મેલબર્નમાં સૌરભ આનંદ પર પાંચ કિશોરોએ છરીથી હુમલો કર્યો, તેનો ડાબો હાથ આૅલમોસ્ટ કપાઈ ગયો
સૌરભ આનંદ
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના અલ્ટોના મેડોઝમાં કિશોરોના એક જૂથ દ્વારા શનિવારે ૧૯ જુલાઈએ સાંજે ૭.૩૦ વાગ્યે ૩૩ વર્ષના ભારતીય સૌરભ આનંદ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૌરભ આનંદ સેન્ટ્રલ સ્ક્વેર શૉપિંગ સેન્ટરમાં એક ફાર્મસીમાંથી દવાઓ ખરીદીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંચ કિશોરોએ તેના પર હુમલો કર્યો હતો.
એક અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પર આવો બીજો હિંસક હુમલો છે. ૨૩ જુલાઈએ ઍડીલેડમાં કારપાર્કિંગ બાબતે ૨૩ વર્ષના ચરણપ્રીત સિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે બેભાન થઈ ગયો હતો.
ADVERTISEMENT
સૌરભ આનંદ ફાર્મસીમાંથી નીકળીને ફોન પર વાત કરતો હતો ત્યારે તેણે તેની બાજુમાં હલનચલન જોઈ હતી. એક છોકરાએ તેનાં ખિસ્સાં શોધવાનું શરૂ કર્યું હતું, જ્યારે બીજા છોકરાએ તેના માથામાં મુક્કો માર્યો હતો અને તે પડી ગયો હતો. ત્રીજા હુમલાખોરે છરી કાઢીને તેના ગળા પર પકડી રાખી હતી.
આ હુમલા વિશે સૌરભ આનંદે કહ્યું હતું કે ‘હું ફક્ત બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ ત્યાં અટક્યા નહીં. જ્યારે હું મારી જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે છરી મારા કાંડામાંથી પસાર થઈ ગઈ. મને ફક્ત દુખાવો જ યાદ છે અને મારો હાથ લટકી રહ્યો હતો.’
સૌરભ આનંદને ગંભીર ઈજાઓ થઈ હતી. એમાં ફ્રૅક્ચર; કરોડરજ્જુ, ખભા અને પીઠ પર ઊંડા ઘા; હાથમાં તૂટેલાં હાડકાં અને માથામાં ઈજાનો સમાવેશ થાય છે. ગંભીર ઈજાગ્રસ્ત અને લોહી વહેતું હોવા છતાં તેણે શૉપિંગ સેન્ટરની બહાર મદદ માટે બૂમો પાડી હતી.
બાજુમાં રહેલા લોકો તેની મદદ માટે આવ્યા હતા અને ઇમર્જન્સી સર્વિસને ફોન કર્યો હતો. તેને ગંભીર હાલતમાં રૉયલ મેલબર્ન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં ડૉક્ટરોને ડર હતો કે તેનો ડાબો હાથ કાપી નાખવો પડશે. જોકે કલાકોની સર્જરી પછી, જેમાં તેના કાંડા અને હાથમાં સ્ક્રૂ નાખવાનો સમાવેશ થતો હતો, સર્જ્યનો એને સફળતાપૂર્વક ફરીથી જોડી શક્યા હતા.


