ડૉક્ટરને મળવા માટે રાહ જોવાનું કહ્યું એટલે ઉશ્કેરાયો, ચાર દિવસ પહેલાં જ જામીન પર છૂટીને આવ્યો હતો, પોલીસે તેને પાછો પકડી લીધો
રિસેપ્શનિસ્ટને મારતો ગોકુલ ઝા
કલ્યાણના નાંદિવલીમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરને બતાવવા આવેલા દરદીના સગાએ રિસેપ્શનિસ્ટ સાથે મારઝૂડ કરી હોવાનો બનાવ બન્યો હતો. ડૉક્ટર બિઝી હોવાને લીધે દરદીને રાહ જોવાનું કહેવામાં આવતાં રિસેપ્શનિસ્ટ અને આરોપી વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર બાદ રોષે ભરાયેલા દરદીએ રિસેપ્શનિસ્ટને છાતીમાં લાતો મારીને તેને નીચે પટકીને માર્યું હતું. પોલીસે આરોપી વિશે તપાસ કરતાં તે ચાર દિવસ અગાઉ જ જામીન પર બહાર આવ્યો હોવાનું જણાયું હતું. હાલમાં આરોપીને શોધવા માટે પોલીસની ત્રણ ટીમ કાર્યરત થઈ છે.
માનપાડા પોલીસે આપેલી માહિતી મુજબ શ્રી બાળ ચિકિત્સાલય નામના પ્રાઇવેટ ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી સોનાલી કાલાસરેએ આરોપીને કહ્યું હતું કે ડૉક્ટર મેડિકલ રીપ્રેઝન્ટેટિવ સાથે વાત કરી રહ્યા છે. એથી તેને બહાર રાહ જોવા કહ્યું હતું, પરંતુ નશાની હાલતમાં આરોપી જબરદસ્તી ડૉક્ટરની કૅબિનમાં ઘૂસવા જતો હતો ત્યારે રિસેપ્શનિસ્ટે તેને રોક્યો હતો. ગુસ્સે ભરાયેલા આરોપીએ રિસેપ્શનિસ્ટને મોઢા પર માર્યું હતું. નીચે પટકીને તેની છાતીમાં લાત મારી હતી અને તેને ખેંચીને બહાર લઈ જતાં તેનાં કપડાં સુધ્ધાં ફાડી નાખ્યાં હતાં.
ADVERTISEMENT
આસપાસ ઊભેલા લોકોએ યુવતીને છોડાવી હતી. તેને વધુ ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. તેની સારવાર કરતાં ડૉક્ટરે જણાવ્યું હતું કે યુવતીને માથામાં અને પાંસળીમાં ગંભીર ઈજા થઈ છે, આ રીતે જો મારપીટ વધુ કરી હોત તો યુવતીને લકવો થવાની શક્યતા વધી જાત.
યુવતીએ સોમવારે જ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. એમ છતાં આરોપી તેના ઘરની આસપાસ ફરતો પણ દેખાયો હતો. પોલીસ ગઈ કાલથી આરોપીને શોધી રહી છે. તપાસમાં જણાયું હતું કે ગોકુલ ઝા નામનો આરોપી ચાર દિવસ અગાઉ જ જામીન પર છૂટીને બહાર આવ્યો હતો. તેના પર બે ગુનાઓ બદલ કેસ ચાલી રહ્યો છે. આરોપી ડોમ્બિવલીનો રહેવાસી છે. મંગળવારે મોડી રાતે પોલીસે આરોપીના ભાઈ રણજિત ઝાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ ગોકુલને પણ ઝડપી લીધો હતો.
પીડિત મરાઠી છે અને આરોપી પરપ્રાંતીય હોવાને કારણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પોલીસને આરોપીને જલદી પકડવાનું દબાણ કર્યું હતું. સોમવારે સાંજે બનેલી આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં આરોપી ન મળે તો મરાઠી એકીકરણ સમિતિએ બુધવારે સાંજે માનપાડા પોલીસ-સ્ટેશન બહાર આંદોલન કરવાની ચીમકી આપી હતી.


