ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની એશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે મનુ ભાકરે બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું.
એશા સિંહ અને મનુ ભાકર
ચીનના હાંગઝોઉમાં ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) દ્વારા રાઇફલ, પિસ્ટલ, શૉટગનનો શૂટિંગ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં મહિલાઓની પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાંથી ભારતની યંગ શૂટર એશા સિંહે ગોલ્ડ મેડલ અને ઑલિમ્પિક્સ મેડલ વિજેતા મનુ ભાકરે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
હૈદરાબાદની ૨૧ વર્ષની એશા સિંહે ૫૦માંથી ૪૦ પૉઇન્ટ મેળવ્યા હતા અને ચીનની સિલ્વર મેડલ જીતનાર હરીફથી ત્રણ પૉઇન્ટથી આગળ રહી હતી. હરિયાણાની મનુ ભાકરે ૨૮ પોઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
સિનિયર અને જુનિયર લેવલે એશા સિંહે પચીસમો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષે તેણે જર્મનીમાં આયોજિત વર્લ્ડ કપના બીજા તબક્કા દરમ્યાન પણ પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ઑલિમ્પિક્સ સિવાયનાં વર્ષોમાં શૂટિંગ વર્લ્ડ કપ ચાર તબક્કામાં રમાય છે અને વર્ષને અંતે દરેક તબક્કાના ટૉચના શૂટર્સ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ રમાય છે.
