Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગઈ કાલ વિનાની આવતી કાલ

ગઈ કાલ વિનાની આવતી કાલ

Published : 01 November, 2026 09:48 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

જીવનમાં પોતાને જે કંઈ સારું લાગે છે એને આત્મસાત્ કરવાનું મન થાય છે. જોકે આ સારું પણ વખતોવખત બદલાય છે. એના પરિણામે ગઈ કાલે જે સારું હતું એ આજે એમ ને એમ નથી રહ્યું. હવે આજે આપણે બીજા સારાની શોધ કરીએ છીએ

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


દુનિયાની વસ્તી આજની તારીખે લગભગ ૮૦૦ કરોડ હશે એવું માનવામાં આવે છે. આ ૮૦૦ કરોડ માણસોમાં કંઈ ને કંઈ નામ તો હશે જ. આપણે આપણા પાળેલા કૂતરા કે કબૂતરનાં નામ પણ રાખીએ છીએ તો પછી માણસનું નામ ન હોય એવું તો બને જ કેમ? ઘડીભર માની લો કે પ્રત્યેક માણસને કંઈ ને કંઈ નામ નથી. માણસ જો નામ વિનાનો હોય તો આપણી આ વસ્તીનું શું થાય?

આ વાત આજે એટલા માટે યાદ આવે છે કે માણસે પોતપોતાના નામ માટે ઘણું કર્યું છે. સિકંદર કે પછી ભગવાન બુદ્ધથી માંડીને આજ સુધીમાં આપણે નામ મેળવવા કે મેળવ્યા પછી એને સ્થાપિત કરવામાં કેવું-કેવું અને કેટલું-કેટલું કર્યું છે. આજના ૮૦૦ કરોડ માણસોનાં નામ આપણે જાણતા નથી. આ ૮૦૦ કરોડમાંથી તમને યાદ હોય અને જેઓ તમારા પરિચિત હોય એવાં કેટલાં નામ હશે. ગણિત માંડશો તો તમે આ ૮૦૦ કરોડમાંથી ૮૦૦ માણસોને નામથી પણ ઓળખી શકશો નહીં અને છતાં આવા એક નામ માટે તમને કેટલાં યાદ છે ?



એવું કહેવાય છે કે સિકંદરે આખી પૃથ્વી જીતી લીધી હતી. આખી પૃથ્વી કોઈ જીતી શકે નહીં. સિકંદરને જીતવા માટે પૂરાં ૩૦ વર્ષ પણ મળ્યાં નહોતાં. ડેરાયસ કે સરાયસ આ મહાસમ્રાટો હતા અને તેમનાં નામ આજે હજારો વર્ષ પછી પણ આપણે યાદ રાખીએ છીએ, શું કામ? ભગવાન મનુને આપણે સૌથી પહેલો માણસ કહીએ છે. આ મનુએ આ સૃષ્ટિની રચના કરી એવું પણ કહેવાય છે. અહીં યાદ કરવા જેવું એ છે કે આ બધાં નામો આપણે ભૂલ્યાં નથી, એમને યાદ રાખ્યા છે; પણ જે ૮૦૦ કરોડ નામો આજે આપણી વચ્ચે છે એમાંથી કેટલાં પેલાં લુપ્ત થઈ ગયેલાં કરોડોમાંનાં એક છે. કરોડો નામો છે પણ એનાથી અનેકગણાં નામો અલોપ થઈ ગયાં છે. આજે આપણે યાદ કરવા હોય તો બુદ્ધ, ઈશુ જેવાં થોડાંક નામ પાઠ્યપુસ્તકનાં પવિત્ર નામ તરીકે યાદ રાખીએ છીએ; પણ આ નામોએ આપણને જે શીખવ્યું એ બધું તેમના પહેલાં કોઈને આવડતું નહોતું? પ્રેમ, અહિંસા, સત્ય આ બધા રૂપાળા-રૂપાળા શબ્દો અને વિભાવનાઓ આ લુપ્ત થયેલાં નામોએ આપણને આપી, પણ તેમણે આપી એ શું તેમણે જ શોધેલી હતી? તેમણે જે કહ્યું તેમનાથી પહેલાં આ વિભાવનાઓ કોઈ પાસે નહોતી? પ્રેમ, સત્ય, અહિંસા અને આ બધી વિભાવનાઓ ત્યારે હતી, આજેય છે અને છતાં આ શોધ પૂરી નથી થઈ. તો પછી આ શું છે એ પ્રશ્ન એવો ને એવો આપણી વચ્ચે ઊભો છે. ૮૦૦ કરોડ સહિત પૂર્વે થઈ ગયેલાં બધાં જ નામો ગણતરીમાં લઈએ તો શું આટલા જ ગણતરીમાં થવા જેવા માણસો થયા હશે? કરોડો અને અબજો માણસો પૃથ્વી પર થઈ ગયા. પૃથ્વી પર આપણી પાસે કંઈ નહોતું એમાંથી આ બધું છે એ આપણે કર્યું અને આમ છતાં  સરવાળો કરીએ છીએ ત્યારે થોડાંક જ નામો આપણી વચ્ચે ટકી શકે છે. આવું કેમ થાય છે?


