સંજય ગોરડિયાએ એક લાઇવમાં આ વાત કહીને ગુજરાતી ફિલ્મોના તમામ પ્રોડ્યુસરને સમજાવ્યું કે સપોર્ટ આપવા જેવી ફાલતુ વાત કરવાને બદલે બિઝનેસમૅન બનીને આખી વાત વિચારો
પ્રતીકાત્મક તસવીર
સંજય ગોરડિયા ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયા હતા, આમ તો તેઓ આ બધા સોશ્યલ મીડિયાથી દૂર રહેનાર વ્યક્તિ. એક ખૂણામાં બેસીને ચૂપચાપ બધું જોયા કરે એ પ્રકારનો તેમનો સ્વભાવ, પણ ગઈ કાલે ખાસ કારણ હતું એટલે તેઓ લાઇવ થયા હતા. તેમની નવી ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ના પ્રમોશન માટે તેઓ આવ્યા હતા. આપણે એ ફિલ્મની અહીં કોઈ વાત નથી કરવી, પણ એ લાઇવના અંત ભાગમાં તેમને પુછાયેલા એક સવાલ અને તેમણે આપેલા જવાબની આપણે વાત કરવી છે.
સંજય સરને પુછાયું કે તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવા માટે લોકોએ ગુજરાતી ફિલ્મો જોવા જવું જોઈએ અને તરત જ સંજય સરે તેમને રોકીને કહ્યું, ના, જરા પણ નહીં. સપોર્ટ-બપોર્ટ શું છે વળી? હું નથી માનતો એ બધામાં કે ગુજરાતી ભાષા બચાવવા કે પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બચાવવા તમે આવો. ના, જરા પણ નહીં. એવું હું માનતો જ નથી. સંજય સરની આગળની વાત તો એનાથી પણ વધારે એક્સલન્ટ હતી. તેમણે લાઇવમાં જ કહ્યું કે આપણે ગુજરાતી વેપારી પ્રજા છીએ તો નૅચરલી આપણે વળતરની અપેક્ષા રાખીએ, એટલે જો મેકર્સ ગુજરાતી ફિલ્મ દ્વારા ઑડિયન્સને વળતર આપવાનું કામ કરશે તો ઑડિયન્સને બોલાવવા પણ નહીં જવી પડે, તે આવશે જ આવશે. એ પછી તેમણે એમ પણ કહ્યું કે મેં મારી ફિલ્મમાં એ જ ધ્યાન રાખ્યું છે કે ઑડિયન્સ જે પૈસા ખર્ચે એનું તેને વળતર મળે અને એ ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’માં હું તેમને આપીશ એટલે તે ફિલ્મ જોવા આવે.
ADVERTISEMENT
વળતર, તમે જો વળતર આપશો તો ઑડિયન્સ ફિલ્મ જોવા આવશે જ આવશે.
ખરેખર એકદમ સાચી વાત.
તમે દરેક વખતે એવું કેમ કહી શકો કે ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી ભાષાને બચાવો અને તમારો સહયોગ આપો. ના, જરા પણ જરૂરી નથી કે ઑડિયન્સ (અને રીડર પણ) સેવા કરવા આવે અને સેવાભાવી બનીને એ ગુજરાતી ફિલ્મોને બચાવે. તમારો આ બિઝનેસ છે અને જ્યારે વાત બિઝનેસની હોય ત્યારે તમારે તમામ પ્રકારની નક્કર કૉમ્પિટિશનનો સામનો કરવો જ રહ્યો. જો હિન્દી ફિલ્મ સાથે તમારી ટક્કર હોય તો તમારે એ દિશામાં આગળ વધવું પડે અને તમારે એ જ સ્તરનું કન્ટેન્ટ આપવું પડે. તમારી ટિકિટના રેટ પણ એવા નથી કે તમે એવી અપેક્ષા રાખો કે ઑડિયન્સને તમે સસ્તા ભાવમાં ફિલ્મો દેખાડો છો. આજે મલ્ટિપ્લેક્સમાં જે પ્રકારની ટિકિટના રેટ છે એ જોતાં તમારે કન્ટેન્ટની બાબતમાં ક્લિયર ફાઇટ આપવી પડશે અને એ ફાઇટ આપતી વખતે દૂર-દૂર સુધી એવું એક્સપેક્ટેશન પણ નહીં રાખવાનું કે તમે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરો. તમે જ કહો, ગુજરાતી નાટકોએ ક્યારેય કહેવું પડ્યું કે અમને સપોર્ટ કરવા માટે થિયેટર સુધી આવો? ના, નથી કહ્યું અને એ કહેવાનું પણ નથી અને એ પછી પણ જુઓ તમે, જે નાટકો બેસ્ટ છે એ કયા સ્તરે ધૂમ મચાવે છે. સંજય સરનું નવું નાટક ‘બે અઢી ખીચડી કઢી’ શરૂ થયું એ વાતને હજી તો માંડ બે મહિના થયા હશે, પણ આ બે મહિનામાં એ નાટકના ૭૫થી વધારે શો થઈ ગયા. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકની જ્યારે પણ અનાઉન્સમેન્ટ આવે છે કે તરત જ ૨૪થી ૪૮ કલાકમાં થિયેટર ફુલ થઈ જાય છે અને મજાની વાત છે કે એ નાટકની ટિકિટના રેટ પણ કેવા હોય છે?
ગુજરાતી ફિલ્મની બેથી અઢી ટિકિટ લઈ શકો એ પ્રાઇસમાં ગુજરાતી નાટકની એક ટિકિટ આવે અને એમ છતાં એ પ્રોડ્યુસરે ક્યાંય કહેવું નથી પડતું કે પ્લીઝ અમને સપોર્ટ કરો. ના, સપોર્ટ હોય જ નહીં અને એ કરવાનો જ ન હોય. કારણ કે આ અન્નક્ષેત્ર નથી ચાલતું. અહીં વાત બિઝનેસની થાય છે અને બિઝનેસમાં તમારે ઇક્વલ લાભની વાત જ જોવાની હોય. જો તમે સારું આપશો તો તમારી પાસે ઑડિયન્સ આવશે. જો તમે નબળું આપશો તો ઑડિયન્સ તમારા સુધી નહીં પહોંચે. સિમ્પલ. હા, એક વાત છે કે જો તમારું ક્રીએશન સારું હોય તો પણ તમારે એનું માર્કેટિંગ કરવું પડશે. હમણાં જ મેં જોયું કે બેથી ત્રણ ગુજરાતી ફિલ્મો એવી રીતે રિલીઝ થઈ જાણે એને માર્કેટિંગની કોઈ જરૂર જ નથી. માર્કેટિંગનો આ સમય છે સર, તમારે લોકો સુધી પહોંચવું પડશે અને તમારે લોકોને જાણ કરવી પડશે કે અમે આવી પ્રોડક્ટ લાવ્યા છીએ. માર્કેટિંગ માટે સમય નહીં રાખો તો ઑડિયન્સને જાણ નહીં થાય અને જો ઑડિયન્સને જાણ નહીં થાય તો એ તમારા સુધી પહોંચશે નહીં. બહેતર છે કે પ્રોડ્યુસર ફિલ્મ બનાવ્યા પછી પોતાનું પણ રૂપ ચેન્જ કરે અને માર્કેટિંગ હેડ બનીને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે.


