દારૂડિયા પતિના ત્રાસથી પિયરમાં આવીને રહેતી મહિલા બાળકીઓનું ધ્યાન નહોતી રાખી શકતી એટલે ફ્રસ્ટ્રેશનમાં તેણે આવું પગલું ભર્યું
સંધ્યાએ પોતાની ત્રણ સગીર દીકરીઓનો જીવ લીધો
શહાપુરમાં ત્રણ દીકરીઓને દાળભાતમાં પેસ્ટિસાઇડ આપીને મોતને ઘાટ ઉતારનાર મમ્મીની ધરપકડ કરવામાં આવી છે. સંધ્યા બેરે નામની આ મહિલા દારૂડિયા પતિને છોડીને બાળકો સાથે પોતાના પિયરમાં રહેતી હતી. તેમની સંભાળ ન લઈ શકતાં સંધ્યાએ પોતાની ત્રણ સગીર દીકરીઓનો જીવ લીધો હોવાનું પોલીસ-તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે અગાઉ બાળકીઓને ફૂડ-પૉઇઝનિંગ હોવાની શંકા વ્યક્ત કરી હતી અને આ મામલામાં તેની મમ્મીની ભૂમિકા શંકાસ્પદ લાગતાં તેની અટકાયત કરી હતી. ૨૦ જુલાઈના રોજ શહાપુરના અસ્લોલી ગામમાં બનેલા આ બનાવમાં ૧૦-૮-૫ વર્ષની ત્રણ બાળકીઓને દાળભાતમાં પેસ્ટિસાઇડ મિક્સ કરીને આપી દેવાયું હતું. ત્યાર બાદ તેમને ઊલટી થવા લાગી અને તબિયત વધુ બગડતાં બે બાળકીઓને મુંબઈ અને એક બાળકીને નાશિકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બે બાળકીઓએ ૨૪ જુલાઈએ અને એક બાળકીએ ૨૫ જુલાઈએ જીવ ગુમાવ્યો હતો. શનિવારે રાતે બાળકીઓના ઑટૉપ્સી રિપોર્ટમાં તેમના શરીરમાં ઝેર હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે શનિવારે રાતે બે વાગ્યે બાળકીઓની મમ્મીની ધરપકડ કરી હતી.


