રવિવારના મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતાએ કહ્યું, ‘હું ઈશ્વરનો આભારી છું, નિયમિત જિમમાં જાઉં છું અને પોતાને હંમેશાં ફિટ રાખું છું’
રવિવારે વાનખેડેમાં મૅચ પછી રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ. તસવીર iplt20.com
વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે ટિમ ડેવિડ (૪૫ અણનમ, ૧૪ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) છેલ્લી ઓવરમાં ફટકાબાજી કરીને મુંબઈ ઇન્ડિયન્સને જિતાડીને હીરો બની ગયો હતો, પરંતુ રાજસ્થાન રૉયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ (૧૨૪ રન, ૬૨ બૉલ, આઠ સિક્સર, સોળ ફોર) સુપરહીરો હતો અને રાજસ્થાનની ટીમ હારી ગઈ હોવા છતાં મૅન ઑફ ધ મૅચના પુરસ્કાર માટે તે લાયક હતો અને તેને એ આપવામાં આવ્યો હતો. વિજેતા સુકાની રોહિત શર્માને ઍન્કર હર્ષા ભોગલેએ યશસ્વીની સેન્ચુરીવાળી ધમાકેદાર ઇનિંગ્સ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘મને તેનો ગયા વર્ષનો પર્ફોર્મન્સ બરાબર યાદ છે. તે પોતાના પર્ફોર્મન્સને નેક્સ્ટ લેવલમાં લઈ ગયો છે. મેં તેને પૂછ્યું કે તારામાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? ત્યારે તેણે કહ્યું કે હું નિયમિત જિમમાં જાઉં છું. જોકે એ ભારત માટે અને રાજસ્થાન રૉયલ્સ માટે સારું કહેવાય.’
યશસ્વીને મળ્યા પાંચ અવૉર્ડ
ADVERTISEMENT
યશસ્વીને એક લાખ રૂપિયાના મૅન ઑફ મૅચ ધ મૅચના અવૉર્ડ ઉપરાંત બીજા ચાર પુરસ્કાર મળ્યા હતા : બિયૉન્ડ ધ બાઉન્ડરીઝ લૉન્ગેસ્ટ સિક્સર (૧,૦૦,૦૦૦ રૂપિયા), ઑન-ધ-ગો ફોર્સ (૧,૦૦,૦૦૦ રૂપિયા), મોસ્ટ વૅલ્યુએબલ ઍસેટ ઑફ ધ મૅચ (૧,૦૦,૦૦૦ રૂપિયા) અને ગેમ-ચેન્જર ઑફ ધ મૅચ (૧,૦૦,૦૦૦ રૂપિયા).
યશસ્વીએ હર્ષા ભોગલેને શું કહ્યું?
મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતનાર યશસ્વીએ ઍન્કર હર્ષા ભોગલેને પોતાના સુપર પર્ફોર્મન્સ વિશે પુછાતાં કહ્યું, ‘મને આ તક આપવા બદલ હું ઈશ્વરનો આભારી છું. આઇપીએલમાં આવી ઇનિંગ્સ રમવાનું મેં હંમેશાં સપનું સેવ્યું હતું જે સાકાર થઈ રહ્યું છે. હું પ્રોસેસમાં માનું છું, રિઝલ્ટ આપોઆપ આવશે. હું તનતોડ મહેનત કરવામાં પણ માનું છું. હું મનોબળ હંમેશાં રાખું છું. એટલું જ નહીં, ફિટનેસ અને ડાયટ પર પણ પૂરું ધ્યાન આપું છું.’
રવિવારે બન્ને કૅપ ભારતીય પાસે હતી
રવિવારે મુંબઈ-રાજસ્થાન મૅચના અંતે બન્ને કૅપ પર ભારતીય ખેલાડીનો કબજો હતો. હાઇએસ્ટ ૪૨૮ રન બનાવવા બદલ યશસ્વી જયસ્વાલ પાસે ઑરેન્જ કૅપ હતી, તો સૌથી વધુ ૧૭ વિકેટ લેવા બદલ ચેન્નઈના તુષાર દેશપાંડે પાસે પર્પલ કૅપ હતી.
યશસ્વીને એક સીઝનના ૪ કરોડ
મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી ગામનો ૨૧ વર્ષનો યશસ્વી થોડાં વર્ષ પહેલાં જીવનમાં ખૂબ સંઘર્ષ કરી રહ્યો હતો. ગરીબ પરિવારમાંથી આવતો યશસ્વી ક્રિકેટર બન્યો એ પહેલાં મુંબઈના આઝાદ મેદાનમાં એક ટેન્ટમાં મેદાનના માળીઓ સાથે રહેતો હતો અને મેદાનની નજીક સ્ટૉલ લગાવીને પાણીપૂરી વેચતો અને એમાં જે કમાતો એ પૈસા પરિવારને મોકલી આપતો હતો. ક્રિકેટની ટૅલન્ટને લીધે તે ધીમે-ધીમે ઉપર આવ્યો અને રણજી ટ્રોફી સુધી અને પછી આઇપીએલ સુધી પહોંચ્યો. રાજસ્થાન રૉયલ્સ તેને એક આઇપીએલ સીઝનના ચાર કરોડ રૂપિયા આપે છે.
યશસ્વી વિશે કોણે શું કહ્યું?
રૉબિન ઉથપ્પા : ભારતીય ક્રિકેટના હવે પછીના સુપરસ્ટાર્સમાં યશસ્વી જયસ્વાલનું નામ અચૂક હશે.
તે નીડર અપ્રોચ રાખીને બૅટિંગ કરે છે. તેની હિંમતને દાદ દેવી પડે. તેનું હાર્ડ વર્ક જ તેને સફળતા અપાવી રહ્યું છે. ગજબનું રમ્યો, ૧૬ ફોર અને ૬ સિક્સર. સુપર્બ.
કુમાર સંગકારા : યશસ્વી અત્યંત ટૅલન્ટેડ તો છે જ, હાર્ડ વર્કિંગ પણ છે. અમારી સાથે તેણે ત્રણથી ચાર વર્ષ દરમ્યાન પોતાની ગેમને નવી દિશા આપી છે. તે હંમેશાં પૂરી એકાગ્રતાથી રમે છે જેનાં પરિણામ તેને મળી રહ્યાં છે. તેની કરીઅર ઘણી લાંબી હશે, માત્ર અમારી (રાજસ્થાન રૉયલ્સ) સાથે જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ.


