સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
નરેન્દ્ર મોદીએ રેઇન ફૉરેસ્ટમાં અને એમાં આવેલા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવૉક બ્રિજની મુલાકાત લીધી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે રેઇન ફૉરેસ્ટ, વામન વૃક્ષ વાટિકા સહિતનાં નવાં આકર્ષણો તથા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
૯.૪૯ કરોડના ખર્ચે તૈયાર થયું છે રેઇન ફૉરેસ્ટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીના અવસરે નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ રેઇન ફૉરેસ્ટ ખુલ્લું મૂક્યું હતું. ગોરા બ્રિજ પાસે ૯.૪૯ કરોડ રૂપિયાના ખર્ચે ૪૭,૦૦૦ ચોરસ મીટરમાં આ રેઇન ફૉરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરીને નરેન્દ્ર મોદીએ એની મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે નરેન્દ્ર મોદીએ રેઇન ફૉરેસ્ટમાં આવેલા ૨૨૦ મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવૉક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નિહાળ્યો હતો.
ADVERTISEMENT
વામન વૃક્ષ વાટિકાની લીધી મુલાકાત
નરેન્દ્ર મોદીએ એકતાનગર નર્સરી નજીક નિર્માણ પામેલી વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી હતી. આ વાટિકામાં ૬૫ જાતિનાં ૧૧૪૭ મિનીએચર વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. નરેન્દ્ર મોદીએ વાટિકામાં ફરીને બોન્સાઇ વૃક્ષો નિહાળ્યાં હતા. તેમણે અહીં આવેલા ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઇ સુધીની યાત્રા, પરંપરાગત ટેક્નિક અને વર્ચ્યુઅલ ટૂરની દૃશ્ય-શ્રાવ્યની પ્રસ્તુતિ નિહાળી હતી. આ ઉપરાંત બોન્સાઇ તાલીમ કાર્યશાળાની મુલાકાત લઈને સ્થાનિક મહિલા કારીગરો દ્વારા થતી વામન વૃક્ષ ઉછેરની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને સંવાદ કર્યો હતો.
૪૨૬.૭૦ કરોડનાં વિકાસકાર્યો
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે નરેન્દ્ર મોદી દ્વારા એકતાનગર ખાતે પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ૪૨૬.૭૦ કરોડ રૂપિયાના પચીસ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભારતીય વાયુસેનાનાં બે હેલિકૉપ્ટર દ્વારા સરદાર પટેલની વિરાટ પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
સવાર-સવારમાં દોડ્યું યુનિટી માટે ગુજરાત દેશભક્તિનો છવાયો માહોલ
દેશને આઝાદ કરવામાં અને એક કરીને અખંડ રાખવામાં સિંહફાળો આપનારા દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ ગઈ કાલે ગુજરાતમાં ઠેર-ઠેર રન ફૉર યુનિટીનું આયોજન થયું હતું. એમાં ગુજરાતવાસીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા અને યુનિટી માટે સાથે મળીને દોડ્યા હતા. એને કારણે ગુજરાતમાં સવાર-સવારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ દોડમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ હતી કે ગુજરાતમાં યોજાયેલી દોડમાં સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે તેમ જ પોલીસે મોટી સંખ્યામાં જોડાઈને રન ફૉર યુનિટીમાં રંગ રાખ્યો હતો. ઠેર-ઠેર સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.
