પરિવાર-સમાજની સંપૂર્ણ સ્વીકૃતિ ન હોવા છતાં સ્ટૅન્ડઅપ કૉમેડી અને ધારદાર કટાક્ષ દ્વારા પોતાના વિચારોને બેધડક રજૂ કરતી ગિરગામની દેવાંશી શાહ જીવનને પોતાની શરતે જીવવા માગે છે. આ સામા પ્રવાહની સફરમાં તેને મમ્મીનો સાથ કઈ રીતે મળ્યો એની સફર જાણવા જેવી છે
દેવાંશી શાહ અને ભક્તિ શાહ
એક બહુ જ ફેમસ કહેવત છે કે આપણી સાથે થાય તો ટ્રૅજેડી અને કોઈ બીજા સાથે થાય તો કૉમેડી. એટલે કોઈ બીજાની વહુ કે દીકરી સ્ટેજ પર કૉમેડી કરતી હોય તો આપણે હસી શકીએ પરંતુ આપણા પરિવારની જ દીકરી સ્ટેજ પર જોક્સ કહેતી હોય અને એમાં પણ અમુક સેન્સર્ડ શબ્દો બોલતી હોય તો આપણા ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ જાય. દેવાંશી શાહ સાથે આવું થાય છે. ગિરગામમાં રહેતી ૩૦ વર્ષની દેવાંશી કૉમેડી લખે છે, પર્ફોર્મ કરે છે; ટીવી-શો, વેબ-સિરીઝ અને ગુજરાતી ફિલ્મ માટે પણ લખે છે. આ ગુજરાતી ગર્લ ગજબની કૉમેડી-રાઇટર, યુટ્યુબર, રીલ-મેકર અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન છે. તેની વાત કરવાની છટા રમૂજી છે, પણ જો હસતી ન હોય તો એ બધી વાત સમાજ માટે ધારદાર કટાક્ષ છે. દેવાંશીએ નાનપણથી કરેલાં નિરીક્ષણોને કેવી રીતે કૉમેડીમાં તબદીલ કર્યાં એ રસપ્રદ છે. તેની આ સફરમાં બનેલા કિસ્સાઓમાં સૌથી વધારે રસપ્રદ કિસ્સો એ છે કે તેણે કેવી રીતે પોતાની મમ્મીને સ્ટેજ પર પોતાની કૉમેડીમાં સામેલ કરી.