શોધખોળ ચાલુ છે

માણસ હોય કે પછી કોઈ સજીવ પદાર્થ હોય - જ્યાં જીવન છે ત્યાં આ જીવનને એને પોતાને જે કંઈ સારું લાગે છે એને આત્મસાત્ કરવાનું મન થાય છે. આ સારું પણ વખતોવખત બદલાય છે. એના પરિણામે ગઈ કાલે જે સારું હતું એ આજે એમ ને એમ નથી રહ્યું. હવે આજે આપણે બીજા સારાની શોધ કરીએ છીએ. બીજું કોઈ પરમ સત્ય કે પછી અદ્ભુત પ્રેમ વિભાવના આ બધાની શોધ આગળ ચાલે છે. માણસને ખબર છે કે આ પ્રેમ અને આ સત્ય ને આ બધું પરમ પરમ પરમ છે. આ પરમને કઈ રીતે પ્રાપ્ત કરવું એ વિશે એ ઓછું જાણે છે. એનાં સંશોધનો ચાલુ છે. આમ કરોડો વર્ષોથી કરોડો માણસો પોતે જેને સારું માણ્યું છે એનો સ્વીકાર કરવા મથે છે. આ સ્વીકાર તત્કાળ થતો નથી એટલે આ કરોડો નામધારીઓ પહેલાં આગળ વધે છે અને પછી આ યાત્રામાં બીજું જે કોઈ આડું આવે છે તેની સાથે તેણે જે નહોતું કરવું જોઈતું એ બધું કરવા માંડે છે. હવે તે એવું માનવા માંડે છે કે આ વિશ્વને પોતે માની લીધેલી સારપથી તેને પેલો માણસ જ આડે આવે છે અને પછી સંઘર્ષોનો આરંભ થઈ જાય છે. આ સંઘર્ષ એટલે કરોડો વર્ષોથી કરોડો માણસો જે મહાયુદ્ધ વચ્ચે જીવી રહ્યા છે એની ઇતિહાસગાથા.


વિસ્મરણ એક વરદાન છે

માણસે ઘણું કર્યું, ઘણું યાદ રાખ્યું અને આમ છતાં ઘણું ભુલાઈ ગયું છે. જે ભુલાઈ ગયું છે એ બધું ભુલાઈ જવા જેવું હતું એમ ન કહી શકાય. એ બધું યાદ રાખવા જેવું જ
હતું એમ પણ ન કહી શકાય. સ્મૃતિ-વિસ્મૃતિના આ અવનવા ખેલ વચ્ચે આપણે પેલી શોધ ચાલુ રાખવાની છે. આજના
૮૦૦ કરોડ માણસો કદાચ ભૂલી ગયા છે કે તેમની શોધ કોઈક એવા પદાર્થ માટે થઈ રહી છે કે જે આપણને આવતી કાલ આપે છે અને છતાં આપણે ગઈ કાલને જ વળગી રહ્યા છીએ. આ ગઈ કાલ વિનાની આવતી કાલ આપણને મળશે નહીં અને આપણે શોધી રહ્યા છીએ.

 

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 09:48 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK