યશસ્વી જયસ્વાલ ગઈ કાલે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેના બેસ્ટ ફૉર્મમાં હતો
તસવીર iplt20.com
૨૦૦૮માં શરૂ થયેલી આઇપીએલની ગઈ કાલે ૧૦૦૦મી મૅચ વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ એ પહેલાં યોજાયેલા ખાસ સમારોહમાં ઉપસ્થિત બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તથા જૉઇન્ટ-સેક્રેટરી દેવાજિત સાઇકિયા તેમ જ ખજાનચી આશિષ સેલાર તેમ જ આ ટુર્નામેન્ટનો સૌથી સફળ કૅપ્ટન મુંબઈ ઇન્ડિયન્સનો રોહિત શર્મા, રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન સંજુ સૅમસન તથા હેડ-કોચ કુમાર સંગકારા. ભારતીય કૅપ્ટન રોહિતનો ગઈ કાલે ૩૬મો જન્મદિન હતો. આ સમારંભનું ઍન્કરિંગ રવિ શાસ્ત્રીએ કર્યું હતું. આઇપીએલની સૌથી પહેલી મૅચ ૨૦૦૮ની ૧૮ એપ્રિલે બૅન્ગલોરમાં કલકત્તા અને બૅન્ગલોર વચ્ચે રમાઈ હતી. એ સીઝન રાજસ્થાન રૉયલ્સે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ગઈ કાલે સચિને ૧૦૦૦મી ઐતિહાસિક મૅચના પ્રસંગે કહ્યું કે ‘આઇપીએલે ૧૬ વર્ષની સફરમાં વિશ્વભરના અસંખ્ય યુવા ક્રિકેટર્સને મોટાં સપનાં સેવવાનો મોકો આપ્યો.’
વાનખેડેમાં મુંબઈના યશસ્વીની મુંબઈ ઇન્ડિયન્સ સામે જબરદસ્ત ફટકાબાજી સાથે સેન્ચુરી
ADVERTISEMENT

રાજસ્થાન રૉયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ ગઈ કાલે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેના બેસ્ટ ફૉર્મમાં હતો. તેણે માત્ર ૬૨ બૉલમાં ૮ સિક્સર અને ૧૬ ફોર ફટકારી હતી. તે આઇપીએલની ૧૬મી સીઝનમાં હૈદરાબાદના હૅરી બ્રુક અને કલકત્તાના વેન્કટેશ ઐયર પછીનો ત્રીજો સેન્ચુરિયન બન્યો હતો. વેન્કટેશે પણ વાનખેડેમાં મુંબઈ સામે સદી ફટકારી હતી. ગઈ કાલે યશસ્વીના ૧૨૪ રનની મદદથી રાજસ્થાને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૨ રન બનાવ્યા હતા. યશસ્વીએ જૉસ બટલર સાથે ૭૨ રનની જે ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી એમાં બટલરના માત્ર ૧૮ રન હતા. તસવીર અતુલ કાંબળે


