ગયા જન્મમાં તેઓ હિમાલયમાં યોગીનું જીવન જીવી ચૂક્યા છે એવું જાણ્યા પછી ૪૧ વર્ષના હોશી તાકાયુકી હવે ઉત્તરાખંડમાં પોતાનું જૂનું ગામ શોધી રહ્યા છે : હવે બાલ કુંભ ગુરુમુનિના નામે ઓળખાતા હોશી તાકાયુકીએ પૉન્ડિચેરીમાં ભવ્ય શિવ મંદિર બનાવવા ૩૫ એકર જમીન ખરીદી
૪૧ વર્ષના હોશી તાકાયુકી
ગયા જન્મમાં તેઓ હિમાલયમાં યોગીનું જીવન જીવી ચૂક્યા છે એવું જાણ્યા પછી ૪૧ વર્ષના હોશી તાકાયુકી હવે ઉત્તરાખંડમાં પોતાનું જૂનું ગામ શોધી રહ્યા છે : હવે બાલ કુંભ ગુરુમુનિના નામે ઓળખાતા હોશી તાકાયુકીએ પૉન્ડિચેરીમાં ભવ્ય શિવ મંદિર બનાવવા ૩૫ એકર જમીન ખરીદી છે : ૨૦ અનુયાયીઓ સાથે આ વખતે કાવડયાત્રામાં ભાગ લીધો
ભારતની સંસ્કૃતિ અને ભારતના ધર્મો પ્રત્યે વિદેશીઓ મોટી સંખ્યામાં આકર્ષાય છે. કુંભમેળા દરમિયાન અનેક વિદેશી સંન્યાસીઓ જોવા મળતા હતા એમ પૂરી થયેલી કાવડયાત્રામાં જપાનના અબજોપતિ ઉદ્યોગપતિ હોશી તાકાયુકી અલગ તરી આવ્યા. તેઓ સંન્યાસીના વેશમાં તેમના ૨૦ અનુયાયીઓની ટુકડી સાથે કાવડયાત્રા કરવા અને કાવડિયાની સેવા કરવા ભારત આવ્યા હતા. તેમની ટીમે દેહરાદૂનમાં છાવણી નાખીને કાવડયાત્રીઓને વિનામૂલ્ય ભોજન આપીને તેમની સેવા કરી રહી હતી.
ADVERTISEMENT

૪૧ વર્ષના હોશી તાકાયુકીને નિરંજની અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવશે એવી જાહેરાત નિરંજની અખાડાના મહંત રવીન્દ્ર પુરીએ કરી હતી. હોશી તાકાયુકીના લાંબા સમયના મિત્ર અને જપાનસ્થિત ભારતીય સલાહકાર રમેશ સુંદરિયાલના જણાવ્યા અનુસાર તાકાયુકી ઉત્તરાખંડમાં એક આશ્રમ સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે અને તેમણે પૉન્ડિચેરીમાં એક ભવ્ય શિવ મંદિર બનાવવા માટે ૩૫ એકર જમીન ખરીદી છે. આજની તારીખમાં તેમણે તેમના ટોક્યોના ઘરને પૂર્ણ શિવ મંદિરમાં પરિવર્તિત કર્યું છે અને બીજું મંદિર પણ બનાવ્યું છે. હવે તેઓ તેમના મૂળ નામ હોશી તાકાયુકીના બદલે તેમના ગુરુ દ્વારા આપવામાં આવેલા આધ્યાત્મિક નામ બાલ કુંભ ગુરુમુનિથી ઓળખાય છે.
