વર્ષ ૨૦૨૬ના અંતે T20 રૅન્કિંગના આધારે ૪ મેન્સ ટીમ નક્કી થશે : યજમાન અમેરિકાને મળી એન્ટ્રી, છઠ્ઠી ટીમ ઑલિમ્પિક્સ ક્વૉલિફાયરથી નક્કી થશે
લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028માં ક્રિકેટ માટે ક્વૉલિફિકેશન સિસ્ટમ જાહેર કરવામાં આવી
ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)ના એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી બાદ લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028માં ક્રિકેટ માટે ક્વૉલિફિકેશન સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સની છ-છ ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં વધુમાં વધુ ૧૫ ખેલાડીઓ એટલે કે બન્ને કૅટેગરીમાં ૯૦ ખેલાડીઓ રમવા માટે તૈયાર રહેશે.
દરેક ઇવેન્ટમાં ૬ ટીમોને ત્રણનાં બે જૂથમાં વિભાજિત કરવામાં આવશે. દરેક ટીમ પોતાના ગ્રુપની બન્ને ટીમ સામે T20 મૅચ રમશે. ૬ ટીમોમાં ટૉચની બે ટીમો ગોલ્ડ મેડલ મૅચ રમશે જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો બ્રૉન્ઝ મેડલ માટે રમશે. પોમોનામાં ખાસ બનાવેલાં ક્રિકેટસ્થળોએ મેન્સ અને વિમેન્સની મળીને કુલ ૨૮ મૅચ રમાશે.
ADVERTISEMENT
આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયામાંથી એક-એક ટીમ ભાગ લેવાનું સુનિશ્ચિત થયું હોવાથી વિમેન્સ ટુર્નામેન્ટ માટે T20 વર્લ્ડ કપ 2026ના આધારે સાઉથ આફ્રિકા, ભારત, ગ્રેટ બ્રિટન (ઇંગ્લૅન્ડ) અને ઑસ્ટ્રેલિયાની ટીમ ક્વૉલિફાય થઈ ચૂકી છે. ૨૦૨૬ની ૩૧ ડિસેમ્બર સુધીમાં આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયાની ટોચ રૅન્ક ધરાવતી એક-એક મેન્સ ટીમ ક્વૉલિફાય થશે.
યજમાન તરીકે અમેરિકાની મેન્સ અને વિમેન્સ ટીમ ક્વૉલિફાય થઈ ચૂકી છે. જોકે તેઓએ ક્વૉલિફિકેશન વિન્ડો દરમ્યાન ICC T20 રૅન્કિંગમાં ટૉચના ૧૫મા રહેવું પડશે. બન્ને ઇવેન્ટ્સ માટેની છઠ્ઠી અને અંતિમ ટીમ ૨૦૨૭માં આઠ-આઠ ટીમો વચ્ચેના પ્રથમ ICC ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર દ્વારા નક્કી થશે.
અલગ-અલગ ટાપુ દેશના ખેલાડીઓથી બનેલી વેસ્ટ ઇન્ડીઝ ઑલિમ્પિક્સમાં ટીમ તરીકે ભાગ લઈ શકશે નહીં. જો તેઓ ઑલિમ્પિક ક્વૉલિફાયર માટેની ૮ ટીમોમાં ક્વૉલિફાય થાય છે તો રીજનલ પ્રતિનિધિ કૅરિબિયન ક્વૉલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.
