લગ્નના ૧૮ મહિનામાં છૂટાછેડા લેનારી મહિલાએ ભરણપોષણ તરીકે ૧૨ કરોડ રૂપિયા, BMW કાર, મુંબઈમાં ઘર માગ્યું તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સંભળાવ્યું...
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ
લગ્નના ૧૮ મહિનાની અંદર પતિથી અલગ થયા બાદ એક મહિલાએ મુંબઈમાં ફ્લૅટ, BMW કાર અને ભરણપોષણ તરીકે ૧૨ કરોડ રૂપિયાની માગણી કરી હોવાથી ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ આ મહિલાને ઠપકો આપતાં કહ્યું કે ‘આપ ઇતની પઢી લિખી હૈં, આપકો ખુદકો માંગના નહીં ચાહિએ ઔર ખુદકો કમાકે ખાના ચાહિએ.’
મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન રદ કરવાની માગણી મારા પતિએ કરી છે અને તે મને સ્કિઝોફ્રેનિક કહે છે.
ADVERTISEMENT
આ કેસની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘તમે એક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ફીલ્ડના વ્યક્તિ છો. તમે માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA )કર્યું છે. બૅન્ગલોર કે હૈદરાબાદમાં તમારી ઘણી ડિમાન્ડ છે. તમે કેમ કામ નથી કરતાં? તમારાં લગ્નને ફક્ત ૧૮ મહિના થયા છે અને હવે તમને BMW કાર પણ જોઈએ છે?’
આ મુદ્દે મહિલાએ કહ્યું હતું કે મારો પતિ ખૂબ જ ધનવાન છે, છૂટાછેડા તેને જોઈએ છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘કાં તો તમને તમામ બોજથી મુક્ત ફ્લૅટ મળે અથવા કંઈ નહીં, જ્યારે તમે ઉચ્ચ શિક્ષિત હો અને તમારી પોતાની મરજીથી કામ ન કરવાનું નક્કી કરો.’


