જૈન ધર્મનું કલ્પસૂત્ર જગતમાં સૌથી પહેલાં જો ક્યાંય રજૂ થયું હોય તો એ વડનગર હતું, તો બૌદ્ધ ધર્મે પોતાનો ફેલાવો પણ જે જગ્યાએથી કર્યો એ જગ્યા વડનગર હતી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
વડનગર એવું જ શહેર છે જે આર્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે. વડનગર એવું જ શહેર છે જે ભારતીય પરંપરાને સર્વોચ્ચ રીતે રજૂ કરે છે. જૈન ધર્મનું કલ્પસૂત્ર જગતમાં સૌથી પહેલાં જો ક્યાંય રજૂ થયું હોય તો એ વડનગર હતું, તો બૌદ્ધ ધર્મે પોતાનો ફેલાવો પણ જે જગ્યાએથી કર્યો એ જગ્યા વડનગર હતી.
ડિસ્કવરી પ્લસ પર ગયા બુધવારે એક ડૉક્યુમેન્ટરી રિલીઝ થઈ, ટાઇટલ છે એનું ‘અનંત અનાદિ વડનગર’. હા, એ જ વડનગર જે આપણા ફેવરિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ, વતન છે. આજે પણ તેમનું ઘર વડનગરમાં છે, પણ ડૉક્યુમેન્ટરીનો પૉઇન્ટ-ઑફ-વ્યુ એ નથી. બે એપિસોડની આ ડૉક્યુમેન્ટરીની સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ કે આપણા દેશની સંસ્કૃતિમાં ગુજરાતનું આ એક નાનકડું ગામ કેટલું મોટું પ્રદાન ધરાવતી હતી એની વાત અહીં કરવામાં આવી છે. એ ડૉક્યુમેન્ટરી જોતી વખતે મને સતત અફસોસ થતો હતો કે આ કામ વૉર્નર બ્રધર્સ અને ડિસ્ક્વરી પ્લસ જેવા ફૉરેનના જાયન્ટ્સ કરી જાય અને આપણે એમ જ બેસી રહીએ, જોતા રહીએ અને પછી સ્ટ્રેસ લઈએ કે ફૉરેન કંપનીઓ આવું કામ કરી જાય છે, આપણે એ નથી કરી શકતા. ઍનીવેઝ, એ અફસોસની સાથોસાથ સારી વાત જો કોઈ હોય તો એ કે જે મલ્ટિનૅશનલ કંપની પાસે બજેટનો તોટો નથી એ કંપનીઓને પણ હવે ઇન્ડિયા અને એમાં પણ ગુજરાતની કોઈ સિટી પર ડૉક્યુમેન્ટરી બનાવવાનું મન થાય છે અને એ મન પણ શું કામ થાય છે?
ADVERTISEMENT
આર્ય સંસ્કૃતિ સાથે એ શહેરને સીધો સંબંધ છે એટલે. કેટલી સરસ વાત, કેવી સરસ વાત અને કેવી અદ્ભુત રજૂઆત.
એક જ સીટિંગમાં પૂરી કરેલી ‘અનંત અનાદિ વડનગર’ ડૉક્યુમેન્ટરીની શરૂઆતની બે જ મિનિટમાં તમે એની સાથે કનેક્ટ થઈ જાઓ છો. કનેક્ટ પણ થાઓ છો અને સાથોસાથ તમે એ યાત્રામાં જૉઇન પણ થઈ જાઓ છો. યાત્રામાં જૉઇન કરવાનું કામ જે સૂત્રધાર છે એ અદ્ભુત રીતે કરે છે. ‘અનંત અનાદિ વડનગર’ની ડૉક્યુમેન્ટરીમાં સૂત્રધાર તરીકે મનોજ મુન્તસિર શુક્લ છે. મનોજ સરને તમે ઓળખી ગયા હશો એવું હું વિનાસંકોચ ધારી લઉં છું અને ધારો કે તમે તેમને ઓળખી ન શક્યા હો તો તમે અહીંથી જ વાંચતા અટકી જાઓ તો પણ મને કોઈ ફરક નથી પડતો. ‘બાહુબલી’, ‘આદિપુરુષ’ અને ‘કેસરી’ માટે અદ્ભુત ગીતો લખનારા અને દેશદાઝથી ભારોભાર છલકાતા મનોજ સરે આ આખી ડૉક્યુમેન્ટરી નરેટ કરી છે અને એ નરેશન એ સ્તરે અદ્ભુત થયું છે કે તમને એવું જ લાગે કે તમે ઇતિહાસની એ જર્નીમાં તેમની સાથે છો.
