૧૧ વર્ષથી ઑક્યુપેશન સર્ટિફિકેટ વગર રહે છે ૧૭થી ૩૪ માળના રહેવાસીઓ : બૉમ્બે હાઈ કોર્ટે ખખડાવીને કહ્યું કે ગેરકાયદે કરાયેલા કામને જો કાયદેસરનું કરવા કાયદાનો ઉપયોગ કરાશે તો એ નહીં ચલાવી લેવાય
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને આરિફ ડૉક્ટરે તાડદેવની ૩૪ માળની ઉપરના ૧૭થી લઈને ૩૪મા માળના રહેવાસીઓને તેમની જગ્યા બે જ અઠવાડિયાંમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ‘૧૬ માળ સુધીનું જ ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવામાં આવ્યું છે. એની ઉપરના માળ ગેરકાયદે ઑક્યુપાય કરાયા છે. તેમની પાસે OC પણ નથી અને ફાયરનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ નથી. એમ છતાં છેલ્લાં ૧૧ વર્ષથી એમાં વસવાટ થઈ રહ્યો છે. જો ગેરકાયદે કામને કાયદેસર કરવા કાયદાનો જ સહારો લેવામાં આવશે તો એ નહીં ચલાવી લેવાય. એ ૧૮ માળ બે અઠવાડિયાંમાં ખાલી કરો.’
ઇમારતના ૧૬ માળને જ OC અપાયું છે, છતાં ઉપરના ૧૮ માળામાં લોકો રહે છે. આ માટે તેમને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા અવારનવાર નોટિસ પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ બાબતે સોસાયટીના મેમ્બર સુનીલ બી. ઝવેરી (HUF), એ ઉપરાંત સોસાયટી દ્વારા અને કેટલાક ફ્લૅટ ખરીદદારોએ એ કન્સ્ટ્રક્શન કાયદેસરનું કરાવવા સમય માગતી અલગ-અલગ અરજી દાખલ કરી છે.
સોસાયટી તરફથી રજૂઆત કરતા સિનિયર ઍડ્વોકેટ દિન્યાર મદને કહ્યું હતું કે ‘ઉપરના માળના રહેવાસીઓને એક વર્ષનો સમય આપવામાં આવે. આ સમય દરમ્યાન તેઓ તેમના ફ્લૅટમાં કરાયેલા
મોડિફિકેશન કે ફેરફાર BMCની જરૂરિયાત પ્રમાણે કરાવી લેશે.’
કોર્ટે તેમની રજૂઆતને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘આવી અરજી કરવા બદલ તમારી હિંમતને દાદ દેવી ઘટે. જો આવું થશે તો એ સંપૂર્ણપણે કાયદા વગરનું ગણાશે. અમે જે રીતે પ્રૉપર્ટીની વિગતો સાથે ડીલ કરીએ છીએ એમાં તો આ કોઈ રીતે ન ચલાવી લેવાય. વળી આ ગેરકાયદે કૃત્ય જાણકાર ન હોય એવા સાદા, ગરીબ કે અભણ નાગરિકોએ નથી કર્યું, પણ જે સમાજનો શ્રીમંત વર્ગ છે તેમણે કર્યું છે. આ લોકોએ તેમના પર કાર્યવાહી ન થાય એ માટે કાયદાકીય કાર્યવાહીને જ અંતરાયરૂપ બનાવી દીધી.’
એ પછી જ્યારે રહેવાસીઓએ માનવતાના ધોરણે તેમને રહેવા દેવામાં આવે એવી દલીલ કરી ત્યારે કોર્ટે કહ્યું હતું કે ‘આ ફ્લૅટધારકો બહુ જ સ્વાર્થી છે. તેમને જાણ હતી છતાં ખુલ્લી આંખે નિયમોનો ભંગ થતો હોવા છતાં એને કાયદેસરનું ઠેરવવા પ્રયાસ કર્યો અને એથી એ કાયદાથી વિપરીત છે, એ મંજૂર ન કરાય.’