૪૧ વર્ષના હોશી તાકાયુકી એક સમયે જપાનમાં બ્યુટી-પ્રોડક્ટ્સના ૧૫ સ્ટોરની સફળ ચેઇન ચલાવતા હતા. આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં જ્યારે હોશી તાકાયુકીએ તામિલનાડુની મુલાકાત લીધી ત્યારે ત્યાં તાડનાં પાંદડાંઓ પર આધારિત પ્રાચીન નાડી જ્યોતિષનો કૅમ્પ યોજાયો હતો. નાડી જ્યોતિષના નિષ્ણાતે તેમનો ભૂતકાળ વાંચીને કહ્યું કે તેઓ ગયા જન્મમાં હિમાલયમાં યોગીનું જીવન જીવી ચૂક્યા છે અને હિન્દુ આધ્યાત્મિકતાને અનુસરવાનું તેમના જીવનનું લક્ષ્ય બનવાનું છે. હોશીએ આ વાત બહુ ગંભીરતાથી ન લીધી અને તેઓ ટોક્યો પાછા ફર્યા. થોડા દિવસ પછી તેમને એક સપનું આવ્યું જેમાં તેમણે પોતાની જાતને પાછલા જન્મમાં ઉત્તરાખંડમાં હિમાલયનાં બર્ફીલાં શિખરો વચ્ચે સાધના કરતી જોઈ હતી. તેમને ખાતરી થઈ ગઈ કે તેમનું ભવિષ્ય ભારત સાથે જોડાયેલું છે. હોશી તાકાયુકીએ પોતાનો ધંધો ભાગીદારોને સોંપી દીધો અને પોતાની પાછલા જન્મની સાધનાને આગળ વધારવા તેઓ ભારત પાછા ફર્યા. હવે તેઓ ભગવાન શિવ પ્રત્યેના પ્રેમને ફેલાવવા માટે જપાન અને ભારત વચ્ચે મુસાફરી કરે છે. હોશી કહે છે કે મને દેવભૂમિ ઉત્તરાખંડ સાથે ઊંડું જોડાણ હોવાનું લાગે છે, હું હજી પણ ટેકરીઓમાં મારા જૂના ગામને શોધી રહ્યો છું.
હોશી તાકાયુકી તેમના ૨૦ સમર્પિત અનુયાયીઓ સાથે સનાતન ધર્મના ઉપદેશોનો ફેલાવો કરવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે. તેમણે તેમના જપાની શિષ્યો સાથે ઉત્તરાખંડની યાત્રા દરમિયાન વિવિધ પ્રાચીન મંદિરોની ઘણી વખત મુલાકાત લીધી છે. તેમના અનુયાયીઓ હિન્દુ મંત્રોનાં ઉચ્ચારણો સારી રીતે કરી શકે છે. તેઓ ઊંડા વિશ્વાસ સાથે આધ્યાત્મિક પુનરુત્થાન માટેના તેમના મિશનને સમર્થન આપે છે.
હોશી તાકાયુકીને પોતાના પાછલા જન્મનું જ્ઞાન જે નાડી જ્યોતિષના આધારે થયું એ ભારતની પ્રાચીન વિદ્યા છે. જેમ ઉત્તર ભારતમાં ભૃગુ સંહિતા, રાવણ સંહિતા અથવા અરુણ સંહિતા જેવા ગ્રંથો છે જે વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની આગાહી કરે છે એવી જ રીતે દક્ષિણ ભારતમાં નાડી ગ્રંથો લોકપ્રિય છે. નાડી ગ્રંથો અગસ્ત્ય નાડી, શિવ નાડી, વશિષ્ઠ નાડી, ધ્રુવ નાડી, ભૃગુ-નંદી નાડી, શુક્ર નાડી, સપ્તર્ષિ નાડી, ભુજંદર નાડી, ચંદ્ર-કલા નાડી વગેરે જેવા ઋષિઓ અથવા દેવતાઓનાં નામો પર લખવામાં આવ્યા છે. આ નાડી ગ્રંથોમાં માણસના ભૂતકાળ અને ભવિષ્યનો હિસાબ લખવામાં આવ્યો છે. નાડી ગ્રંથોના આધારે આગાહી કરનારાઓ તમારા અંગૂઠાની છાપના આધારે તાડપત્ર શોધે છે અને તમારું નામ, માતાપિતાનું નામ, માતાપિતા જીવંત છે કે નહીં, ભાઈ-બહેનોની સંખ્યા, લગ્ન અને બાળકો, નોકરી કે વ્યવસાય વગેરે વિશે સામાન્ય માહિતી જણાવે છે. આ સામાન્ય માહિતી પ્રાપ્ત થયા પછી વિગતવાર આગાહીઓ કરવામાં આવે છે. કેટલાક નાડી ગ્રંથોમાં વ્યક્તિની કુંડળી પરથી તેના સંબંધીઓની આગાહી કરવાનાં સૂત્રો પણ આપવામાં આવ્યાં છે.
સંજય વોરા
feedbackgmd@mid-day.com