‘અનંત અનાદિ વડનગર’ માટે કંઈ પણ કહું એ ઓછું છે. કારણ કે એ ડૉક્યુમેન્ટરી તમે એક વાર જોશો તો તમને રિયલાઇઝ થશે કે બહુ સામાન્ય કહેવાય એવું વડનગર એક સમયે કેવું અદ્ભુત શહેર હતું. એક આખું ગામ ચારે તરફ પાણીથી ઘેરાયેલું હોય અને એવું કરવા પાછળ પણ બહુ સરસ કારણ હોય. આ વાત તમને આ ડૉક્યુમેન્ટરી દ્વારા ખબર પડે છે અને એ પણ ખબર પડે છે કે વડનગર અન્ડર-રેટેડ રહી ગયું છે. આપણે મોહેંજો દારો અને તક્ષશિલાની વાતો કરતા રહ્યા, પણ આપણે ક્યારેય એ વાતનો વિચાર કર્યો જ નહીં કે આર્ય સંસ્કૃતિ માત્ર અમુક વિસ્તારમાં જ નહોતી, એ હિન્દુસ્તાનના એવા ભાગોમાં પણ હતી જે ભાગોને દુનિયાએ વીસરાવી દીધા છે.
વડનગર એવું જ શહેર છે જે આર્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે. વડનગર એવું જ શહેર છે જે ભારતીય પરંપરાને સર્વોચ્ચ રીતે રજૂ કરે છે. જૈન ધર્મનું કલ્પસૂત્ર જગતમાં સૌથી પહેલાં જો ક્યાંય રજૂ થયું હોય તો એ વડનગર હતું, તો બૌદ્ધ ધર્મે પોતાનો ફેલાવો પણ જે જગ્યાએથી કર્યો એ જગ્યા વડનગર હતી. તમે માનશો નહીં, પણ એક સમય હતો કે વડનગર પર શાસન કરવા માટે મોગલ અને અફઘાન રાજવીઓ તલપાપડ રહેતા. આ વાત તમને આમ ખબર ન પડે, પણ જો તમે એ ‘અનંત અનાદિ વડનગર’ જુઓ તો સમજાય.
થોડા સમય પહેલાં આ ડૉક્યુમેન્ટરી બાબતમાં મનોજ મુન્તસિર સર સાથે વાત થઈ ત્યારે તેમણે એક વાત બહુ સરસ કહી. તેમણે કહ્યું કે દેશના ઇતિહાસને જે સર્વોચ્ચ રીતે રજૂ કરે એ બધાં જ શહેરો પર આપણે ત્યાં ડૉક્યુમેન્ટરી બનવી જોઈએ, જેથી દુનિયાને ખબર પડે કે સંસ્કૃતિની બાબતમાં આપણે સમગ્ર વિશ્વ કરતાં ક્યાંય ચડિયાતા અને તેમનાથી આગળ છીએ. વાત ખોટી પણ નથી. વડનગરને આપણે આજ સુધી માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે જોતા હતા, પણ એ આપણી સોચ હતી, આપણી સમજ હતી. વડનગર એનાથી ક્યાંય આગળ અને ક્યાંય ઊંડું હતું, છે અને રહેશે.
મારું માનજો, એક વખત, માત્ર એક વખત ફૅમિલી સાથે બેસીને ‘અનંત અનાદિ વડનગર’ જોજો. જોશો તો તમને ગુજરાતી હોવાનો ગર્વ પણ થશે અને સાથોસાથ એ વાતનો પણ ગર્વ થશે કે આજે વૉર્નર બ્રધર્સ અને ડિસ્ક્વરી પ્લસ સ્તરનાં જૉઇન્ટ પ્રોડક્શન હાઉસ અને ઓટીટી પ્લૅટફૉર્મ તમારા ગુજરાતને ઉજાગર કરે છે.
એક વાર જુઓ, આજે જ જુઓ.
તમને તમારા ગુજરાતીત્વના સોગંદ.

