસિસને બદલે ઑનલાઇન શીખવવાનું શરૂ કર્યું તો એની માગ વધી ગઈ. અત્યારે હું મારા ઘરે પણ ક્લાસ લઉં છું અને સાથે લંડન, UK, USA અને આફ્રિકાના વિદ્યાર્થીઓને ડ્રૉઇંગ અને ક્રાફ્ટ શીખવું છું. એમાં હું કલરિંગ અને શેડિંગ કેવી રીતે આપવું એના પર પણ ભાર મૂકું છું. મારા ક્લાસમાં એક આન્ટી આવતાં હતાં તેમને મોરારીબાપુ માટે શાલ પેઇન્ટ કરવી હતી તો મેં તેમને શીખવ્યું તો ખુશ-ખુશ થઈ ગયાં. તેમણે પોતાના હાથેથી જેઠ માટે પરંપરાગત હાથથી બનાવેલી ચિત્રકળા એટલે કે પિછવાઈ તૈયાર કરી. આ સાથે હું વૉલ-પેઇન્ટિંગ પણ કરું. મેં ઘર અને ક્લિનિકનાં ઘણાં વૉલ-પેઇન્ટિંગ પ્રોજેક્ટ કર્યા છે. ગ્લાસ-પેઇન્ટિંગ પણ કરું છું. આ વખતે મેં મારા ઘરે માતાજીની માંડવી બનાવી છે. એમ દર વર્ષે હું સમય મળે એ હિસાબે અલગ-અલગ ક્રીએટિવિટી કરતી હોઉં છું. મારી આ સફરમાં મારા પતિ હિતેશ અને સાસુ મંજુલાબહેનનો બહુ જ સહકાર રહ્યો છે. ક્યારેક કોઈ પ્રોજેક્ટ આવે અને અર્જન્ટ કરી આપવાનો હોય તો ક્યારેય ફરિયાદ નથી કરી, હંમેશાં મને સાથ આપ્યો છે અને મારી ક્રીએટિવિટીનું માન રાખ્યું છે.’
કોમલબહેનને બે સંતાન છે. દીકરો પિનાક USAમાં જૉબ કરે છે અને દીકરી ત્યાં ભણવા ગઈ છે.


