ICCએ લંડનમાં યોજ્યો હતો સાત ક્રિકેટર્સને સન્માનિત કરવાનો સમારોહ
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશને એમ. એસ. ધોનીને ICC હૉલ ઑફ ફેમમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યાં (ડાબે); ICC હૉલ ઑફ ફેમથી સન્માનિત થનાર ક્રિકેટર્સ સાથે ICC ચૅરમૅન જય શાહે પડાવ્યો ગ્રુપ ફોટો
લંડનમાં સોમવારે સાંજે પાંચ પુરુષ અને બે મહિલા સહિત સાત ક્રિકેટર્સને ICC હૉલ ઑફ ફેમથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૅથ્યુ હેડન (ઑસ્ટ્રેલિયા), ગ્રેમ સ્મિથ (સાઉથ આફ્રિકા), હાશિમ અમલા (સાઉથ આફ્રિકા), ડૅનિયલ વેટોરી (ન્યુ ઝીલૅન્ડ) અને સના મીર (પાકિસ્તાન) આ સન્માન સ્વીકારવા માટે હાજર રહ્યાં હતાં, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર સારાહ ટેલર કાર્યક્રમમાં આવી શક્યાં નહોતાં.
હોમટાઉન રાંચીમાં પોતાના ડેઇલ રૂટીનમાં વ્યસ્ત ધોની કયા કારણે લંડન ન ગયો એનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પણ આ કાર્યક્રમના બીજા જ દિવસે ગઈ કાલે તે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના જિમમાં જોવા મળ્યો હતો, જ્યાં અસોસિએશન દ્વારા તેને ફૂલોનો બુકે આપીને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. ધોની આ સન્માન મેળવનાર ભારતનો નવમો પુરુષ ક્રિકેટર અને ઓવરઑલ અગિયારમો ક્રિકેટર બન્યો છે.
ADVERTISEMENT
કોને મળે છે આ સન્માન?
૨૦૦૯થી આ સન્માન અવિશ્વનીય સિદ્ધિઓ મેળવનાર ક્રિકેટર્સને આપવામાં આવે છે. જેણે છેલ્લે પાંચ વર્ષ કે એથી વધુ સમય પહેલાં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમી હોય તેને જ આ સન્માન માટે માન્ય ગણવામાં આવે છે. હમણાં સુધી ૧૨૨ ક્રિકેટર્સને આ સન્માન મળ્યું છે.
આ સન્માન મેળવનાર ભારતીય પ્લેયર્સ
બિશન સિંહ બેદી (૨૦૦૯), કપિલ દેવ (૨૦૦૯), સુનીલ ગાવસકર (૨૦૦૯), અનિલ કુંબલે (૨૦૧૫), રાહુલ દ્રવિડ (૨૦૧૮), સચિન તેન્ડુલકર (૨૦૧૯), વિનુ માંકડ (૨૦૨૧), વીરેન્દર સેહવાગ (૨૦૨૩), ડાયના એદલજી (૨૦૨૩), નીતુ ડેવિડ (૨૦૨૪), એમ. એસ. ધોની (૨૦૨૫).
એમ. એસ. ધોનીનું નિવેદન
ICC હૉલ ઑફ ફેમમાં સ્થાન મેળવવું એ એક સન્માનની વાત છે જે વિશ્વભરના ક્રિકેટરોની વિવિધ પેઢીઓના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન પ્લેયર્સ સાથે તમારું નામ યાદ રાખવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. એ એવી વસ્તુ છે જેને હું હંમેશાં યાદ રાખીશ.

