અમેરિકાને ૭ વિકેટે હરાવી ગ્રુપ Aમાંથી સુપર-એઇટમાં ક્વૉલિફાય થનારી પ્રથમ ટીમ બની ભારત: ‘સ્ટૉપ ક્લૉક’ નિયમનો પહેલો શિકાર બની અમેરિકા, પાંચ રનની ‘પેનલ્ટી ગિફ્ટ’ મળી ભારતને
સૂર્યાકુમાર યાદવ
૨૦૦૭ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ભારત અમેરિકન ટીમને ૭ વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચનારી ગુપ Aની પ્રથમ ટીમ બની છે. ટૉસ હારીને અમેરિકાની ટીમે ૮ વિકેટના નુકસાન સાથે ૧૧૦ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે ૧૮.૨ ઓવરમાં ૧૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો જે ન્યુ યૉર્કના મેદાન પર ભારતીય ટીમને મળેલો સૌથી મોટો ટાર્ગેટ બન્યો. ભારત સામે ક્રિકેટના મેદાન પર પહેલી વખત રમનાર અમેરિકન ટીમ ઇન્જર્ડ ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલની ગેરહાજરીમાં T20 વર્લ્ડ કપમાં આ પહેલી વખત હારી હતી.
અર્શદીપ સિંહે ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી જે T20 વર્લ્ડ કપમાં ભારત માટે બેસ્ટ બોલિંગ સ્પેલ હતો. IPLમાં ફ્લોપ રહેલા વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આ મૅચમાં બે વિકેટ લઈને પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ જાળવી રાખ્યો છે.
ADVERTISEMENT
મુંબઈકર સૌરભ નેત્રાવળકરે ભારતીય ઓપનર્સને સસ્તામાં આઉટ કરીને પાકિસ્તાન જેવી સ્થિતિની યાદ અપાવી હતી, પણ બીજા મુંબઈકર સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે T20 ઇન્ટરનૅશનલમાં અઢારમી ફિફ્ટી ફટકારી હતી. તેણે બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૯ બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. જોકે આ સાથે જ તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્લોએસ્ટ ફિફ્ટી ફટકારનાર બૅટર બન્યો હતો.
આ વર્લ્ડ કપમાં પહેલી વખત ‘સ્ટૉપ ક્લૉક’ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેનો પહેલો શિકાર અમેરિકન ટીમ બની હતી અને એનો ફાયદો ભારતીય ટીમને થયો હતો. સોળમી ઓવરની શરૂઆતમાં જ્યારે ભારતને જીત માટે ૩૫ રનની જરૂર હતી ત્યારે અમ્પાયરે આ નિયમ અનુસાર ભારતને પાંચ રનની પેનલ્ટી ગિફ્ટ આપી હતી, કારણ કે અમેરિકાની ટીમે ઇનિંગ્સમાં ત્રણ વખત બે ઓવર વચ્ચે ૬૦ સેકન્ડથી વધુનો સમય લીધો હતો.
એક મુંબઈકરે બીજા મુંબઈકરનો કૅચ પકડ્યો હોત તો મૅચનું રિઝલ્ટ નક્કી બદલાઈ ગયું હોત
તેરમી ઓવરમાં મુંબઈકર સૂર્યકુમાર યાદવનો કૅચ અમેરિકાની ટીમના મુંબઈકર સૌરભ નેત્રાવળકરથી છૂટી ગયો હતો. એ સમયે ભારતીય ટીમનો સ્કોર ૫૮/૩ હતો અને સૂર્યકુમાર યાદવે ૨૧ રન ફટકાર્યા હતા. જો સૌરભે આ કૅચ પકડ્યો હોત તો ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઈ હોત અને મૅચનું રિઝલ્ટ પણ બદલાઈ ગયું હોત. સૌરભે મૅચ બાદ કૅચ છૂટી જવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

