ગુજરાતી યુવકે ઓપન કરી એમાં તેનો મોબાઇલ હૅક થઈ ગયો અને ગઠિયાઓએ ૬,૮૫,૦૧૪ રૂપિયા તફડાવી લીધા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મીરા રોડ-ઈસ્ટના શાંતિવિહાર વિસ્તારમાં રહેતા અને બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૨૦ વર્ષના ગુજરાતી યુવકને વૉટ્સઍપ પર ટ્રાફિક પોલીસની ઈ-ચલાનની બનાવટી લિન્ક મોકલીને તેનો મોબાઇલ હૅક કરીને ગઠિયાઓએ ૬,૮૫,૦૧૪ રૂપિયા તફડાવી લીધા હોવાની ફરિયાદ BKC પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ૧૫ જુલાઈએ સાંજે બનેલી ઘટના બાદ વેપારીએ તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસને પૈસા રિકવર કરવામાં સફળતા પ્રાપ્ત થાય. આ ઘટના બાદ પોલીસે વૉટ્સઍપ પર આવતી કોઈ પણ લિન્કની પૂરેપૂરી માહિતી જાણ્યા વગર એ ઓપન ન કરવાની સલાહ આપી છે.
BKCના એક સિનિયર પોલીસ-અધિકારીએ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ યુવક BKCની એક નામાંકિત કંપનીમાં મોટી પોસ્ટ પર નોકરી કરે છે. ૧૫ જુલાઈએ તે જ્યારે ઑફિસમાં હતો ત્યારે તેને વૉટ્સઍપ પર ટ્રાફિક પોલીસના ઈ-ચલાનની લિન્ક મળી હતી જેના પર ક્લિક કરતાં એ મોબાઇલ આઇફોન કંપનીનો હોવાથી એ લિન્ક ખૂલી નહોતી. એ પછી યુવકે પોતાના બીજા મોબાઇલ પર એ લિન્ક ઓપન કરી હતી. ફોનમાં લિન્ક ઓપન થવાની સાથે એક OTP મળ્યો. એ OTP શૅર કરતાં તેના ખાતામાંથી બે ટ્રાન્ઝૅક્શનમાં ૬,૮૫,૦૧૪ રૂપિયા ઊપડી ગયા હતા. તેણે તાત્કાલિક સાઇબર હેલ્પલાઇન-નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવકના પૈસા પાછા મળી જાય એવી ૮૦ ટકા શક્યતા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે યુવકનો ફોન લિન્કના માધ્યમથી હૅક કરીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા.’


