આઇપીએલને લીધે જ આજે ભારતીય યુવા ખેલાડીઓ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ સાથે ખભેખભા મેળવીને રમી રહ્યા છે અને તેમના અનુભવનો લાભ મેળવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાની જનરેશન નેક્સ્ટ દેખાઈ રહી છે આઇપીએલ ૨૦૨૩માં
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવાનો મુખ્ય ધ્યેય યુવા ભારતીય ખેલાડીઓને તેમની ટૅલન્ટનો ચમકારો બતાવવા પ્લૅટફૉર્મ પૂરું પાડવાનો હતો અને હાલમાં ચાલી રહેલી ૧૬મી સીઝનને જોઈને લાગી જ રહ્યું છે કે એ પૂર્ણ રીતે સાકાર થઈ રહ્યો છે.
આઇપીએલને લીધે જ આજે ભારતીય યુવા ખેલાડીઓ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ સાથે ખભેખભા મેળવીને રમી રહ્યા છે અને તેમના અનુભવનો લાભ મેળવી રહ્યા છે. એને કારણે જ યુવા ભારતીય ખેલાડીને જ્યારે ઇન્ટરનૅશનલ લેવલે રમવાનો મોકો મળે છે ત્યારે તે પૂર્ણ રીતે પર્ફોર્મ કરવા ઘડાયેલો હોય છે અને તક મળતાં તરખાટ મચાવવામાં જરાય નબળો સાબિત નથી થતો. ટીમ ઇન્ડિયાની બૅન્ચ સ્ટ્રેંગ્થ આજે એટલી મજબૂત છે કે ‘બી’ કે ‘સી’ ટીમ પણ કોઈ પણ ઇન્ટરનૅશનલ ટીમને ટક્કર આપી શકવા સમર્થ છે. થોડા સમય પહેલાં કોવિડકાળ દરમ્યાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મેઇન ટીમ ઇન્ડિયા ઇંગ્લૅન્ડમાં વ્યસ્ત હોવાથી શ્રીલંકન ટૂર માટે યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો હતો. યુવા ખેલાડીઓએ શાનદાર પર્ફોર્મ કરીને સિરીઝમાં ૨-૧થી જીત પણ અપાવી હતી.
આઇપીએલના લીધે જ હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, રિષભ પંત વગેરે સિલેક્ટરોના રડારમાં આવ્યા હતા અને ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કરીને મેદાન ગજવી રહ્યા છે.
હાલમાં ચાલી રહેલી આઇપીએલની ૧૬ની સીઝન પર નજર કરીશું તો એવા ઘણા યુવા ખેલાડીઓ મેદાન ગજવી રહ્યા છે કે સિનિયર ટીમના અમુક ખેલાડીઓને હવે ટીમમાં તેમનું સ્થાન ખતરામાં લાગી રહ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમી રહેલો મહારાષ્ટ્રનો યુવા બૅટર ઋતુરાજ ગાયકવાડ (૮ મૅચમાં ૩૧૭ રન) ટીમને શાનદાર શરૂઆત આપી રહ્યો છે અને ભારતીય ટીમને ભવિષ્યનો એક ભરોસામંદ ઓપનર મળી ગયો હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં મુંબઈમાં પાણીપૂરી વેચીને સંઘર્ષ કરતો અને રાજસ્થાન રૉયલ્સ વતી મેદાન ગજવી રહેલો યશસ્વી જયસ્વાલ (૮ મૅચમાં ૩૦૪ રન) પણ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં જોવા મળશે એ બાબતે ભાગ્યે જ કોઈને શંકા હશે. ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ ગુજરાતનો આ સીઝનનો ખરો ટાઇટન્સ સાઈ સુદર્શન (પાંચ મૅચમાં ૧૭૬ રન) જ સાબિત થઈ રહ્યો છે. સુદર્શનના સાતત્યભર્યા પર્ફોર્મન્સને લીધે એ ટીમ ઇન્ડિયાને દ્વારે પહોંચી ગયો છે. પાંચ વખતની ચૅમ્પિયન અને સતત બીજા વર્ષે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ વતી ગઈ સીઝનની જેમ આ વર્ષે પણ ફક્ત તિલક વર્મા (૭ મૅચ, ૧૫૯ રન) સાતત્યપૂર્ણ પર્ફોર્મ કરતો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વેન્કટેશ ઐયર (૮ મૅચ, ૨૮૫ રન), પ્રભસિમરન સિંહ (૭ મૅચ, ૧૫૯ રન), રિન્કુ સિંહ (૮ મૅચમાં ૨૫૧ રન), દેવદત્ત પડિક્કલ (૭ મૅચમાં ૧૯૨ રન) વગેરે બૅટર્સ તેમની ટીમમાં હુકમનો એક્કો સાબિત થઈ રહ્યા છે તો યુવા બોલરો તુષાર દેશપાંડે (૮ મૅચમાં ૧૪ વિકેટ), સુયશ શર્મા (૬ મૅચમાં ૯ વિકેટ) અને આકાશ સિંહ તેમ જ અર્શદીપ સિંહ પણ અસરકારક સાબિત થઈ રહ્યા છે. ધ્રુવ જુરેલ અને અભિષેક પોરેલ પણ ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં જોવા મળે તો નવાઈ નહીં.
આમ આ ૧૬મી સીઝનમાં એક તરફ અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા, અમિત મિશ્રા અને ઇશાન્ત શર્મા જેવા જૂના જોગીઓ ‘હજી અમારામાં દમ છે’ એવો સંદેશો સિલેક્ટરોને આપી રહ્યા છે તો બીજી તરફ ઋતુરાજ, યશસ્વી, તિલક વર્મા અને સાઈ સુદર્શન અને રિન્કુ જેવા યુવાનો ઇન્ટરનૅશનલ લેવલ માટે ‘હમ હૈ તૈયાર’નો ઇશારો કરી રહ્યા છે.


